અસ્તિત્વ મિટાવી રહ્યાં
અસ્તિત્વ મિટાવી રહ્યાં


ઈ.સ. ૨૦૩૦નો એ દિવસ.
આકાશમાં સૂર્ય તપી રહ્યો હતો. પ્રચંડ ગરમીને કારણે ધરતી પરના પશુપંખી આકુળવ્યાકુળ થઈ રહ્યાં હતાં. સવારથી નીકળેલ એ મુસાફર પણ ગરમીથી ત્રાસી ગયો હતો. તેનું શરીર પરસેવે રેબઝેબ થઈ રહ્યું હતું. પગપાળા લાંબી મુસાફરી કર્યા બાદ હવે તેનું ગળું સૂકાઈ રહ્યું હતું. પાણીની બે બુંદ ગળા નીચે ઉતારવા એ આતુર બન્યો હતો. તેની આંખો પાણી શોધવા મથી રહી હતી. તેની જીભ પાણીની બે બુંદ માટે તલસી રહી હતી. બેબાકળા બની એ “પાણી પાણી” પોકારી રહ્યો હતો. એવામાં એક નળ દેખાતા તે પાગલની જેમ એ તરફ દોડી ગયો. પોતાની તરસ છીપાવવાની આશાએ તેણે નળ ખોલી જોયો પરંતુ તેમાંથી નીકળી રહેલી ગરમ હવા તેને જાણે ચીઢવી રહી. નિરાશા અને હતાંશાનું મોજું તેના ચહેરા પર પ્રસરી રહ્યું. થોડેક આગળ ચાલતા એક નદી દેખાઈ. તેનો ચહેરો ખીલી ઉઠ્યો પરંતુ નદી તરફ ઉમંગથી વધેલા પગ હતાંશા થઈને અટકી ગયા. તેનો સઘળો આનંદ ઓગળી ગયો. નદીનું પાણી ઘણું પ્રદુષિત હતું. નદીની પાસે આવેલા મંદિરમાંથી ભક્તજનોએ ફેંકેલા ફૂલ, હાર અને ઈતર પૂજાપોના સામાનનો ઢગલો નદીના પાણી પર તરવરી રહ્યો હતો. લાંબા સમય પાણીમાં રહેવાથી તે વસ્તુઓ સડી ગઈ હતી. તેમની ઉપર જીવાતો ખદબદી રહી હતી. કચરાને ખસેડતા ખસેડતા એ જેમતેમ કરીને નદીના કિનારે પહોંચ્યો અને ઘૂંટણભેર બેસી ખોબો ભરી પાણી હાથમાં લીધું. ખોબાના પાણીનો સ્પર્શ તેના હોઠને થાય તે પહેલા તીવ્ર બદબો તેના નાકમાં પ્રવેશી. એક ઉબકા સાથે તેણે હાથમાંનું પાણી નીચે ફેંકી દીધું. મંદિરમાંથી આવી રહેલો ઘંટનાદ તેના હ્રદયમાં ખળબળાટ મચાવી રહ્યો. ઉફ! શું તરસ છીપાવા માટે બે બુંદ ચોખ્ખું પાણી પણ હવે આ ધરતી પર રહ્યું નથી! ઓચિંતી તેની નજર એક ઝૂંપડા પર ગઈ. ત્યાં જરૂર પાણી મળશે એ આશાએ તેણે તે દિશામાં પોતાના પગ ઉપાડ્યા. દૂરથી એક માતા તેના બાળક સાથે ઉભેલી જોઈ તેના પગમાં જોર આવ્યું. બાળક અભ્યાસ કરી રહ્યો હતો અને માતા તેને સ્નેહથી જોઈ રહી હતી આ દ્રશ્ય તેના નેત્રોને પુલકિત કરાવી રહ્યું. ઝૂંપડા પાસે આવી તેણે પાણી માંગવાનો પ્રયત્ન કર્યો પરંતુ થાકીને લોથપોથ થયેલા તેના શરીરમાંની જીભે તેને સાથ ન આપ્યો. તેનો શ્વાસ હાંફી રહ્યો હતો. તેના પગ ધ્રુજી રહ્યાં હતાં. ઓચિંતી તેની નજર બાળકના હાથમાંના સ્લેટ પર ગઈ. બાળકે તેના પર લખ્યું હતું “જળ જીવન છે”. ઝડપથી આંગતુકે વચ્ચે લખેલ ‘જીવન’ ભૂંસી નાખ્યું અને એ સ્લેટ માતાને દેખાડી. ઘરમાં કોરા પડી ગયેલા માટલા યાદ આવતા એ સ્ત્રી હતાશ થઈ ગઈ. તેની આંખમાંથી વહી રહેલા અશ્રુઓ સ્લેટ પર લખેલા ‘છે’ શબ્દનું અસ્તિત્વ મિટાવી રહ્યાં.