Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Inspirational Thriller

4.7  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Inspirational Thriller

બા

બા

6 mins
553


મા,...વાત્સલ્યનું અવિરત અને અખૂટ ઝરણું.

જીવન ના દરેક તબક્કે એ નિ:સ્વાર્થ રહે છે.

જ્યારે એ અકથ્ય અને મરણતોલ પીડા વેઠી પોતાના લોહીમાંથી તમારો પિંડ નોખો પાડી જન્મ આપે છે ત્યારે પણ...એ વેદના અને તે પછી તમારા શરીરને ચોખ્ખું રાખવા ને પોષવામાં ભલા શું સ્વાર્થ હોય તેને ? ફકત ને ફકત પ્રેમ અને નીતરતું વાત્સલ્ય જ એની દરેક કાળજીનું પ્રેરક હોય છે.

મોટા થાવ, સારી નોકરી ધંધો કરો કે સારું ભણી ને આગળ વધો એમાં પણ તે કેટલો રસ લેતી હોય છે !

પોતાનું સંતાન આગળ વધે તે માટે કેટલી ઘેલી હોય છે ને એ નિ:સ્વાર્થ ઘેલછામાં પોતાના સુખ, ચેન અને આરામનો હસતાં હસતાં ભોગ આપી દે છે.

દીકરો કે દીકરી ગમે તેટલો મોટો માણસ બને તો પણ માં ને તો શું જોઈએ ? બસ પ્રેમ નીતરતી તમારી આંખો અને તમારા બે મીઠા બોલ !

બસ આટલું જ એ વળતર માંગે.

આવું વાત્સલ્ય ઝરણું જ્યારે અચાનક થંભી જાય ત્યારે ... ત્યારે જ તેની ખરી મહત્તા સમજાય છે. આજના આ મહત્વના દિવસે વિશ્વ માતૃદિનનો હું એટલો જ સંદેશ તમામ બાળકો ને આપવા માગીશ કે, મા ની મમતાનું મૂલ્ય કદી આંકી શકાતું નથી. મમતા કદી વેચાતી મળતી નથી. આવી અમૃતધારા સમાન મા ની મમતાનું બધા આજીવન જતન કરજો.

મારી વાત ને અહીં વિરામ આપુ છું.

જય હિન્દ !

સમગ્ર પટાંગણ તાળીઓના ગડગડાટથી ભરાઈ ગયું.

***

પ્રો. વિશ્વંભર આમ તો આ નાનકડા શહેરનું મોટું નામ. સાહિત્ય ક્ષેત્રે અને મોટીવેશનલ વક્તા તરીકે છેલ્લા બે એક વર્ષથી સર્વત્ર પ્રસિદ્ધિ પામી ચૂક્યા હતા. આજે વિશ્વ માતૃ દિન નિમિત્તે શહેરની પ્રતિષ્ઠિત જન પ્રકાશ હાઈસ્કૂલમાં વિશેષ આમંત્રિત વક્તા તરીકે બાળકો ને મા ની મમતાનું મહત્વ સમજાવી રહ્યા હતા. કાર્યક્રમ પૂરો થયો ને પ્રોફેસર પોતાની કારમાં બેસી ઘર તરફ રવાના થયા.

***

કાર ચલાવતી વખતે વિશ્વંભરનું મન ચકરાવે ચઢ્યું હતું.

પોતે...માતૃ પ્રેમ ના મોટા મોટા ભાષણો ઠપકારી આવે છે. પણ, પોતાની સગી જનેતા દૂર વતનમાં નિ:સહાય એકલી પડી રહી છે. ખબર અંતર માટે રૂબરૂ છેલ્લે દિવાળી પછી ગયેલ. એ વાત ને પણ છ મહિના થઈ ગયા...બસ, ઔપચારિકતા ખાતર જાણે કોઈ વાર ગામમાં પાડોશી નરસિંહને ફોન કરી બાની પૃચ્છા કરી લે છે. પણ, આજે મનમાં કાંઈક એવું થાય છે કે જાણે મોટો ગુનો થઈ રહ્યોછે. 

નાના મોટા વાર તહેવારે જ્યારે અહીં શહેરમાં ફરવાની ને જમવાની મોજમજા મિત્રો, બાળકો સાથે કરતા હોય ત્યારે બા એકલી ફળિયામાં ખાટલો નાખી કેવી લાચાર બેસી રહેતી હશે !

તેની તબિયત પણ કોઈ વાર તો જવાબ દઈ દેતી હશે ને ! એકલી ગામડાના વૈદ દાક્તરો પાસે જતી હશે કે પછી તાવ બિમારી ને કળતર સહન કરતી હશે ? 

