Swati Silhar

Inspirational Tragedy Classics

4  

Swati Silhar

Inspirational Tragedy Classics

અંતિમ ભેટ

અંતિમ ભેટ

11 mins
14.5K


“મમ્મી... તમારા અને પપ્પાના ચા-નાસ્તો ડાઈનીંગ ટેબલ પર તૈયાર છે, અને તમારા બંનેની દવા પણ કાઢીને બેડરૂમમાં સાઈડ ટેબલ પર મૂકી દીધી છે. હું નીકળું છું બપોરે સમયસર જમીને દવા લેવાનું નહીં ભૂલતા....ટેઈક કેર.” સેન્ડલ પહેરતાં પહેરતાં ડ્રોઈંગ રૂમમાંથી આરાધના કાળજીપુર્વકના સૂચકો આપી સોફા પર બેઠેલા નંદીનીબહેનને હળવી બાથ ભરી ઓફીસ જવા નીકળી.

ત્યારે રૂમમાં પોતા કરતી નવી આવેલ કામવાળી સવિતા બોલી, “એક વાત પૂછું માસી? આ આરાધના બેનમાં કોઈ ખામી નહીં તો હજી એ કુંવારા કેમ છે એમને આટલી ઉંમર થઈ ગઈ તોય લગ્ન નહીં કરવા?”

નંદીની બેન થોડીવાર મૌન રહ્યા... સવિતાને સામે જોતી ઊભી રહેલી જોઈ એ બોલ્યા, “ના, કેમકે મારી દીકરીએ નક્કી કર્યું છે કે આજીવન અમારી સાથેજ રહેશે.” પછી તે ક્યાંય સુધી મંદિરની બાજુમાં લગાવેલા પોતાના દીકરા અનિકેતના ફોટા સામે જોઈ રહ્યા. ને ધીરે ધીરે ફોટો ઝાંખો દેખાવા લાગ્યો. 

“ચાલો જલ્દી, ભૂખ લાગી છે ને આ ચા ઠંડી થઈ જશે...” નયનભાઈના અવાજે નંદીનીબહેનને ચમકાવી દીધા... વિચારોને ખંખેરી પોતે સ્વસ્થ થયા, પાલવનો છેડો આંખોના છેડા પર ફેરવતા બોલ્યા, “ચાલો, આ આવી.”

“વાહ મેથીના વડા ખૂબજ સ્વાદિષ્ટ બન્યા છે હોં! જોયું મારી છોકરીનું પણ કહેવું પડેને બાકી આપણે કહીયે એ પહેલાંજ મનભાવતી વાનગી હાજર કરી દે છે. નયનભાઈ ખુશ થતા થતા નાસ્તાની લિજ્જત માણી રહ્યાં, “હા, સાવ સાચું...” નંદીની બહેન આટલુંજ બોલી શક્યાં.

“તું તૈયાર છે ને? હું નીચે ઉતરતો થાઉં છું તું ધીરે ધીરે આવ...”

આ તેઓંનો રોજ નો કાર્યક્રમ હતો. સવારનો નાસ્તો પતાવી બંને ઘરની નજીક આવેલા અંબાજીના મંદિરે દર્શન કરવા જતાં થોડીવાર ત્યાં બેસી એક હળવી લટાર મારી આવતાં ને બપોરે જમી શાંતિથી ઊંઘ કરતા. ઘરના મોટા મોટા કામ માટે સવિતા આવતી, સવારના ચા-નાસ્તો અને બપોરનું જમવાનું આરધના બનાવીને જતી તથા ઘર વપરાશની વસ્તુઓની ખરીદીથી માંડી ઘરના બીલો ભરવા સુધીના તમામ કામ આરાધના જ સંભાળતી તેમજ બંનેની દરેક જરૂરિયાત, તેમની ડોક્ટરની એપોઈન્મેન્ટ અને દવાઓની જવાબદારી પણ આરાધના એ પોતાના પર લીધેલી. બપોરની ઊંઘ પૂરી કરી બંને ઊઠે ત્યાંતો ફરી ચાના સમયે ૫ વાગતા આરાધના આવી જતી. રાતનું જમવાનું પતાવી ત્રણેય જણા બગીચામાં ચાલવા નીકળી પડતા. ક્યારેક કોઈ ગેમ રમવા બેસી જાય, તો ક્યારેક અંતાક્ષરી ને ત્રણેય તેમના પ્રિય એવા જુના ગીતો ગાતા, ક્યારેક આરાધના મુવીની ટીકીટ લઇ આવતી, ક્યારેક હોટેલમાં ટેબલ બુક કરવી દેતી, ટૂંકમાં કહીયે તો એક નાનકડો ખુશાલ પરિવાર.

નંદીની બહેન ક્યારેક કહેતા પણ ખરા કે આ તું મને કંઈજ કરવા નથી દેતી, આમ ને આમ તો હું આળસુ બની રહી છું અને મારો દિવસ પણ પુરો નથી થતો. ત્યારે આરાધના મજાકિયા ફિલ્મી અંદાજમાં કહી દેતી, “આપકે દીન તો અભી શુરુ હુંયે હે જાની... ખાઓ, પીઓં ઔર એશ કરો...” અને બંને હસી પડતા. આરાધના હંમેશાં ઈચ્છતી કે બંને હવેની જિંદગી શાંતિથી જીવે, અત્યાર સુધીના જીવનમાં એમના જે શોખ અને ઈચ્છાઓ હોય એ હવે નવરાશની પળોમાં પૂરી કરે...

“નંદીની તું સાંભળે છે ને?”

“હા, મને આજે ઈચ્છા નથી તમે જઈ આવો...”

“કેમ તબિયત તો સારી છે ને તારી...?”  

“અરે, હા બિલકુલ તમ તમારે શાંતિથી જઈ આવો.”

નયનભાઈ મંદિરે જવા નીકળ્યા અને નંદીની બહેને દરવાજો વાસી છાપું લઈ સોફા પર બેઠા છાપાના એક પછી એક બધાય પાનાઓ ફેરવાઈ ગયાં. એક ઊંડો નિસાસો નાંખતા હોય એમ છાપું સેન્ટર ટેબલ પર મૂકી ત્યાંજ પડેલું રીમોટ હાથમાં લીધું અને છાપાના પાનાઓની જેમ એક પછી એક ચેનલો ફેરવી જોઈ પણ મનના માન્યું તે ટી.વી. બંધ કરી ડ્રોઈંગ રૂમની બાલ્કનીમાં આવી હિચકે બેઠાં. રોડ પર અવર-જવર કરતા લોકોને જોઈ રહ્યા વચ્ચે-વચ્ચે આખા ઘરમાં આંટો મારી આવતા પણ આજે જાણે મન લાગતુંજ નહોતું. બાલ્કનીમાં પડેલા કુંડા સાફ કર્યા આમને આમ બે કલાક નીકળી ગયા ને નયનભાઈ આવી પહોચ્યા.

હાથપગ ધોઈ બપોરના ૧૨:૩૦ વાગ્યાને બેઉ જમવા બેઠા જમતી વેળાએ પણ નંદીની બહેન ચુપ-ચુપ જ રહ્યાં. “નંદીની શું વાત છે ? કાંઈ થયું છે? કેમ આજે આમ ગુમ-સુમ લાગે છે?...” 

“અરે કાંઈ નહીં, અમસ્તુંજ, થોડા થાક જેવું લાગી રહ્યું છે...”

નયનભાઈ એક હાથમાં પાણીનો ગ્લાસ અને બીજા હાથમાં દવા લઇ આવ્યા “...લે આ દવા લઈલે અને થોડી વાર આરામ કર તને સારું લાગશે...” ત્યાંજ ફોનની રીંગ વાગી.

