અરમાન
અરમાન
આજે જ મારી શોર્ટ ફિલ્મ ભ્રમની શુટિંગ પૂર્ણ કરી હું હરેન્દ્રભાઈને બોલ્યો, “કાકા, આજે હોટેલમાં જમાડવાનો વારો તમારો છે.”
હરેન્દ્રભાઈ પુરોહિત આમ તો ઉંમરમાં મારાથી ઘણા મોટા છે પરંતુ પાછલા કેટલાક વર્ષોથી તેમની સાથે આત્મીયતાનો સબંધ બંધાઈ ગયો છે. હું તેમને એટલો ચાહું છું કે મારી શોર્ટ ફિલ્મમાં હું કાયમ મારા પિતાની ભૂમિકામાં તેઓને જ લઉં છું.
એ સાંજે અમે હોટેલમાં પેટ ભરીને જમ્યા. મેં જોયું કે હરેન્દ્રભાઈ થોડીક મૂંઝવણમાં દેખાતા હતા. મેં પૂછ્યું, “કાકા, શું થયું ઉદાસ દેખાવો છો?”
કાકાએ હંમેશની જેમ હસીને કહ્યું, “કંઈ નહીં બેટા, આ તો જરા અમસ્તું જ વિચારતો હતો કે..”
મેં પૂછ્યું, “કે શું?”
કાકા બોલ્યા, “કે... આપણે હવે કોઈક ફિલ્મ બનાવીએ તો?”
align-justify">
મેં વિસ્મયતાથી હરેન્દ્રકાકા સામે જોયું. કંઈક વિચારીને તેઓ બોલ્યા, “માણસનો જીવ હંમેશા લાલચુ રહ્યો છે. તેનું એક અરમાન પૂર્ણ થતા તેના મનમાં તરત બીજું અરમાન જાગૃત થાય છે. તું એક લેખક છે પરંતુ મારી વાતનું માન રાખી તે તારી વાર્તાઓ પરથી શોર્ટ ફિલ્મોનું નિર્માણ કરવાનું શરૂ કર્યું. આજે આપણી પાંચમી શોર્ટ ફિલ્મ તૈયાર થઇ છે ત્યારે મનમાં ક્યાંક લાલસા થાય છે કે આપણી પોતાની એક ફિલ્મ પણ હોય તો! જોકે છોડ એ વાત...”
આમ બોલી હરેન્દ્રકાકા જમવામાં વ્યસ્ત થઇ ગયા પરંતુ હું જાણતો હતો કે આ તેમની અદમ્ય ઈચ્છા છે. બસ એ જ ઘડીએ મેં ઈ.સ. ૨૦૨૦માં પોતાની વાર્તા પરથી એક ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. આપ સહુનો પ્રેમ અને આશીર્વાદ હશે તો હું જરૂરથી એક ફિલ્મનું નિર્માણ કરી મારા હરેન્દ્રકાકાને તેની ભેટ આપી શકીશ. આખરે પોતાના માણસોના અરમાન પૂર્ણ કરવાથી મોટું કયું હોઈ શકે અરમાન?