અથશ્રી નિવેદનકથા
અથશ્રી નિવેદનકથા
સામાન્ય રીતે મોટા ભાગના લોકોમાં એવો ખ્યાલ હોય છે કે શહેરમાં શ્વસતા અને આલિશાન ફ્લેટ અને બંગલામાં રહેતા લોકોને કોઈ ચિંતા જ હોતી નથી. જોકે આઠમા માળે ફ્લેટ નંબર 402માં રહેતા જૈમીનભાઈને બેન્કમાં નોકરી હોવા છતાં ચિંતા કે ટેન્શન છે. એમના પત્ની ધરાબહેન ગૃહિણી છે. એમના દીકરા યુગની વાત કરું તો; તે છેલ્લા બે વર્ષથી ઘેર છે.
ખેર, જૈમીનભાઈ બ્રશ કરીને બારી પાસે ગોઠવાઈ ગયા. એમનો આ રોજનો નિત્યક્રમ. મતલબ કે સવારે બ્રશ કર્યા બાદ તેઓ બારી પાસે બેસે છે. એ પછી તેઓ રોડ પર નજર નાંખવા લાગ્યા. તેમણે જોયું કે લોકડાઉન હટાવી લેવાયું હોઈ રોડ ઉપર વાહનોની અવરજવર વધી જવા પામી હતી.
"ધરા, હવે બધા કામ-ધંધે વળગી ગયા હોય એવું લાગી રહ્યું છે. "જૈમીનભાઈએ કહ્યું.
રસોડામાં ચા બનાવી રહેલા ધરાબેન કહેવા લાગ્યા, "એ લોકો નવાઈના થોડા જાય છે ! ઘેર બેસી રહ્યે કોને પોષાય ! અને તમે પણ જાવ છો જ ને ! "
"હા, મારે તો જવું જ પડે ને ! યુગ ક્યાંય ટ્રાય કરે છે ?"જૈમીનભાઈ પૂછવા લાગ્યા.
"કશુંક "ચૌરાહા"જેવું નામ કહેતો હતો એ….ત્યાં જવાનો છે આજે. કોઈક મેડમને મળશે. અને તેઓ એને કામ આપવાના છે."
"ભલે, જાય તો સારુ. બે વર્ષથી ઘેર છે. ક્યાંક લાગી જાય તો સારુ. "
"એ તો પ્રયત્ન કરતો હતો જ. જોકે એને લાઈન જ એવી લેવી છે કે જેમાં કામ મળવાની શક્યતા બહુ ઓછી છે !"
ધરાબેને પોતાનું વાક્ય પૂરું કર્યુ કે યુગ આવી પહોંચ્યો. એણે પીળા રંગનું શર્ટ પહેર્યું હતુંં. તેણે પૂછ્યું, "મમ્મી, આ શર્ટ કેવું લાગે છે ? "
"સરસ. પહેલા એ કહે કે આજે તુંં ચૌરાહા જવાનો છે ?"
"હા"
યુગની વાત સાંભળી ધરાબેન કિચન એટલે કે રસોડામાં ચાલ્યા ગયા. તેઓ પિતા-પુત્ર માટે ; ટ્રેમાં ચા-નાસ્તો લઈ આવ્યા. બંનેએ ચા-નાસ્તો કર્યો. "હે ભગવાન; મારા દીકરાને કામ અપાવજે", ધરાબેને મનોમન વિચાર કર્યો.
"પપ્પા, હું નીચે તમારી રાહ જોઉં છુંં"કહેતા યુગ લિફ્ટમા આવી ગયો. તેણે ગ્રાઉન્ડ ફ્લોર લખેલું બટન કે સ્વિચ દબાવી. બે મિનિટની અંદર તે ગ્રાઉન્ડ ફ્લોર પર આવી ગયો. તેણે મોટરસાયકલ બહાર કાઢી. એક ગાભા વડે તેને સાફ કરી અને 'પપ્પા' બોલવા જ જતો હતો ત્યાં જૈમીનભાઈ આવી પહોંચ્યા.