“હેલ્લો...”

“પપ્પા તમે બંને એ જમી લીધું? દવા લીધી કે ભૂલી ગયા?”

બપોરના ૧:૩૦ વાગે જાણે એલાર્મ સેટ કર્યું હોય એમ આરાધનાનો ફોન અચૂક આવતો જમવાનું પૂછવાના બહાને એ ઓફીસમાંથી બેયના સમાચાર જાણી લેતી.

“અરે હા બેટા, અમે બંને એ જમી લીધું ને દવા પણ લઇ લીધી છે અને હવે સુવા જઈએ છીએ, તું કોઈ ચિંતા કર્યા વિના શાંતિથી આવી જજે...”

“ભલે પપ્પા..” 

“આ છોકરી ગમે ત્યાં હોય પણ એને આપણી ચિંતા હંમેશા રહ્યા કરે છે...” નયનભાઈ બોલતા બોલતા બેડરૂમ તરફ ચાલ્યા... નંદીની બહેન એમને જોઈ રહ્યા... એક ઊંડો શ્વાસ લીધોને બેડરૂમમાં જઈ એ પણ જરા આડે પડખે થયાં... પણ આજે એમની પાંપણો ભેગી થવાનું નામજ નહોતી લઈ રહી થોડી વાર પડખાં ફેરવ્યાં. બાજુમાં જોયું તો નયનભાઈ સૂઈ ગયા હતા. આજે એમના મનને કળ નહોતી વળતી. સવિતાના બોલાયેલા શબ્દો વારંવાર એમના કાને અથડાઈ રહ્યા હતા. ક્યાંય સુધી પંખાને તાકી રહ્યા પછી ઉભા થઈ કબાટ ખોલ્યું ને ઉપરના ખાનાના ખૂણામાં આછા ગુલાબી દુપ્પ્ટામાં વીંટાળીને મૂકેલ જુના ફોટાના આલ્બમસ લઈ ધીરેથી અવાજના થાય તેમ કબાટ બંધ કરી બાલ્કનીમાં આવી હિંચકા પર બેઠાં. 

દુપ્પ્ટાની ગાંઠ ખોલી પહેલું રહેલું નાનું જુનું આલ્બમ હાથમાં લીધું, અને પહેલોજ ફોટો અનિકેતનો જોયો લગભગ છ-સાત મહિનાનો હશે ભાંખોડીએ ચાલતા શીખેલો... ચાર પગે થાપ થાપ હાથ પછાડતો દોડતો એ કેવો વ્હાલો લાગતો! નયનભાઈને પહેલેથીજ ફોટોગ્રાફીનો શોખ અને અનિકેત તેમનો એકનો એક દીકરો. એની જિંદગીની દરેક ક્ષણો એમણે કેમેરામાં કેદ કરેલી. બીજો ફોટો એ ડગું-ડગું ઉભા રહેતા શીખ્યો ત્યારનો, કેટલાકમાં એના ખડખડાટ હસતા ચહેરાનો અને એક પછી એક ફોટાઓ ખુલવા લાગ્યા... અને નંદીનીબહેનના હોઠો પર સ્મિત ફરકવા લાગ્યું. એ જાણે ભૂલીજ ગયાં કે આ વર્ષો પહેલાની વાત છે અને એમના મગજમાં વિચારોએ સ્પીડ પકડી અને આંખો સામે જાણે છેલ્લા ૨૮ વર્ષની યાદોનું રીકેપ શરુ થયું...

