અનોખી વાત
અનોખી વાત


યોગિતા બેન, નામ સાંભળતા જ યાદ આવે એમની. એવા ચુલબુલ ને હસમુખ. પહેલે થી જ ખૂબ સુઘડ ને વ્યવસ્થિત. લગ્ન પહેલા તો સમજાય કે દીકરી પિયર હોય એટલે દરેક શોખ પૂરા કરે. પણ લગ્ન પછી પણ એ એવા ને એવાજ રહ્યા. હંમેશા એમનું વસ્ત્રપરિધાન આકર્ષક જ હોય. એમની દરેક સાડીની પસંદ અફલાતૂન હોય. આજે લગ્ન ના ૨૫ વર્ષ પછી પણ એ માંડ ૩૫ ના લાગે.
મને ખબર પડી કે એમના સાસુમા ગુજરી ગયા છે. એટલે મેં ખરખરો કરવા ફોન કર્યો. એ ખૂબ જ રડતા હતા. ત્યારે તેમને કહ્યું કે એમના સાસુ તો મા કરતાં પણ સવાયા હતા. એ જયારે પરણીને સાસરે આવ્યા ત્યારે મનમાં હજારો સવાલ હતા જેમ દરેક નવોઢા ને હોય. બીક હોય. રખેને કોઈ ભૂલ થશે તો ખીજવાશે.
પણ એવું કંઈ ન થયું. એમના સાસુ ખૂબ જ પ્રેમથી રાખતા. કઈ ન આવડે તો શીખવતા. એમણે કહ્યું કે આજ સુધી મે એમને ગુસ્સે થતાં નથી જોયા. હંમેશા હસતા રહે. અલકમલકની વાતો કરે. અને એટલી બધી જાતભાતની રસોઇ બનાવે. અને હું કઈ પણ શીખી છું એમના લીધે. ભલભલા ૪૫ ના થાય ને તો ઉંમર દ
ેખાય. હું આટલી યંગ લાગુ છું એમનું કારણ એજ છે. એમણે કદી મને ટેન્શન નથી આપ્યું,કદી કઈ વાંકું નથી બોલ્યા. હંમેશા ફક્ત પ્રેમ જ આપ્યો છે.
આ વખતે બીમાર પાડયા ત્યારે એમને ખ્યાલ આવી ગયો હતો કે હવે એ નથી રહેવાના. એમણે અમને બધા ને કહી આ વાત. અમે દરેક ડૉક્ટર ને બતાવ્યું. એ રાતે એમણે અમારી સાથે રાતે ૧ વાગ્યા સુધી વાતો કરી. સાથે જમ્યા. કહ્યું કે ખૂબ જ શાંતિથી રહેજો. અને સવારે એ ઉઠ્યા જ નહિ.
યોગિતા બેને કહ્યું એમના સાસુ વગર એમને ચાલશે જ નહિ. એ ખુબજ રડી રહ્યા હતા. પરાણે એમણે શાંત કર્યા.
આ વાત સાંભળી ત્યારે મનમાં ખૂબ વિચારો આવ્યા. દરેક સાસુ આવા બને તો કોઈ વહુ ને કઈ તકલીફ જ ન રહે. કોઈ પણ જાતનો ગૃહકલેશ ન થાય. વહુઓને સાસુ તરફ ફરિયાદ જ હોય અને અહીંયા યોગીતાબેન એમની યાદમાં આંસુ સારી રહ્યા હતા.
મોટેભાગે સાસુ અને વહુ એકબીજાની નિંદા કરતા હોય છે. પણ હજારોમાં એક વ્યક્તિ હંમેશા એવું હોવાનું જે દરેક કરતા જુદી અને અનોખી વિચારસરણીવાળા હોય.