તેઓ મોટરસાયકલની પાછળની સિટ ઉપર બેસી ગયા. "ચાલ, જવા દે "સંભળાતા જ યુગે મોટરસાયકલ ઉપાડી. તેની મોટરસાયકલ રોડ ઉપર દોડી રહી હતી. પચ્ચીસ મિનીટ બાદ તે બોલ્યો, "લો પપ્પા, તમારી બેન્ક આવી ગઈ !"
"અરે ! આ બેન્ક મારી ક્યારથી થઈ ગઈ ! મારી બેન્ક ના કહેવાય.
યુગે બ્રેક મારી અને મોટરસાયકલ ઊભી રાખી. "ચાલ, આવજે "કહેતા જૈમીનભાઈ બેન્કમાં ચાલ્યા ગયા.
યુગે મોટરસાયકલને ન્યુટ્રલમાંથી પહેલા ગિયરમાં નાંખી. એ પછી બીજા અને ત્રીજા ગિયરમાં નાંખીને ; તે મોટરસાયકલ સંગ યુનિવર્સિટી રોડ ઉપર આવી પહોંચ્યો.
આ ચૌરાહાને આપણે એક કાફે કે રેસ્તોરા કહી શકીએ. યંગસ્ટર્સને ભાવે એવી મોટા ભાગની ; ખાણીપીણીની ચીજવસ્તુંઓ અહીં મળી રહે. વડાં પાઉં, સેન્ડવીચ, પિઝા, ચા, કૉફી વગેરે વસ્તુંઓ તો અહીં વેચાય જ છે .તે ઉપરાંત કૉલ્ડ્રીક્સ પણ અહીં મળી રહે છે. મિડિયાકર્મીઓ, થિએટર આર્ટિસ્ટ્સ અને કોર્પોરેટ ક્ષેત્રે કામ કરતાં સ્ત્રીઓ-પુરુષોની બેઠક એટલે ચૌરાહા.
ખેર, યુગે પોતાની મોટરસાયકલ યોગ્ય સ્થાને પાર્ક કરી. અને એ પછી વિશાળ કેમ્પસમાં દાખલ થયો. ચૌરાહાની એક બાજુ કેટલાક સ્ટુડીયો આવેલા છે. અહીં આર્ટીસ્ટસ જોવા મળે છે. તેઓ પોતાના કાર્યમાં તલ્લીન હોય છે. યુગે એક સ્ટુલને પોતાની તરફ ખેચ્યું. એ પછી તેણે તેની ઉપર સ્થાન ગ્રહણ કર્યું. તેણે આજુબાજુ નજર દોડાવી. કેટલાક યંગસ્ટર્સ સોશ્યલ ડિસ્ટન્સનુ પાલન કરતાં ગોળાકારે બેઠા હતા. બધાના મોઢા પર માસ્ક લગાવેલા હતા. એ પછી યુગે પોતાના ખિસ્સામાંથી સ્માર્ટફોન કાઢ્યો. તેણે કોન્ટેક્ટ્સમા જઈ સર્ચ બોક્સમાં 'એમ' ટાઈપ કર્યો. માલવિકા નામને સિલેક્ટ કરી તેણે કૉલ જોડ્યો. તેની નજીકમાં જ સ્ટૂલ પર બેઠેલા એક લેડીએ કૉલ રિસીવ કર્યો.
"હેલ્લો, યુગભાઈ …. ક્યાં છો ? "
"હું ચૌરાહામાં આવી ગયો છું."
"હું પણ અહીં જ છું. કોઈ નિશાની આપો એટલે એના આધારે તમને આઈડેન્ટીફાઈ કરુ."
"મેં યેલો કલરનું શર્ટ પહેરેલ છે. "
મિસ માલવિકાએ પોતાની ડોક જમણી બાજુ ફેરવી. એ પછી યુગને જોતાં જ બોલ્યા, "ઓહ ! વેલકમ યુગભાઈ…..…..અહીં આવો….બેસો. "
યુગે એ પ્રમાણે કર્યું.
"ચા કે કૉફી ?
"કંઈ નહી. ઘેરથી ચા પીને જ આવ્યો છું."