અનિકેતના સ્કૂલનો પહેલો દિવસ, મારો પાલવ પકડીને કેવો રડ્યો હતો એ. શાળાએથી મને આવવાજ નહોતી દીધી. પલાઠી વાળી હાથમાં સ્લેટ લઈ તેના પપ્પા પાસે ભણવા બેસતો... મ્યુઝિક સાંભળતાજ આંગળી ઊંચી કરી પગ થરકાવા લાગતો... ઘરમાં પોતાની સાથે દોડ-પકડ રમતો ને મમ્મી-પપ્પા જાતે પકડાઈ જતા ને પોતે દોડમાં પ્રથમ આવ્યો હોય એટલો ખુશ થતો ... પાંચમાં ધોરણમાં હતો ને ડાન્સમાં પહેલા ક્રમે મેડલ જીતેલો ત્યારે પપ્પાએ સાઈકલ લઇ આપેલી..એ જોઈ તરત નીકળી પડેલો સોસાયટીમાં ફેરવવા..

દશમાં-બારમાં ધોરણમાં ફર્સ્ટ ક્લાસ આવેલો ને નયનભાઈ એ પાર્ટી રાખેલી. અનિકેત ઉત્સાહી અને ખુશ મિજાજી, ક્યારેય કોઈ વસ્તુ માટે જીદ કે માંગણી નહી... આઈ.સી. એન્જીનીયરીંગમાં એડમિશન મળ્યું અને કોલેજના પહેલાજ દિવસે પપ્પાએ લેપટોપ ગીફ્ટ આપેલું એ જોઈ ખુશીથી ઉછળતો રીતસર વળગી પડેલો નયનભાઈ ને કે “તમને કઈ રીતે ખબર કે મારે આની જરૂર હતી?”એડમીશનની ખુશી બમણી થયેલી દેખાઈ રહી એના ચહેરાપર... એની નોકરીનો પહેલો દિવસ. ફોર્મલ વ્હાઈટ શર્ટ ક્રીમ પેન્ટ અને રેડ ટાઈમાં સજ્જ ગોરોવાન ચહેરો અને ઊભા ઓળેલા વાળ સાથે અનિકેત ખૂબજ સોહામણો લાગી રહ્યો હતો. ત્યાંજ આલ્બમની વચ્ચે રાખેલ એક ફોટો સરકીને નીચે પડ્યો અને નંદીનીબહેન સુખદ યાદોની દુનિયામાંથી બહાર આવ્યાં. બેઠા બેઠા જ વાંકા વળી હાથ લંબાવી ફોટો હાથમાં લીધો...

નેવી બ્લુ કલરનું શર્ટ પહેરેલ ઊભા ઓળેલા વાળમાં અનિકેત, લાલ રંગના ડ્રેસમાં ખુલ્લા વાળ, કપાળે લાલ ચાંદલો આરાધના મુક્તમને હસી રહી હતી અને અનિકેત આરાધના સામે હસતા મોઢે જોઈ રહ્યો હતો. આ એ દિવસનો ફોટો હતો જ્યારે અનિકેત પહેલીવાર આરાધનાને ઘરે લાવ્યો હતો.

બુધવારના એ દિવસે સાંજે ૬ વાગ્યા હતા અને ડોરબેલ વાગી .નંદીનીબહેને દરવાજો ખોલ્યો તો સામે અનિકેત હતો આ એનો રોજનો સમય હતો ઓફીસથી આવવાનો પણ આજે એની સાથે લાલ ચુડીદાર ડ્રેસ પહેરેલ, વચ્ચે પાથી પાળેલા ખુલ્લા લાંબા વાળ, બે નેણની વચ્ચો વચ કરેલો લાલ ચાંદલો, ગળામાં લાલ દુપ્પ્ટો, ડાબા હાથમાં ઘડિયાળ અને બીજા હાથમાં બ્રેસલેટ.. અને પગમાં ગોલ્ડન કલરના સેન્ડલ પહેરેલ છોકરી પણ હતી.. નંદીની બહેને પગથી માથા સુધી એકજ નજરમાં જોઈ લીધી. આરાધના ખૂબજ નમણી અને રૂપાળી લાગી રહી હતી એમાંય એની સાદગી એની સુંદરતામાં વધારો કરી રહી હતી. એના કપડાનો લાલ રંગ એના ગોરા ગાલ પર રિફલેકશન મારી રહ્યો હતો.

