અરમાન
અરમાન
ધૂળની ડમરીઓ ઊડાડતી ચાર બંગડીવાળી કાળા ચટ્ટક રંગની ગાડી ગામમાં પ્રવેશતાં જ લોકોની આંખો -મોં ખુલ્લા અને મગજ દંગ રહી ગયા.
"બસ અહિં જ ગાડી ઊભી રાખી દો. "
"પર,આપકો ચલના જ્યાદા પડેગા"
"અંકલ, સાંકડી ગલી છે અને આ ગાડી મોટી, અંદર નહિ આવે. આ સાંકડી શેરીમાં બહુ દોડ્યા તો હવે ચાલવામાં શું તકલીફ ?"અને પોતાના ગોગ્લસને પાણી ભરેલી આંખ ઉપર ચડાવી પેન્સિલ હિલ પહેરેલા પગથી એ ગાડીમાંથી બહાર આવી.
તેણીના આવવાના સમાચાર તો સોશિયલ મીડિયા ઉપરથી પહેલાંથી મળી ગયા હતા. તેના સ્વાગતમાં લોકો એકઠા થઈ ગયા હતા. ફૂલોનો શણગાર, ઢોલ, માંડવા બંધાયા હતા જાણે એક ઉત્સવ જેવું લાગતું હતું. લાગે જ ને સિનેમા જગતનું એક ખૂબ પ્રખ્યાત નામ કુંજલ જૈન આજે પોતાના વતન આવી હતી. તેમના ગીત વીડિયો સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવતાં હતા. પોતાના અવાજનો જાદુ લોકોના દિલ સુધી પહોંચાડવામાં એ સફળ રહી હતી. રાતો રાતની સફળતા નહતી. ઘણાં વર્ષો સંઘર્ષ કર્યા,નામ કમાવવા અથાગ મહેનત કરી. આજે એ સફળતા શિખર ઉપર હોય તો પોતાની જ મહેનતથી. . ના કોઈ સહારો ના કોઈ ગોડફાધર ,બસ ઓડિશનના ચક્કર અને દિન -રાત એક કરીને મેળવેલી ચાહના જે આજે કુંજલ જૈનને ટોપ ઉપર લઈ આવી હતી.
આજે પુરા પાંચ વર્ષે પોતાના માતા પિતાને મળીને એ ખૂબ રડી સાથે હળવી પણ થઈ ગઈ હતી. ચારે બાજુ વખાણ, પ્રશ્નો તેમજ ચર્ચાઓ ચકડોળે ચડેલી હતી. કુટુંબીજનો ખિસ્સામાં ઘણાં સવાલ લઈ આવી ગયા હતા. લોકો અચરજ પણ પામ્યા હતા કે,ત્રણ પેઢીથી એક વેલસેટ ડોકટર ફેમિલીમાં એક તેજસ્વી છોકરી આ રસ્તો પસંદ કરશે એ કલ્પના પણ નહતી કરી. બાળપણથી નક્કી જ હતું કે ડોકટર જ બનવાનું છે. એમાં પણ બારમાં ધોરણમાં સાયન્સ અને ઉચ્ચ ટકાવારી આવતાં કુંજલ માટે મેડિકલ લાઈનના દ્વાર ખુલ્લી ગયા હતા. પરિવારના દરેક સભ્યની ઈચ્છા હતી ખાસ દાદાજીની કે કૂંજલ ગાયનેકોલોજી વિભાગ પસંદ કરે. કેમ કે, એ જાણતાં હતાં ગામડાઓમાં ખાસ સ્ત્રીઓ માટે સ્ત્રી ડોકટરની જરૂર હતી. સ્ત્રીરોગ તપાસમાં ગામમાં પુરુષ ડોકટર હોવાને લીધે ઘણી કુટુંબની સ્ત્રીઓ સારવાર વગર જ દુઃખથી પીડાતી. ક્યારેક મૃત્યુને પણ ભેટતી. દાદાજીના આ અભિગમથી દરેક લોકો ખુશ હતા તેમજ કુંજલ પાસે આશા રાખી બેઠા હતા.
પરંતુ, કુંજલના નસીબમાં કાંઈક બીજું જ લખ્યું હતું.