"પૂર્વે આપણે ક્યારેય મળ્યા નહોતા એટલે નિશાની પૂછવી પડી. "
"કશો વાંધો નહીં. હવે તો મુલાકાત થઈ ગઈ ને !"
"હા "
એ પછી યુગે પોતાની પાસેની બેગમાંથી નોટબુક અને પેન કાઢ્યા
"યુગભાઈ, થોડી વાતો મારા વિશે કરી લઉં.એક્ચ્યુઅલી હું કેલિફોર્નિયામાં રહેતી હતી. મારી પાસે પાંચ વર્ષ માટેના વર્કિંગ વિઝા હતા. એ પૂર્ણ થયા એટલે અહીં આવી ગઈ છુંં. હવે ગાંધીનગરમાં જ રહીશ. "
"પપ્પા-મમ્મી ?"
"બંને મારી સાથે જ રહે છે. "
થોડી વાર માટે મૌન. એ પછી મિસ માલવિકા કહેવા લાગ્યા, "મેં આપની સાથે ફોન પર વાત કરી હતી એ પ્રમાણે હું પ્રકાશન ગૃહ શરૂ કરવા માંગુ છું. અને તમે આજે કોઈ વિષય લઈને આવવાના હતા !"
"હા, વિષય સાથે આવ્યો છું."
"જણાવો"
"તમને ખબર હશે જ કે હાલમાં જો આખા વિશ્વના સંદર્ભમાં વિચારીએ તો ખબર પડે છે કે મોટાભાગના રાજકારણીઓ મનફાવે તેમ જાહેરમાં નિવેદનો આપતા ફરે છે. અને આ રીતે તેઓ વિવાદના નિમિત્ત બને છે. કશું બોલતા પૂર્વે તેઓ સહેજ પણ વિચારતા ન હોય એવું લાગે છે ! તાજેતરમાં જ ઘૂંટણેથી ફાટેલું હોય એવા જીન્સને લઈને ભારે વિવાદ થયો. જાણો છો ને ? "
"હા, પછી ? "
"વર્ષ 2015 માં પણ કોઈ એક ગૃહમંત્રીએ એવું નિવેદન કર્યુ હતુંં કે જેને લઈને તેઓ વિવાદમાં સપડાયા હતા. "
"શું હતુંં એ નિવેદન ?"
"એમણે એવા મતલબની વાત કરી હતી કે જે બળાત્કારની ઘટનામાં બે વ્યકિત સામેલ હોય એ ઘટના બળાત્કાર ન કહેવાય. !"
"વધુ કોઈ ઘટના ?"
"ગુલામ નબી આઝાદે પણ એક વખત એવા મતલબની વાત કરી હતી કે જેને લઈને તેઓ વિવાદમાં ઘેરાયા હતા."
"કેવા મતલબની વાત ?"
"એ વાત ; આપણા દેશની વસ્તીને અંકુશમાં લાવવા અંગેની હતી.તેમણે દેશના ગામડાઓમાં વીજળીની સુવિધા પૂરી પાડવાનું જણાવ્યું હતુંં અને એવો તર્ક રજૂ કર્યો હતો કે જો એવું કરવામાં આવે તો યુગલો પોતાનો મોટાભાગનો સમય ટીવી જોવામાં પસાર કરશે અને એ રીતે……..મને લાગે છે કે આગળની વાત તમે સમજી ગયા હશો !"
"હા, સમજી ગઈ"
"એક મહિનાના સમયગાળા દરમિયાન હું સંશોધન કરીને એક સરસ હસ્તપ્રત તૈયાર કરી શકું છુંં. આ પુસ્તકનો કેન્દ્રવર્તી વિચાર નિવેદન અંગેનો હશે. વ્યકિત જ્યારે સમજણી થાય છે ત્યારે કશુંક બોલવાની બાબતને લઈને તેણે ખાસ જાગૃત રહેવાની આવશ્યકતા ઊભી થાય છે. શાસ્ત્રોમાં પણ લખવામાં આવ્યું છે કે દંભ વિનાની મધુર વાણી થકી વ્યક્તિ સફળતાના સોપાન સર કરી શકે છે. "
"સંભવિત વાચકો કોણ હશે ?"