નંદીની બહેને બંનેને અંદર બોલવ્યા અને બેઠા ત્યાં અનિકેતે કહ્યું, “મમ્મી, આ આરધના... મેં તમને વાત કરેલી ને થોડી થોડી... મારી ફ્રેન્ડ વિષે આ એજ છે” અને અમે બંને કંઈ ના બોલ્યાં.

અનીકેતે જ આગળ બોલ્યો, ”આ પણ એન્જીનીયર છે આ જ શહેરમાં રહે છે એકદમ નમ્ર સ્વભાવની છે, જમવાનું પણ થોડું ઘણું બનાવતા આવડે છે... અમે ચુપ જ રહ્યાં. આ જોઈ એ અને આરાધના એકબીજાની સામે જોઈ નર્વસ થઈ ગયાં. અમારી સામે જોયું પણ અમે બે માંથી એક પણ કંઈ બોલ્યા નહીં. એ સાવ ગભરાઈ જ ગયેલો અને ધીરેકથી પૂછેલું, “તમને ના ગમી આ?”...

અને અમે બંને હસી પડેલાં, “અરે બહુજ ગમી સીધે સીધું કહેતો કેમ નથી કે આજ આ ઘરની થનાર વહુ છે ..” ને એ બંને જાણે રાહતનો શ્વાસ લીધો હોય તેમ હાશ બોલ્યા .. આરાધના અમને બંનેને પગે લાગી ને મેં તો એને પ્રેમથી ચૂમીને ગળે લગાડેલી..”બે મહિનામાંજ બંને ના લગ્ન ધામધુમથી કરાવ્યા, લગ્નમાં આવનાર દરેક મહેમાનોએ બંનેની જોડીના ખુબ વખાણ કર્યા અને એમને ઘણા આર્શીર્વાદ આપ્યા.

બંનેની જોડી શિવ-પાર્વતી જેવીજ લાગી રહી હતી મને હજીયે યાદ છે રિશેપ્શન વખતે સ્ટેજ પર ઊભેલા પોતાના દીકરા -વહુને જોઈને નયનભાઈ ખુશીથી ગદગદ થઈ ગયેલા... હાથમાં રહેલો અનિકેતના લગ્નનો આલ્બમ પુરો થતો.

થોડા છુટા પડેલા ફોટામાંથી એક ફોટો હાથમાં આવ્યો એમનો ફેમીલી ફોટો હતો ડાબેથી પહેલી લો-બન હેર સ્ટાઈલ સાઈડમાં એક લટ, બ્લેક કલરના ઇવનિંગ ગાઉનમાં આરાધના અતિ આકર્ષક લાગી રહી હતી, બ્લેક કલરની સિલ્કની સાડી પર ત્રણ સેરની બોરમાળા અને હેર સ્ટાઈલમાં નંદીની બહેન ઠસ્સાદાર લાગી રહ્યા હતા બાજુમાં બ્લેક સુટમાં નયનભાઈ ગોલ્ડન ફ્રેમ ચશ્માંમાં મોભાદાર પર્સનાલીટી ઉપસી રહી હતી અને આ ત્રણેયને વળગીને ઊભેલો અનિકેત બ્લેક જોધપુરીમાં અત્યંત હેન્ડસમ લાગી રહ્યો હતો. આ ફોટો જોતાંજ જાણે વર્ષોથી સંગ્રહી રાખેલું ખરા પાણીનું ઝરણું નંદીનીબહેનની આંખો માંથી વહેવા લાગ્યું...