અહી ભાત ભાત ના પકવાન જમ્યા કરતા અમે કદી ક્યાં વિચાર્યું છે કે બા એ જમવાનુ બનાવ્યું હશે કે નહીં ?

ગામડાની થોડી ખેતીની આવકમાં તેનું એકલીનું ગુજરાન ભલે થઈ જતું...પણ, આટલા વર્ષ દુઃખ વેઠી મોટા કરેલ સંતાનો હવે તેણી ને એકલી મૂકી શહેરોમાં કેવા મજા કરે છે !

ઘરમાં દીકરો કે દીકરી કોલેજ જતા થયા ને હોસ્ટેલમાં રહેતા થયા છે. રોજ વિડિયો કોલથી વાત કરે છે, પત્ની માનસી પણ જોડે છે તો પણ કેવું ઘર સૂનું લાગે છે તો બા ને આટલી ઉંમરે પોતાના સ્વર્ગસ્થ પતિ અને સંતાનોની હુંફ નહીં સાલતી હોય!

અહીં શહેરમાં બા ને લાવવા એક વાર ફરી માનસી ને સમજાવી જોઉં તો કેવું ? સાસુ નો પડછાયો પણ અહીં ઘરમાં ના જોઈએ તેવું રટણ કરતી માનસીને પોતે સમજાવી શકશે ? 

શું સાચે જ પોતાનું માનસી આગળ ઉપજતું નથી ?

શું થઈ શકે ? શું કરું...કેવી રીતે પત્નીને સમજાવી શકું ? વિશ્વંભરનું મનોમંથન ચાલી રહ્યું ને ઘર આવી ગયું.

***

ઘરમાં પ્રવેશી વિશ્વંભર સોફામાં બેસી પડ્યો. તેના આશ્ચર્ય વચ્ચે પાણીનો ગ્લાસ લઈ ઊભેલી માનસી તેને કાંઈક અચરજ ભરી મૂર્તિ સમાન ભાસી રહી જાણે !

"કહું છું... આપણે ગામડે જઈ આવીએ ?"

વિશ્વંભર ચમક્યો !

" ગામડે ? ... હમણાં લગી તો તું જવાની ના પાડતી હતી, હવે અચાનક ?"

" હા, કહું છું જઈ આવીએ..."

" તે કંઈ કામ આવી પડ્યું કે શું... ?"

" ના...ખાસ કંઈ નથી."

" માનસી.., બને જ નહીં...અચાનક તારું હૃદયપરિવર્તન થયું કે શું ? પાંચસો કિલો મીટર દૂર ગામડું ક્યાંથી સાંભળ્યું ?"

" સાચું કહું તો મારી મા ને મળવા જાઉં છે...રસ્તામાં વળતા આપણાં ગામડે બા ને પણ મળતા આવીશું..."

વિશ્વંભરનું આશ્ચર્ય વધવા માંડ્યું.

"પણ, સાસુ મા તો હમણાં ત્રણેક મહિના પહેલા જ અહી આવી ને ગયા...કંઈ બન્યું છે ?"

" હા...ના,.કંઈ નહીં..."

" શું...હા, ના માંડ્યું છે...માનસી ?''

" ભાઈ ને ભાભી શહેરમાં રહેવા જતા રહ્યા છે, મા ને એકલી ગામડે મૂકી છે. ભાભી હવે મા સાથે રહેવાની ના પાડે છે. બા ને તો આટલી ઉંમરે ચલાતું ય નથી...ઘરકામ ને રાંધવાનું તો ક્યાંથી થાય...બીમાર છે. ભાઈનો ફોન આવ્યો હતો. ભાભીનાં ઝઘડાળુ સ્વભાવ ના લીધે તે કાંઈ કરી શકે તેમ નથી તેવું કહી ફોન મૂકી દીધો !"

આટલુ બોલતા...માનસી ધ્રૂસકે ચઢી ગઈ હતી.

વિશ્વંભર થોડી વાર તો મૌન રહ્યો પછી સામે ભીંત પર ટિંગાડેલ પોતાની મા ના ફોટા સામે જોઈ રહ્યો.પછી બોલ્યો,

" કાલે સવારે વહેલા નીકળી જઈશું..."

***

માનસી અને વિશ્વંભર વતનની વાટે હતા...

પહેલાં વિશ્વંભરનું ગામ આવે અને તે પછી પચાસેક કિલોમીટર વટાવી આવે તેની સાસરી.

જ્યારે જ્યારે વતનમાં બા ને મળવા આવ્યો ત્યારે આખો દિવસ કદી બા ની પાસે બેસવા મળ્યું નથી. માનસી તૈયાર જ હોય...પિયરની વાટે દોડી જવા. સાસુની સંભાળ કરતાં પિયળની પંપાળ વધુ વ્હાલી હતી.