"વિશેષ તો યુવાવર્ગ અને રાજકારણ સાથે સંક
ળાયેલા લોકો. "
"યુગભાઈ, સાચું કહું; મને તમારો વિચાર ખૂબ જ ગમી ગયો. તમ તમારે પુસ્તકલેખનના કામમાં લાગી જાવ. અને હવે આટલી લાંબી ચર્ચાના સમાપન ટાણે એક કપ ચા કે કૉફી ન લો તો કેમ ચાલે !
યુગે મિસ માલવિકાના આગ્રહને માન આપ્યું. તે ચા પીધા બાદ ઘેર રવાના થયો.
જ્યારે તે ઘેર આવ્યો ત્યારે તેના ચહેરા ઉપર કામ મળ્યાનો ઉત્સાહ છલકાતો હતો.
"યુગ, જમવાનું તૈયાર છે. જમી લે."ધરાબેન બોલ્યા
યુગ ડાઈનિંગ ટેબલ પાસે આવ્યો. તેણે ખુરશી ઉપર પોતાનુ સ્થાન કર્યું. એની જોડે તેના મમ્મી પણ જમવા બેઠા.
"મમ્મી, આજની સવાર સરસ રહી. "
"કામ મળ્યુ ?"
"હા, પુસ્તક લેખનનું કામ લઈને જ આવ્યો છુંં "
"સરસ થયું ચાલ, તારા પપ્પા જેવી આ બાબત જાણશે કે ખુશ થઈ જવા પામશે. એમને બેકારી નથી ગમતી."
"બેકારી કોને ગમે !"
બીજા દિવસથી યુગ; લેખનકાર્યમા ડૂબી ગયો. વહેલી સવારે ઊઠવું અને એ પછી સવારની ક્રિયાઓ પતાવીને ; ચા પીધા બાદ લેખનકાર્ય માટે બેસી જવું તેનો નિત્યક્રમ બની ગયો. સાંજે જ્યારે તેના પપ્પા ઘેર આવ્યા ત્યારે તેમણે જોયું કે યુગ તો કૉમ્પ્યુટર ઉપર કામ કરી રહ્યો હતો.
"લેખક મહાશય, નોકરી-બોકરી મળી કે શું ?"
હા, પપ્પા…...પણ ઘેરબેઠાં કામ કરવાનુ છે. "
હા, એ તો એવું જ ને ! અત્યારે પરિસ્થિતિ એવી છે એટલે એવું જ કરવું પડશે."
તેઓ થોડીવાર માટે મૌન રહ્યા એ પછી પૂછવા લાગ્યા, ""કેવુ કામ મળ્યુ છે ? કશું મળશે બદલામા ? "
પુસ્તક લેખનનું કામ. મળશે ખરું બદલામાં . પણ કેટલુ મળશે એનો કોઈ આઈડિયા નથી. !"
જૈમીનભાઈ મૌન થઈ ગયા. તેમના મનમાં અતીતમાં થઈ ગયેલા લેખકો-સાહિત્યકારોના ચહેરા ઉપસી આવ્યા. છેલ્લે ટાણે એ લોકોને ભીખ માંગવાનો વારો આવ્યો હતો એ હકીકત પણ તેઓ યાદ કરવા લાગ્યા.
એ પછી તેઓ સ્નાન કરવા માટે ચાલ્યા ગયા. સ્નાન કર્યા બાદ તેઓ જમવા બેઠા.
"યુગ ક્યાં છે ? "જૈમીનભાઈએ પૂછ્યું.
"એના ઓરડામાં…..લખે છે."
થોડી વાર માટે શાંતિ છવાયેલી રહી. એ પછી ધરા બેન કહેવા લાગ્યા, "શાંતિથી જમજો."
એ પછી ઉમેર્યું, "એ જમાનો ચાલ્યો ગયો…."
જમાનો ચાલ્યો ગયો હોવાની વાત ધરાબેને શેના સંદર્ભે કહી તેનો ખ્યાલ; જૈમીનભાઈને ન આવ્યો.