ચાર વર્ષ પહેલાં ૧૫મી ડીસેમ્બર, ૨૦૧૨ની સાંજે પાડેલો ફોટો હતો આ. નયનભાઈ અને નંદીનીબહેનની ૨૫મી લગ્નતિથી હતી, સિલ્વર જ્યુબીલી, એ સાંજે અનિકેત અને આરાધના એ તેમની માટે સરપ્રાઈઝ પાર્ટી રાખેલી દરેક સગા-સંબંધી ત્યાં હાજર હતા. બેન્કવેટ ફૂલ, કેન્ડલ અને લાઈટીંગથી સજાવેલું હતું તેમાં પાછું જસ્મીનના ફ્રેશનરની સુવાસ અને ધીમા રાગે વાગતું ઇન્સ્ટ્રુમેન્ટ મ્યુઝિકથી બેન્કવેટનું વાતાવરણ આહલાદક બની રહ્યું હતું... પહેલાં થોડી ગેમ્સ રમ્યાં... પછી કેઈક કાપી અને ત્યાબાદ જમવાનું શરુ થયેલું. જમણવારમાં નવી નવી વાનગી પીરસાઈ રહી હતી. પાર્ટીમાં હાજર દરેક જણ ખુશીથી એન્જોય કરી રહ્યા હતા... આરાધના અને અનિકેત આવેલ સર્વેને પ્રેમથી આગતા સ્વાગતા કરી રહ્યા હતા અને પાર્ટીમાં હાજરી આપવા બદલ આભાર વ્યક્ત કરી રહ્યા હતા.

નયનભાઈ અને નંદીનીબહેન બંને ખુબજ ખુશ થયા હતા... બંનેના મોંઠા પર ખુશીની સાથે-સાથે આ જમાનામાં પોતાને મળેલ સંસ્કારી અને લાગણીશીલ દીકરા અને વહુનો સંતોષ પણ વર્તાતો હતો. આટલા અતિથી દેવસમુહ વચ્ચે તેમની છાતી ગર્વથી ફૂલી રહી હતી... ખૂબજ સરસ રીતે પાર્ટી પૂરી થઈ.

“આરાધના તું મમ્મી-પપ્પા ને લઈને ઘરે પહોંચતી થા હું બિલિંગ પતાવીને આવું છું.”

“ભલે.” કહી આરાધના, નયનભાઈ અને નંદીનીબહેન એક ગાડીમાં બેસી ઘરે આવ્યા....

ઘરે પહોંચ્યાને એક કલાકથી વધારે સમય થઈ ગયેલો ..બધા ફ્રેશ થઈ પોતાના નાઈટ ડ્રેસમાં આવી ગયેલા પણ હજી અનિકેત નહોતો આવ્યો... થોડીવાર રાહ જોઈ પછી નંદીનીબહેને ફોન લગાડ્યો...

“હા બોલો મમ્મી..”

“ક્યાં છે બેટા ? કેમ આટલી બધી વાર લાગી?”

“અરે ગાડીમાંજ છું... તમારી માટે હજી એક ગીફ્ટ લાવી રહ્યો...”

જોરદાર અથડાવાનો અવાજ થયો... “હેલ્લો... હેલ્લો...અનિકેત... શું થયું અનિકેત...? નંદીનીબહેન બોલતા રહ્યા પણ સામેથી કોઇજ અવાજ ના આવ્યો.

અનિકેતની કાર ભયાનક રીતે ટ્રક સાથે અથડાઈ અને જીવલેણ અકસ્માતમાં ઘટના સ્થળેજ અનિકેતના પ્રાણે વિદાય લીધી. નંદીની બહેન અને નયનભાઈની એ સરપ્રાઈઝ ગીફ્ટ સફેદ કફનમાં વીંટાળી સ્ટ્રેચર પર લાવવામાં આવી. જ્યાં અત્યાર સુધી ખુશીઓની લ્હેરો ઊઠી રહી હતી ત્યાંજ દુઃખનું વિરાટ મોજું ફરી વળ્યું. ચારેબાજુ રો-કકળ થઈ ગઈ. આરાધનાને એવો આઘાત લાગયો કે તે રડી પણ ના શકી આ બધું જોઈ રહી ને અનિકેતના શબ ઉપરજ બેભાન ફસડાઈ પડી...

