અતૂટ બંધન
અતૂટ બંધન
રમણલાલના કુટુંબની ગણતરી શહેરના ધનવાન કુટુંબોમાં થતી હતી. રમણલાલ તેમના પત્ની તથા તેમના બે બાળકોના પરિવાર સાથે સુખી-સંપન્ન જીવન જીવતા હતા. બંગલો, મોટર, નોકર, ચાકર તથા પુત્રો, પૌત્રનું સુખ તેમના નસીબમાં હતું. લક્ષ્મી અને સરસ્વતી બંનેની કૃપા તેમની પર વરસી રહી હતી !
કર્મની ગતિ પણ ન્યારી હોય છે. જીવનમાં લેવાયેલા એક ખોટા નિર્ણયથી આપણું સર્વસ્વ નાશ પામે છે કંઈક આવું જ આ કુટુંબ સાથે પણ થયું. કહેવાય છે કે કાળ કોઈને છોડતો નથી તથા વિનાશકાળે વિપરીત બુદ્ધિ ! તેમના નાના દીકરાએ રાતોરાત વધુ પૈસા કમાવવાની લાલચમાં મોટી રકમ શેરબજારમાં તથા કેટલીક રકમ એક નવી કંપનીમાં રોકી હતી પરંતુ શેરબજારમાં તેમને ભારે નુકસાન થયું અને એ કંપની લોકોને છેતરનારી કંપની નીકળી. રમણલાલના માથે દેવું એટલું થઇ ગયું કે ધીમેધીમે શેઠ મોટા બંગલામાંથી ભાડાના મકાનમાં આવી ગયા. રમણલાલ તેમના પત્ની તથા તેમના બે દીકરાઓએ નાનકડાં ઘરમાં ફરીથી એકડો ધૂંટવાની શરૂઆત કરી.
આજ સુધી જેમણે દુઃખનો પડછાયો પણ નહોતો જોયો તેમના માથે દુઃખના ડુંગરા તૂટી પડ્યાં ! ઘરમાં અનેક અગવડતા પડતાં તેમનો નાનો દીકરો કે જેના કારણે જ આવી કપરી પરિસ્થિતિ ઉભી થઈ હતી તેણે પોતાની સાસરીમાં રહી ઘરજમાઈ બનવાનો નિર્ણય લઈ લીધો. જીવનમાં દુઃખ આવે ત્યારે જ ખબર પડે છે કે કોણ આપણું અને કોણ પારકું. તેમના મોટા દીકરા તથા વહુએ તેમના સાસુ સસરાની સાથે જ રહેવાનો નિર્ણય લીધો. ઘરમાં સાસુ વહુ મા દીકરીની જેમ રહી ધર ચલાવવામાં સહયોગ આપવા લાગ્યાંં. તેમનો મોટો દીકરો તુષાર પણ કામની શોધ કરવા લાગ્યો. નોકરી માટે તે અનેક જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા ગયો પરંતુ તેને નિરાશા જ મળી.
એક દિવસ તે ઘરે પરત ફરતો હતો ત્યારે તેને પોતાના ઘરે કામ કરતો ડ્રાઇવર મળ્યો. તેને જોઈ તુષારભાઈએ કહ્યું,
"મને પણ કોઈ ડ્રાઈવીંગનું કામ હોય તો કહેજો."
"સાહેબ આપ શું બોલ્યા ?"
"હું પોતે આપના ઘરે કામ કરતો હતો. આપે તો કયારેય જાતે કાર ચલાવી નથી."
"હા.. ભાઈ.. આ તો સમય સમયની વાત છે. એ સમયે કદાચ તે મારે ત્યાં ડ્રાઈવરનું કામ કર્યું હશે પણ હવે મને કામની સખત જરૂર છે. આટલા ઇન્ટરવ્યૂ આપવા છતાં કોઇ જગ્યાએથી મને નોકરી મળતી નથી. ઘરમાં પૈસાની ખૂબ જ અગવડતા પડે છે. તું મને આ ડ્રાઇવિંગની નોકરી અપાવી શકીશ તો તારી મહેરબાની."
"સાહેબ આપ ઈચ્છો તો રાતના સમયમાં હું તમને આ ગાડી આપીશ તથા આપના માટે ટેક્સી ડ્રાઇવરની નોકરી પણ શોધી આપીશ."
તુષારભાઈ પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. ડ્રાઇવરમિત્રના સહયોગથી તુષારભાઈને ટેક્સી ડ્રાઇવિંગ માટેની એક નોકરી મળી ગઈ. થોડી ઘણી આવક ઘરમાં થવા લાગી. ઘરના કુટુંબીજનો સુખનો રોટલો રળવા લાગ્યાં. તેઓ તો આવી કપરી પરિસ્થિતિમાં પણ ખુશ હતા.
એક દિવસ તુષારભાઈ પેસેન્જરો સાથે જતા હતા ત્યાં અચાનક તેમની નજર કાર રેસિંગના એક મોટા બોર્ડ પર પડી. એ જોઈ તેમની કારમાં બેઠેલા પેસેન્જરો બોલ્યા કે, "કાર રેસિંગમાં દેશ વિદેશથી લોકો આવે છે તથા લાખો રૂપિયાના ઈનામો પણ આપવામાં આવે છે તથા ઘણી બધી એડમાં પણ કામ કરવાનો અવસર મળશે. આવી કાર રેસિંગ માટે લોકો વર્ષૉ સુધી પ્રેકટીસ કરતા હોય છે."
તુષારભાઈ રેસિંગના વિચારો કરતાં ઘરે પહોંચ્યા ત્યાં તેમની પત્નીએ કહ્યું કે, "બાપુજીની તબિયત આજે ઠીક લાગતી નથી. વળી, એકવાર તો તેમને ચક્કર પણ આવ્યા." બીજા જ દિવસે તુષારભાઈ બાપુજીને દવાખાને ચેકઅપ કરાવવા લઇ ગયા. તપાસ કરાવતા શેઠ રમણલાલની તબિયત નાજુક જણાતાં ડોકટરે તાત્કાલિક બાયપાસ સર્જરી કરાવવાની સલાહ આપી. તેમના પરિવારના માથે તો જાણે આભ તૂટી પડ્યું ! તેમનું કુટુંબ એક સાંધે ત્યાં તેર તૂટે ! એવી પરિસ્થિતિ હતી.
અચાનક તુષારભાઈને રેસિંગનું બોર્ડ યાદ આવ્યું. તેમણે ત્યાં જઈ તપાસ કરતાં ખબર પડી કે અહીં તો વર્ષોથી પ્રેક્ટીસ કરનારા રેસરો આવે છે તથા કાર રેસમાં જીવનો જોખમ હોય છે. તેઓ તો થોડા જ ટાઈમથી માત્ર ટેક્સી ચલાવતા હતા પરંતુ તેમની આંખ સામે તેમના પિતાનો ચહેરો તરવરતો હતો. તેમણે ફટાફટ ફોર્મ ભર્યું રેસલરના આયોજકોએ તેમને જણાવ્યું કે આ કોઈ ખાવાના ખેલ નથી. થોડું વિચારીને પછી ફોર્મ ફરજો. તુષારભાઈને તેમના પિતા સિવાય કશું જ દેખાતું ન હતું.
બીજા દિવસે કાર રેસિંગ કોમ્પિટિશન શરૂ થઈ. તુષારભાઈને તો માત્ર હોસ્પિટલમાં એડમિટ પિતાનો ચહેરો તથા પિતાના ઉપકારો દેખાતા હતા. પોતાના પિતાને બચાવવા માટે તેમણે એવી કાર ચલાવી કે સૌ કોઈ તેમને જોઈ દંગ રહી ગયા. વર્ષોના અનુભવી મિત્રો પણ તુષારભાઈની આગળ પાછળ રહી ગયાં. તુષારભાઈ છેવટે રેસ જીતી ગયા. તુષારભાઈને જ્યારે મીડિયાવાળાએ પુછ્યું કે તમે કેવી રીતે આ સંભવિત બનાવ્યું તો તેમણે કહ્યું કે, "બધાના માટે જીત કે પૈસા મહત્વના હતાં પરંતુ મારા માટે તો મને જન્મ આપનારા મારા પિતા મહત્વના છે. મને તો મારા પિતા સિવાય બીજું કંઈ જ દેખાતું ન હતું. મેં રેસમાં ભાગ કોઈ લાલચથી નહોતો લીધો પરંતુ મારા પિતાજીના જીવને બચાવવા માટે લીધો હતો અને કદાચ એટલે જ મારા પિતાજીના આશીર્વાદથી હું આ રેસ જીતી શકયો."
એ રકમને લઇ તેઓ હોસ્પિટલ દોડી ગયાં. તેમનો નાનો ભાઈ પણ પિતાની માંદગીના સમાચાર સાંભળી દોડી આવ્યો. પરિવારજનોના પ્રેમથી રમણલાલ પણ ઝડપથી સાજા થઈ ગયાં. બંને ભાઈઓએ પિતાના આશીર્વાદ તથા ઈનામની રકમથી ફરીથી ધંધો શરૂ કર્યો તથા થોડા જ વર્ષોમાં ગુમાવેલું બધું પાછું મેળવી લીધું. સૌ કોઈ પિતા-પુત્રના આ અતૂટ બંધનની મિશાલ આપવા લાગ્યાં.