ખેર, દિવસનો મોટાભાગનો સમય ; યુગ લેખનકાર્ય પાછળ ફાળવતો. તેણે વિશ્વભરના વિવાદાસ્પદ નિવેદનો શોધી કાઢ્યા. આવા નિવેદનો કરનારા મોટા ભાગના રાજકારણીઓ હતા. તે પહેલા કાગળ પર લખતો. એ પછી કોમ્પ્યુટરમાં ટાઈપ કરતો.
એક, બે, ત્રણ, ચાર, પાચ, એમ દિવસો પસાર થતાં ગયા અને એક મહિનો પૂરો પણ થવા આવ્યો. તેણે કેલેન્ડરમાં જોયુ કે બીજે દિવસે એટલે કે આગામી દિવસે પહેલી તારીખ આવતી હતી. એણે જે તે પ્રકરણના હેડિન્ગ એટલે કે મથાળા તૈયાર કરી દીધા. એ પછી બજારમાં જઈને પ્રિન્ટ કાઢાવી લાવ્યો.
એ સાંજે એણે પ્રકાશન હેતું તૈયાર કરેલી ફાઈલ ધરાબેનને બતાવી. પહેલી તારીખે એ કુરિયરની ઑફિસે પહોંચ્યો. મિસ માલવિકાનું એડ્રેસ તો તેણે તેમનો નંબર મેળવ્યો હતો એ વખતે જ મેળવી લીધું હતુંં. કુરિયરવાલાને ફાઈલ સોંપી; ચાર્જ ચૂકવી તે ત્યાંથી ઘેર આવવા રવાના થયો.
મિસ માલવિકાના મકાનના દરવાજે બેલ રણક્યો. એ ટાણે તેઓ અંગ્રેજી સાહિત્યની ઉત્તમ નવલકથા વાંચી રહ્યા હતા.
"કનકભાઈ, દરવાજો ખોલશો ? "તેમણે સાદ પાડ્યો. ખભે કપડું નાખતા કનકભાઈ દરવાજે ગયા. તેઓ એક વજનદાર કવર અને એક કાગળ લઈને મિસ માલવિકા પાસે આવ્યા. તેમણે નવલકથાને એકબાજુ મૂકતા પેલા કાગળમાં પોતાની સહી કરી અને મોબાઈલ નંબર પણ લખ્યો. કનકભાઈ પેલો કાગળ; કુરિયર બૉયને આપી આવ્યા.
વ્યવસ્થિત રીતે કવર ખોલ્યા બાદ મિસ માલવિકાએ ફાઈલ ખોલી. અડધા કલાકમાં તો એમણે ફાઈલ ઉપર નજર મારી લીધી."વેલડન યુગભાઈ"તેઓ મનોમન બોલ્યા. એ પછી એમણે પ્રિન્ટિંગ પ્રેસના માલિક જયવદન ભાઈને પોતાના ઘેર આવવા આમંત્રણ આપ્યું.
બપોરના ત્રણ વાગ્યે; તેઓ આવી પહોંચ્યા.
"શું બેટા; કેવું ચાલે છે ? ક્યારે આવી ઈન્ડિયા….આઈ મીન ગાંધીનગરમાં ?"
"બસ, સારું ચાલે છે. પંદરેક દિવસ થયા અંકલ…."
સારુ થયું તુંં આવી ગઈ. તારા પપ્પા-મમ્મીને એકલાં રહેવું નહોતુંં ગમતુંં."
એ પછી મિસ માલવિકાએ જયવદન ભાઈના હાથમાં પેલી ફાઈલ થમાવતા કહ્યું, "વહેલી તકે પુસ્તક પ્રગટ કરી આપજો. "
"શું વાત છે…..તે લખ્યું ? "
"ના. એક યુગભાઈ નામ છે. એમણે લખ્યું છે. અને મેં પ્રકાશન ગૃહ શરૂ કર્યું છે."
"સરસ બેટા, અભિનંદન…..ચાલ ત્યારે હું જાઉં છું. અને હા, એ તો કહે કે કેટલી નકલ ?"