સ્મશાને ગયેલા લોકો ક્રિયા પતાવી પાછા આવ્યા શોકાતુર ઘર, ભાનમાં આવીને હકીકતથી વાકેફ થઈ "અઆ...ની..કે..કે...ત..ત..." એક કારમી ચીસ પાડી આરાધનાએ આક્રંદ કરી મૂક્યો ઘરમાં હાજર સર્વે તેની પાસે દોડી આવ્યા નયનભાઈ અને નંદીનીબહેનને વળગી આરાધના ક્યાંય સુધી ધ્રુસકેને ધ્રુસકે રડતી રહી... “પપ્પા મારો અનિકેત. મારો અનિકેત....”

અનિકેત વિના આખું ઘર ખાલી થઈ ગયેલું... ખુશાલ ઘરમાં જ્યાં હસી-મસ્તીનો ખીલ ખીલાટ સંભળાતો રહેતો ત્યાં હવે લગભગ ડુસકા જ સંભળાતા.. કહેવાય છે ને જિંદગીને બદલાતા એક ક્ષણ પણ નથી લાગતી..એમ જોત જોતામાં બધુજ બદલાઈ ગયું હતું. પરિસ્થિતિને થાળે પડતા બે મહિના થઈ ગયા... બધાં ધીરે ધીરે પોતાની જાતને સ્વસ્થ કરવાની કોશિષ કરી રહ્યા હતા. આરાધનાએ સર્વિસ જોઈન કરી દીધેલી. એ ધીરે ધીરે ઘરમાં મન લગાવતી થઈ હતી. વિતતા દિવસોની સાથે-સાથે એને અનિકેતની તમામ જવાબદારી પોતાના પર લઈ લીધેલી પોતે પણ અંદરથી તૂટી ગયેલી. છતાંય ઘરમાં વાતાવરણ હળવું બનાવી રાખવા પ્રયત્ન કરતી. બંનેનું દુઃખ ઓછું કરવા સતત કોશિષ કર્યા કરતી. રજાના દિવસે ત્રણેય ડ્રોઈંગ રૂમમાં બેઠા હતાં, “આરાધના મારી તારી સાથે એક વાત કરવાની છે.”

“હા, બોલોને પપ્પા...”

“અમે જાણીએ છીએ કે તું પણ દુખી છે છતાંય અમારું દુઃખ દુર કરવાનો પ્રયત્ન કરે છે.” આરાધનાની આંખો છલકાઈ ગઈ.

“અમે ખુબજ ખુશનસીબ છીએ કે તું અમને પુત્ર વધુના રૂપમાં મળી... પણ અમારી પણ મા-બાપ તરીકેની ફરજ છે કે અમે તારી માટે વિચારીએ... તારી ઉંમર જ શું છે બેટા... આખી જિંદગી બાકી છે હજી. અમે તારા બીજા લગ્ન માટે વિચારીએ છીએ... 

“હું પણ ખૂબજ નસીબદાર છું કે મને એવું ઘર મળ્યું જે મારું છે જ્યાં મારા મમ્મી-પપ્પા છે જે મારા માટે વિચારે છે પણ હું આજીવન બીજા લગ્ન કરવા નથી માંગતી.”

બંને એ એને ખૂબ સમજાવી પણ આરાધના એકની બે ના થઈ.