બપોરની વેળા એ વિશ્વંભરની કાર પોતાના ગામ નજીક પહોંચી. પોતાની મા ની ચિંતામાં મૌન માનસી હવે અચરજ પામી.

" કહું છું, પહેલાં બા ને મળતા જઈએ ને ? પછી મારા પિયર જઈએ...''

" ના, પહેલાં તારી મા ની તબિયતની મને ચિંતા છે... સીધા ત્યાં જઈએ..."

આટલુ બોલી રહેલ વિશ્વંભર દૂરથી પોતાના ગામના પાદરનો દેખાતો વડલો જોઈ રહ્યો...ને કાર આગળ હંકારી.

આટલી ગરમી માં પણ બા...એકલી ખાટલે બેસી પોતાના સાડલાના છેડાથી વાયરો નાંખતી જાણે પોતાને બોલાવતી હોય તેવો પ્રોફેસરને ભાસ થઈ રહ્યો.

પોતાના પિયરની તરફ ગતિ કરી રહેલ કારમાં બેઠાં બેઠાં માનસી એ પતિની આંખના ખૂણે બહાર આવવા મથી રહેલું આંસુનું ટીંપુ જોઈ લીધું હતું.

***

બીમાર સાસુમાં સારસંભાળ વગર કૃશ થઈ ગયા હતા. માનસી અને વિશ્વંભર ગામમાં ઉપલબ્ધ ડોક્ટર પાસે લઈ ગયા, સારવાર કરાવી ઘરે લાવ્યા.

" માનસી, સાસુ માં ની બેગ તૈયાર કરી લે...તેમને આપણી સાથે રાખીશું હવે..."

આશ્ચર્ય પામવાનો વારો માનસીનો હતો... વિચારી રહી,

પોતે આટલા વર્ષોમાં પતિની વાત સાંભળી જ નથી. વતનમાં એકલા ઝૂરી રહેલ સાસુ ને શહેરમાં પોતાની સાથે લાવવા માટે તો ઠીક પણ વર્ષમાં એકાદ વાર ખબર કાઢવા આવવા માટે પણ પોતે ટસની મસ ક્યાં થતી હતી ? વિશ્વંભર કેટલી વિનંતી કરતો ત્યારે માંડ આવવા તૈયાર થતી. અને...આજે, જ્યારે પોતાની મા ને ભાઈ ભાભીએ તરછોડી છે ત્યારે વિશ્વંભર કેટલો દયાવાન ને સમજણવાળો બન્યો છે...પોતે આજ સુધી કરેલ વર્તન ખરેખર માફ કરવા લાયક નથી જ !

આ વખતે માનસીની આંખોમાં ઉમટેલા પસ્તાવાના આંસુથી જો કે વિશ્વંભર અજાણ હતો !

***

બીજા દિવસે વૃદ્ધ સાસુ ને સંભાળ પૂર્વક કારમાં બેસાડી વિશ્વંભરે કાર હંકારી મૂકી...વતનના ગામ તરફ.

બા ને મળી નીકળી જવાનું હતું...હંમેશની જેમ !

ગામે પહોંચી... હંમેશની જેમ ફળિયા વચ્ચે ખાટલો ઢાળી જાણે વાટ જોતી બેઠેલી પોતાની ' બા ' ને જોઈ વિશ્વંભર કદી નહીં ને આજે રડી પડ્યો !

વૃદ્ધ બા નો હેતાળ હાથ દીકરાના માથે ફરી રહ્યો.

કલાકેક પછી બંને ડોશીઓ વાતે વળગી હતી ને, વિશ્વંભર રસોડામાં બે વાટકી, ચમચી, જૂની તપેલી ને તૂટી ગયેલ ચૂલાની દુનિયામાં પોતાની જનેતાની હાડમારી જોતો ઊભો હતો.

" કહું છું...."

" હા, થોડી વાર બા પાસે બેસી લેવા દે મને, પછી નીકળીએ"

" એમ નહીં, કહું છું...કારની ડેકી ખોલો ને.. ?"

" શું મૂકવાનું છે વળી... ?"

" બેગ તૈયાર કરી છે...બા ની..., બન્ને ઘરડા જીવો સાથે રહે તો તેમને ય ફાવશે ને આપણું ઘર પણ ભર્યું ભર્યું થશે.."

આટલુ બોલી માનસી નીચું જોઈ ગઈ હતી.

***

કારની ડેકીમાં બંને બેગ સારી રીતે ગોઠવાઈ ગઈ હતી.

મમત આગળ મમતા જીતી હતી.

શહેર તરફ રવાના થયેલ માનસી અને વિશ્વંભર આજે પોતાની સાથે મમતારૂપી બે ઝરણા લઈ નીકળ્યા હતાં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational