અવસર
અવસર
નિરાલી ખરેખર કંટાળી ગઇ હતી. હજી તો લોકડાઉન થયે માંડ બે દિવસ થયા હતા. એમાં ય પતિ અને પુત્ર પર્ણની સતત ફરમાઈશ ચાલુ જ હતી. પતિ તો જાણે ઘરને ઓફિસ સમજી બેઠો હતો. દર કલાકે ચાની ફરમાઈશ ચાલુ જ હોય. દિકરો પણ કહેતો, "મમ્મી મારી પણ અડધો કપ મુકજે."પતિ ને તો કંઈ કહી શકતી ન હતી, પરંતુ પુત્ર ને તો કહેતી, "ચા પીવાથી ભૂખ નહિ લાગે." પણ પતિને શું કહે ?
ઘણીવાર નિરાલીની આંખોમાં આંસુ આવી જતાં. પુષ્કળ થાકી જતી કારણ લોકડાઉનમાં કામવાળી પણ રજા પર હોય અને સતત ચા મુકયા કરવાની, એટલા વાસણો સાફ કરવાના, કચરાપોતા, કપડાં, રસોઈ કરતાં થાકી જતી. એમાંય પતિ કહે, "હવે તો રજાઓ છે તો દરરોજ મિઠાઈ અને ફરસાણ તો કરવાના જ. ઘણા વર્ષો પછી મને આટલી શાંતિ મળી છે એનો હું ભરપુર આનંદ ઉઠાવવા માંગુ છું. " પર્ણ તો મમ્મીને કહેતો જ, "જો મમ્મી, પપ્પા માટે તારે જે બનાવવું હોય એ બનાવજે મને એ બધું નહિ ભાવે. મારા માટે તો ચાઈનીઝ કે પંજાબી કે પાસ્તા એવું જ બધું બનાવજે નહિ તો હું નહિ ખઉં"
અઠવાડિયા પછી નિરાલી એક દિવસ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. કાયમ હસતી રહેતી પત્ની રડે એ તો આશ્ર્ચર્ય કહેવાય.
આખરે નિરાલીની વ્યથા સાંભળીને એના પતિને દુઃખ થયું. કારણકે એમને પત્ની વિષે વિચાર્યું જ ન હતું.જો કે પતિને પણ પોતાની ભુલ સમજાઈ ગઈ હતી. એ સમજી ચુકયા હતા કે પુત્ર પણ એમનું જોઈને જ ફરમાઈશ કરવાનું શીખી ગયો છે. પત્ની ને ખરેખર તકલીફ પડતી હતી. એમને રજાઓ હતી એનો પણ પુરો પગાર મળવાનો હતો. પણ પત્ની તો કયારેય રજા ના ભોગવી શકે.
તેથી જ એમને પુત્ર ને બોલાવી ને કહ્યું, "હું કોલેજમાં ચેસ ચેમ્પિયન હતો. ચલ હવે હું તને ચેસ શીખવાડું"
પર્ણ ખુશ થઈ ગયો કારણ લોકડાઉનના કારણે એના મિત્રો એની સાથે રમવા આવતાં ન હતા. એમાં ય પપ્પા જોડે રમવા મળશે એ વિચારથી જ એ ખુશ હતો. ત્યારબાદ તો કલાકો સુધી બાપદિકરા ને ખાવાપીવાનું યાદ જ ના આવતું. પર્ણને પણ ચેસ ગમવા માંડી. એવામાં જ એને ખબર પડી કે ચેસની ઈન્ટરનેશનલ હરિફાઈ થવાની છે. એમાં એને ભાગ લીધો અને પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો.
એને તો જાણે લોકડાઉનના અવસરને એક ઉત્સવમાં ફેરવી કાઢ્યાે હતો.