“પપ્પા મેં મારા જીવનમાં માત્રને માત્ર અનીકેતને જ પ્રેમ કર્યો છે. હવે તમેજ મને જવાબ આપો એ પ્રેમ હું બીજા કોઈ સાથે કેવી રીતે વહેંચી શકીશ? હું બીજા કોઈ સાથે લગ્ન તો કરી લઉ પણ મારું મન ક્યારેય એ બીજા પુરુષને નામ નહી કરી શકું... અને એ બીજા વ્યક્તિ સાથે અન્ન્યાય થશે ને.? અનિકેત મને મુકીને ચાલ્યો ગયો પણ એની યાદમાં હજીયે એ આ ઘરના ખૂણે ખૂણામાં વસે છે. આ ઘરમાં દરેક જગ્યાએ દરેક ક્ષણે મને એના હોવાનો અહેસાસ થાય છે મને એનાથી દુર ના કરો. અનિકેત હંમેશા મને કહેતો મમ્મી-પપ્પા એ હંમેશા મારોજ વિચાર કર્યો છે મને બધીજ ખુશી આપી છે હવે મારો વારો છે હું એમને મારાથી બનતા દુનિયાના દરેક સુખ આપવા માંગું છું આ મારું સપનું છે.”  

“બેટા અમે તારી મન:સ્થિતિ સમજી શકીએ છીએ, પણ આખું જીવન એકલા વિતાવવું બહુ આકરું છે તું તારે જોઇએ એટલો સમય લે કોઈ ઉતાવળ નથી, શાંત ચિતે વિશારીને નિર્ણય કર..” નંદીની બહેન સહેમા અવાજે બોલ્યાં.

“મમ્મી તમેજ કહેતા હતાને કે અમે બંને એક જ કહેવાઈ એ હવે.. તો અનિકેતની આંખો એ જોયેલા સપના મને મારી આંખો સામે પુરા કરવાદો... તમે મને હંમેશાં દીકરી તરીકે જ રાખી છે હવે તમારી આ દીકરીને આજીવન તમારા હ્ર્દય અને આ ઘરમાં જગ્યા આપી દો... અનિકેત તમારી માટે ગીફ્ટ લાવી રહ્યા હતા ને... બીજું કાંઈ નહીં તો તમારા દીકરાની અંતિમ ભેટ તરીકે તમારી આ દીકરીને સ્વીકારી લો...” નયનભાઈ અને નંદીનીબહેન બેઉં આરાધનાને ભેટી પડ્યાં ને અનિકેતને યાદ કરી એ ત્રણેય રડી પડ્યાં.

હાથમાં રહેલા બધાજ ફોટા ભીંજાઈ ગયેલા આથમતા સુરજ નુ અજવાળું નંદીનીબહેનની આંખોમાં ઓસર્યું અને હળવેક રહીને બધુંય લુછ્યું... ડોરબેલ વાગી... નંદીનીબહેને ઘડિયાળમાં જોયું તો ૫:૩૦ થયા હતા... એમને ઝડપથી બધું સંકેલી જેમ-તેમ પોતાના કબાટમાં મૂકી દીધું અને મોઢું ધોઈ સ્વસ્થ બની દરવાજો ખોલ્યો સામે આરાધના હતી..

“કેમ આટલી વાર થઈ દરવાજો ખોલતાં? અને તમારી તબિયતતો બરાબર છે ને? ઊંઘ્યા નથી આજે? લાગે છે આજે તમારી બપોર બગડી છે...” આરાધના ઘરમાં આવતાં બોલી રહી..

નંદીનીબહેને તેને હાથ પકડી પાસે બેસાડી. થોડું મલક્યાં... પ્રેમથી એના કપાળ પર ચૂમી કરી ને માથે હાથ ફેરવતા બોલ્યાં, “બપોર તો શું બગડે બેટા! જેના ઘરમાં તારા જેવી દીકરી હોય એનો તો આખો જન્મારો સુધરી જાય...”

“નથી ભલે તું નજરોની સામે, પ્રત્યેક ક્ષણ મને તારોજ આભાસ,

આથમતા સૂરજે અજવાળા કીધા, ઊગી છે ઘરમાં એક નવી પ્રભાત” 

-સ્વાતી સીલ્હર


Rate this content
Log in

Similar gujarati story from Inspirational