અસ્મિતા
અસ્મિતા
એક સમયની વાત છે. દિવાળી પર્વ નિમિત્તે એક શેઠ ફટાકડાં, રમકડાં, કપડાં અને મીઠાઈઓ પોતાની મોટરગાડીમાં લઈને
ઝૂંપડપટ્ટી બાજુ જવા નીકળી પડે છે. દર વર્ષે દાનની પરંપરા જાળવી રાખનાર આ શેઠ એક ઝૂંપડપટ્ટીના વિસ્તારમાં પહોંચી જાય છે.
બધા બાળકો ખૂબ ખૂબ આનંદમાં દેખાય છે. શેઠની નજર દૂર ઝૂંપડી પાસે એક એકલા ઊભેલા બાળક પર પડે છે. શેઠ ત્યાં જઈને બાળકને બધી વસ્તુઓ આપે છે. બાળક હાથમાં પકડીને ઊભો રહે છે, ત્યાં જ ઝૂંપડીની અંદરથી એક સ્ત્રી બહાર આવે છે.
એ સ્ત્રી પેલા બાળકની મા છે. એક મા શેઠને બધી વસ્તુઓ પાછી આપી દે છે. શેઠને નવાઈ લાગવાથી આમ કરવાનું કારણ પુછ્યુ. એક માનો જવાબ સાંભળી શેઠને પોતાની માતા યાદ આવી ગઈ. શેઠની આંખોના ખૂણા ભીના થયા, એ પોતાની મોટરગાડી તરફ વળ્યા.
શેઠ ભૂતકાળમાં સરી પડ્યા. એ શબ્દો ફરીથી યાદ આવ્યાં કે "તમે એક દિવસની ભીડ ભાંગશે, પછી કાલનું શું ? મારે મારા બાળકને લાચાર અને આળસુ બનાવવો નથી. મારા છોકરાને તમારા જેવો શેઠ બનાવવા માટે આજે એણે ત્યાગ કરતાં શીખવું જ પડશે. તમે ટંકનું ભાંગો સાહેબ, ભવનું ભાંગે એ મારો કાળિયા ઠાકોર."
શેઠે આંખોના ખૂણા લુછીને, મનોમન બંને માતાની અસ્મિતાને વંદન કર્યા.