"દસ હજાર"
જયવદન ભાઈ રવાના થયા. એ પછી મિસ માલવિકા કિચનમાં ગયા અને ચા બનાવવા લાગ્યા. ચા બની ગયા બાદ તેમણે પોતાના મમ્મી પપ્પા-મમ્મીને ચા આપી. એ પછી પોતે ચા પીધી. એ પછી જયવદન ભાઈને ફોન કરીને જાણી લીધું કે ક્યાં સુધીમાં પુસ્તકો છપાઈ જશે. એ પછી એમણે પુસ્તકનો રિવ્યુ લખ્યો. અને એક જાણીતા અખબારમાં, કનકભાઈ દ્વારા મોકલી આપ્યો.
એક, બે, ત્રણ, ચાર, એમ દિવસો પસાર થવા લાગ્યા. પંદરેક દિવસ બાદ એમના ઘેર પુસ્તકના બંડલો આવવા લાગ્યા. તેની સાથે એક બોર્ડ પણ હતુંં કે જેની ઉપર લખ્યું હતુંં: માલવિકા પ્રકાશન ગૃહ.
બીજા દિવસે વહેલી સવારે એમના મકાનની સામેની બાજુએ લોકોની લાઈન લાગી હતી. કનકભાઈએ પ્રકાશન ગૃહનું બોર્ડ લટકાવી દીધું હતુંં. પુસ્તક ખરીદવા આવનાર લોકોમાં કોઈ રોકડા આપીને ચૂકવણી કરતુંં હતુંં તો કોઈ પેમેન્ટ માટેની એપ્સનો ઉપયોગ કરીને ચૂકવણી કરતું હતું. સાંજે જ્યારે કનકભાઈ અને મિસ માલવિકાએ હિંસાબ માંડ્યો ત્યારે માતબર રકમ પ્રાપ્ત થઈ હતી. સહુએ જે પુસ્તક ખરીદ્યું હતુંં તેનું નામ હતુંં : અથશ્રી નિવેદનકથા. તેના લેખક હતા: યુગ
બીજે દિવસે મિસ માલવિકા, યુગભાઈના નામે ચેક લખવા બેઠા. એ વખતે એમની પાસે એમના મમ્મી પણ બેઠા હતા. એમણે પૂછ્યું, "મમ્મી, આ પુસ્તકના લેખક યુગભાઈને કેટલું પેમેન્ટ કરું ? "
"બાર હજાર"
ચેક લખાઈ ગયો અને કવરમાં મૂકાયો. એ પછી તેને કુરિયર ઑફિસે મોકલવામાં આવ્યો.
જાણી લઈએ કે આ તરફ, યુગ કોઈ નવલકથાના નિર્માણ માટે સત્ય ઘટનાની શોધમાં હતો. અને આ માટે તે ઘરની ચાર દિવાલની બહાર નીકળીને બજારમાં ગયો હતો. હવે તો તે અજાણ્યા માણસ સાથે પણ વાત માટેનું બહાનું શોધી શકતો હતો. જૂના જોગીઓની નવલકથાઓ વાંચીને એણે સારી એવી જાણકારી મેળવી લીધી હતી. હવે તેણે મનોમન નક્કી કરી લીધું હતુંં કે રિસર્ચ કર્યા વિના તે નવલકથા નહીં લખે.
એ દિવસે શનિવાર હોઈ જૈમીનભાઈને રજા હતી. મતલબ કે બેન્કમાં એમને રજા હતી. બપોરના સાડા બાર વાગ્યે એમના ફ્લેટના દરવાજે બેલ રણક્યો. જૈમીનભાઈ કુરિયર બૉય પાસેથી કવર લઈ આવ્યા. "ધરા, યુગના નામથી કવર આવ્યુ છે."
"ખોલો"
જૈમીનભાઈએ એ પ્રમાણે કર્યું.
જેવું એમણે જોયું કે યુગના નામે માતબર રકમનો ચેક લખાયો હતો, તેઓ ખુશ થઈ ગયા.
એ પછી તેઓ કશુંક વિચારવા લાગ્યા. એ જમાનો ચાલ્યો ગયો એવા મતલબની વાત ધરાબેને શેના સંદર્ભમાં કહી હતી તે સંદર્ભ; જૈમીનભાઈને ચેકમાંની રકમ જોતાં સમજાઈ ગયો.