અનમોલ
અનમોલ


આજે પણ આ ખભા એટલાંજ મજબૂત છે કે એને આ જન્મ ભોમકાજ વ્હાલી છે અને એ આ જમીનથી જોડાયેલ વ્યક્તિ છે. એ બીજા લોકોની જેમ આ દેશ, આ ભોમકા, આ જમીન છોડીને વિદેશમાં કમાવા જવાનું એને મંજૂર નથી.
મણિનગરમાં રહેતાં એક પરિવારની વાત. મધ્યમ વર્ગીય કુટુંબ હતું. કુટુંબમાં કુલ ચાર સભ્યો હતાં. અનિલભાઈ અને ભારતી પતિ પત્ની હતાં. મોટી દિકરી મેઘા અને નાનો અનમોલ. અનમોલ ખરેખર નામ પ્રમાણેજ અનમોલ હતો. નાનપણથી જ હોંશિયાર અને સમજદાર અને ભાવનાશીલ હતો.
અનિલભાઈ અને ભારતીએ નોકરી કરીને બન્ને છોકરાઓને ભણાવ્યા ગણાવ્યા. મેઘાને બી.કોમ કરવું હતું એ કર્યું. અને અનમોલને પહેલેથી જ સાયન્સમાં જવું હતું એટલે ઈ.સી એન્જિનિયર માસ્ટર ડિગ્રી સાથે પાસ થયો. પણ પોતાના ભણતરનો ખર્ચ પોતે ટ્યુશન કરીને કાઢી લેતો. અને પોતે જાત મહેનત કરી નેજ આગળ આવ્યો.
મેઘાને એની પસંદના છોકરાં સાથે સાદાઈથી લગ્ન કરાવી આપ્યા અને એને સાસરે વળાવી. પુત્ર અનમોલ મા બાપનું આંખનું રતન હતો. ખુબ મહેનત કશ અનમોલ હતો. ગાંધીનગરની કંપનીમાં એની આવડત અને ધગશને લઈને એને હેડ મેનેજરની પોસ્ટ મળી. અનમોલનું રુપ અને હોંશિયારી જોઇને તેનાં મા બાપની આંખ અને આંતરડી ઠરતી . અનમોલ ઓફિસમાં હોશિયાર હોવાથી એની કંપનીને ફાયદો થવા લાગ્યો. અને એજ કંપનીની એક બ્રાંચ દુબઈ હતી ત્યાંથી એને ઓફર મળી કે દુબઈ આવી જાવ. પણ એણે એ ઓફર ઠુકરાવી કે મને મારી જન્મભુમિ ખુબ વ્હાલી છે અને મારાં માતા-પિતાનું ધ્યાન કોણ રાખે તો માફ કરશો.
અનમોલ આટલી મોટી કંપનીમાં નોકરી કરતો હતો પણ ઈસ્ત્રી વગરના જ કપડાં પહેરતો. એકદમ સાદગીથી રેહતો. બૂટ પણ સસ્તા અને ટકાઉ જ લેતો. જમવામાં પણ દરેક વસ્તુથી ચલાવી લેતો. કોઈ એને પુછે કે અનમોલ શાં માટે સાદગીથી રહે છે આમ અપટુડેટ રહેને તારા મોભા અને પદ પ્રમાણે. તો અનમોલ એકજ વાત કહેતો. કે મારી આવડત અને હોશિયારીને લઈને મને ઓળખે છે લોકો નહીં કે મારાં કપડાંથી. હું આ જમીન પર જ રેહવા માગું છું કારણ કે હું આ જમીનનો માણસ છું. અને આખાં કુટુંબમાંથી અનમોલજ પહેલો આટલો સફળ વ્યક્તિ હતો છતાંય એ જમીન પર ટકી રેહનાર વ્યક્તિ હતો. ના પોતાના પદ અને નાની ઉંમરે મળેલી સફળતાનું કોઈજ અભિમાન નહોતું.
કોલેજમાં જ તેની સાથે ભણતી સિમરન સાથે તેની આંખો ચાર થઈ ગઈ હતી. પણ પોતાની કારકિર્દી અને કંઈક બની બતાવીને જાત મહેનતથી લગ્ન કરવા હતાં એટલે એણે ઘરમાં વાત કરી નહોતી. પણ સિમરનના ઘરે છોકરાઓ જોવાનાં ચાલુ થયાં એટલે અનમોલે ઘરમાં વાત કરી. એટલે અનિલભાઈ અને ભારતીએ હા પાડી અને સિમરનને મળ્યા. સિમરન સંસ્કારી અને સુશીલ છોકરી હતી. બન્ને પરિવારની સંમતિથી લગ્ન કરી લીધા અને આનંદથી રહેવા લાગ્યા.
આટલો પદ પ્રતિષ્ઠાવાળો વ્યક્તિ હનીમૂન માટે ભારતનાંજ એક નાનાં સ્થળે ત્રણ દિવસ માટે જઈ આવ્યો અને ઓફિસમાં હાજર થઈ ગયો. અનમોલની સાથે ભણતો મિત્ર મિતુલ એ બીજી કંપનીમાં હતો એણે એનાં બોસને અનમોલ વિશે બધી વાત કરી. એ કંપની એ બધી તપાસ કરી અને જોયું કે અનમોલ તો એક અનમોલ રતન જ છે એટલે એની મોટી બ્રાંચ અમેરિકા હતી ત્યાં બધી માહિતી મોકલી.
ત્યાંથી પણ તપાસ થઈ અને અનમોલની આવડત અને હોશિયારી જોઈને અમેરિકા બોલાવ્યો. પણ અનમોલ તો આ ભોમકા આ જમીન મૂકીને ક્યાંય જવા માંગતો નહોતો. એણે એ ઓફર પણ ઠુકરાવી. અને ભારતમાંજ રહીને આ જમીન પર ટકી રહેનાર સફળ વ્યક્તિ બન્યો અને કંપનીએ પણ એનાં ગુણો જોઈને એને પ્રમોશન આપ્યું.