મેડિકલ કોલેજમાં બહુ ઓછા ફંકશન થતાં. પણ જ્યારે કોઈ કાર્યક્રમ હોય ત્યારે એ પોતાના અવાજના જાદુથી દરેક લોકોને મંત્રમુગ્ધ કરી દેતી. ધીમે ધીમે શહેર જાણીતું બનતા, પોતાના શોખને પ્રોફેશનલ રીતે સ્વીકારવા લાગી. ટીવીના જાણીતાં રિયાલિટી શો માં ઓડીશન આપતાં પોતે પસંદ પણ થઈ અને પોતાની ધ્યેય સમજી ચાલતી ગાડીને કંઈક અલગ જ દિશામાં લઈ ગઈ. ડોકટરી અભ્યાસમાં ક્યારે નીરસતા આવી ગઈ એ ખબર જ ન રહી. ઘરે જાણ કરતાં વિરોધના વંટોળ ફૂંકાયા. સમજુ માતા પિતાના સપોર્ટથી આગળ તો આવી પરંતુ દાદાજીની નારાજગી સામે ઘરે પરત ફરી ન શકી. દાદાજીના કહેલા શબ્દો આજે પણ કાનમાં ગુંજતા હતાં,"એ નાચવા ગાવાના કામ નટ બજાણિયાના છે આપણે તો ઊંચા ઘરની છોકરાં છોકરીઓ તો ડોકટર જ બને"
આજે જ્યારે પૂરાં 5 વર્ષે ઘરે આવી તો કોઈ ડોકટર બનીને નહીં પરંતુ, ખ્યાતનામ ગાયિકા બનીને આવી. કુટુંબના કોઈના સવાલો સામે જવાબ દેવાની પોતે કોઈ ઈચ્છા ધરાવતી ન હતી. પણ, નજર તેની પુરા ઘરમાં ફરતી હતી. કુંજલે પ્રશ્નાર્થ નજરે પોતાના પિતા સામે જોતાં જ એ સમજી ગયા અને કહ્યું,
"ઉપર રૂમમાં છે જા મળી લે"
કુંજલ થોડા સંકોચ સાથે ગઈ. દાદાજી પોતાની આરામ ખુરશી ઉપર બેઠા હતાં. એમને પગે લાગી નીચે જ બેસી ગઈ.
"દાદાજી,તમારા અરમાન અને મારા સપનાં વચ્ચે બહુ યુધ્ધ ચાલ્યું. મારા સપનાની જીત થઈ પણ એનો અર્થ જરાયે એવો નથી કે,તમારા અરમાન હારી ગયા. મેં ગામમાં સ્ત્રીરોગ નિષ્ણાત માટે ક્લિનિક ખોલાવવાનું નક્કી કર્યું. મારી ગાયિકી દ્વારા જે પણ કમાણી થશે એમાંથી હું અડધી એ ક્લિનિકમાં આપીશ. તમારી ઈચ્છાને માન આપીશ. "
કુંજલની એકતરફી વાતો સામે દાદાજી બસ બારીની બહાર જોયા જ કર્યા. કોઈ પ્રત્યુતર નહિ. તેમ છતાં કૂંજલે વાત શરૂ રાખી.
"દાદાજી જેટલી મહેનત મેડિકલ લાઈનમાં એક સફળ ડોકટર બનવા માટે પડે છે તેટલી જ મારે મારા સપનાં પૂરાં કરવામાં પડે છે. આ મુકામ સુધી પહોંચવામાં મેં બહુ મહેનત કરી છે. ક્યારેય શોર્ટકટ કે અવળાં રસ્તે નથી ચાલી. ઓડીશનની લાઈનમાં ટાઢ,તડકો કે વરસાદને હંમેશા અવગણ્યા છે. મંજિલ સુધી પહોંચવામાં જેટલી મહેનત એક સાયન્સની બુક્સના અભ્યાસમાં પડે મેં તેનાથી વધુ મહેનત,અભ્યાસ મારા ગાયન માટે કરી છે. "
આટલું કહી દાદાજીના પગે લાગી કોઈ પણ પ્રત્યુતરની અપેક્ષા વગર તે ઊભી થઈ બહાર નીકળવા લાગી. જ્યારે દરવાજા તરફ પહોંચી ત્યાં જ તેના કાનમાં એક પોતાના અવાજે ગાયેલું ગીત સંભળાયું,
"તુજસે નારાજ નહિ જિંદગી હેરાન હું મેં. . હો. . . "
દાદાજીએ પોતાના રેડિયામાં અવાજ ધીમો કરી કહ્યું, "હવે પછી લગ જા ગલે ગીત રેકોર્ડ કરજે મને એ બહુ ગમે છે."
કુંજલ દોડીને એમને ભેટી પડી અને લાગ્યું કે આજે પોતાના સપનાને દાદાજીના અરમાન સાથે વધુ ચમકાવી દેશે. .!
