STORYMIRROR

Sunita Mahajan

Inspirational

4  

Sunita Mahajan

Inspirational

અનોખો ચુંબકીય સંબંધ

અનોખો ચુંબકીય સંબંધ

3 mins
425

(આ એક અનોખા ચુંબકીય સંબંધની સત્યકથા છે. આ સંબંધમાં કોઈ સંબંધ નથી પણ સર્વ સંબંધથી મહાન આ અનોખો ચુંબકીય સંબંધ છે.)

બાવીસ વર્ષિય સુજય એક મધ્યમવર્ગીય છોકરો. હાલમાંજ ગ્રેજ્યુએટ થયો.એનાં ગામથી પિસ્તાલીસ કી.મી .દૂર શહેરમાં એની નોકરી લાગી. રોજ સવારે ઘરેથી સાયકલ લઈને બસસ્ટેન્ડ આવતો. બસસ્ટેન્ડ પર સાયકલ જમા કરી બસમાં શહેર જતો. નોકરી પરથી આવ્યા પછી સાયકલ પાછો લઈને ઘરે જાય. આજ એનો નિત્યનો ક્રમ. રવિવારે એક દિવસ ફક્ત એને રજા મળતી. બસસ્ટેન્ડ પર સાયકલ સાચવવા એક ટીનના શેડ નીચે એક ડોશીમા બેસે. રોજનાં પાંચ રૂપિયા આપો તો પણ તમારી સાયકલ એ સાચવે. તમે જે આપો એ લઇ લે. કોઈ દિવસ વધુ માંગે નહીં.સુજય રોજ એમનાં પાસે જ સાયકલ મૂકે. સુજય એમને રોજના દસ રૂપિયા પણ આપે.

ડોશીમાના આવા સ્વભાવને લીધે ઘણા લોકોતો પાંચ,દસ રૂપિયા આપવામાં પણ કંજુસાઈ કરે.ચૂપચાપ સાયકલ લઇને ચાલ્યા જાય, તોયે ડોશીમા એમને કશું કહે નહીં કે માંગે પણ નહીં. એક દિવસ સુજયે આ જોયું. એણે ડોશીમાને કહ્યું,"માડી, એ લોકો પૈસા આપ્યા વિના સાયકલ લઈને ચાલ્યા ગયા, તમે એને કેમ કશું કહ્યું નહીં ?તમારા મહેનતના પૈસા કેમ માંગ્યા નહીં ?"

"બેટા, એમનાં પાસે કદાચ છૂટા પૈસા નહીં હશે. અને હું ક્યાં અહીંયા માંગવા બેઠી છું ? આ તો ઘરે એકલી નવરી બેસવા કરતાં અહીંયા બેસું છું. તો બે પૈસા કમાવું છું." ડોશીમાએ તો જવાબ આપ્યો.

સુજય તો ડોશીમાની વાતોથી બહુ પ્રભાવિત થયો.એક દિવસ સુજય નોકરી પરથી આવ્યો તો ટીફિનમાંનું શાક અને રોટલી એણે બસસ્ટેન્ડના કચરાના ડબ્બામાં નાંખી દીધી અને ટિફિન ખાલી કરી, સાયકલ લઈ ઘરે ચાલ્યો ગયો.

ડોશીમા એ આ જોયું હતું. બીજે દિવસે એણે સુજયને પૂછ્યું, "બેટા! એક વાત પૂછું ? ગઈકાલે તે તારો ડબ્બો કચરામાં કેમ નાંખી દીધો હતો ?"

સુજયે કહ્યુ,"એ તો ગઈકાલે શાક ભાવ્યું નોહતું એટલે અને ઘરે જો બા જુવે તો દુઃખી થાય, ખીજવાય...એટલે."

ડોશીમા બોલ્યા, "જો બેટા, તને ગમશે તો નહીં મારી વાત. પણ વિચાર કરજો એ શાકને બનાવતાં તારા બાને કેટલી મહેનત પડી હશે ? કદાચ એણે પોતા માટે પણ ના રાખ્યું હોય અને તને આપ્યું હોય.આગળથી કશું ભાવે નહિ કે વધે તો કચરાના ડબ્બામાં નહીં નાંખતો, મને આપજે હું તે ખાઈ લઈશ."

બીજે દિવસે સુજયે એની બા પાસે બે રોટલી અને થોડુંક વધુ શાક ભરાવ્યું. એ નોકરી પર જવા પહેલાં ડોશીમાને પોતાનાં ટીફીનમાંથી કાઢીને આપ્યું પણ ડોશીમા એ લેતા નથી. એમણે કહ્યુ, "બેટા, હજી હું મારા પૂરતું કમાઈ લવું છું, ખાઈ લવું છું મહેનતનું. મેં તો તને ફક્ત વધ્યું હોય તો ફેંકવા કરતાં આપવા કહ્યું હતું."

સુજયને એમનો ચુંબકીય સ્નેહ ખેંચતો હતો. એ રોજ એમના સાથે વાત કરતો. એ તો ડોશીમાને હવે પારવતામા કહેતો. બે ચાર દિવસે જાણે જોઈને વધુ લઇ જતો અને આવતા વધ્યું કહી પારવતામાને આપતો. વાતવાતમાં એને ખબર પડી હતી કે , પારવતામાનો પતી એમને યુવાનીમાં જ છોડી ચાલ્યો ગયો હતો. એક દીકરી અને દીકરાને લોકોના ઘરનાં અને ખેતરનાં કામો કરી કષ્ટથી મોટાં કર્યા હતા, ભણાવ્યાં હતાં અને લગ્ન કર્યા હતાં. દીકરો અને જમાઈ બંને મોટા સાહેબ હતાં, મોટા શહેરમાં રહેતાં હતાં. સાદાભોળા પારવતામા જમાઈને ગમતાં નોહતા અને વહુને ખૂંચતા હતાં એટલે તેઓ તો ગામમાં એકલાં રહેતાં હતાં. કોઈ એમની ખબર લેવા કે જોવા આવતાં ન હતા.છતાં એમને કોઈથી ફરિયાદ ન હતી.

આ પારવતામા સાથે સુજયનો એક અનોખો ચુંબકીય સંબંધ બંધાઈ ગયો હતો. એ રોજ એમના સાથે આવતા જતા વાતો કરતો. એક દિવસ પરવતામા ના દેખાયાં બસસ્ટેન્ડ પર તો સુજયને ફિકર થઈ, જેમતેમ પતો પૂછતો એમના ઘરે ગયો તો એક ઝૂંપડીમાં એ શાંત થઈ ગયા હતા. એમના દીકરી કે દીકરાનો પતો કોઈના પાસે નોહતો. છેવટે સુજયે જ એમની અંતિમક્રિયા કરી. એ દિવસે સુજય આ અનોખા ચુંબકીય સંબંધ માટે ખૂબ ખૂબ રોયો હતો.

ક્યારેક લોહીનાં સંબંધ કરતાં પણ ચુંબકીય માયાનાં,સ્નેહના સંબંધ અનોખા હોય છે.જેના દીકરા, દીકરી માતાના ઉપકારને ભૂલીને એના પ્રેમનાં ચુંબકથી દૂર થઈ ગયા હતા એ માતાનાં અનોખા ચુંબકીય સંબંધમાં સુજ્ય રોયો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational