અંગુઠાની છાપ
અંગુઠાની છાપ
આજે તો આકાશને મમ્મીની ટુથપેસ્ટ લીધા વિના છૂટકો જ નહોતો. કેમકે તે નવી ટુથપેસ્ટ; બજારમાંથી લાવવાનું ચૂકી ગયો હતો. એમ ને એમ ખાલી પાણીથી મો ધોવાનું એને મુનાસિબ ન લાગ્યું. તેણે મમ્મીની ટુથપેસ્ટમાથી થોડી પેસ્ટ લીધી અને બ્રશ કરી દીધું. પાછલી રાતે પિતાજી બ્રેડનુ પેકેટ લાવ્યા હતા. એટલે એણે એક - બે બ્રેડ ચા સાથે આરોગી.
એ પછી નળમાં પાણી આવતું હોઇ તેણે પાણી ભરાવડાવ્યુ. એ પછી નાહી લીધું અને ધાન્ય મેળવવા સારું જે કંઇ આવશ્યક વસ્તુઓ લઇ જવાની રહેતી હતી તે લઇ લીધી. એને થોડી આશા બંધાઇ હતી કે આજે તો કામ પાર પડશે જ ! આવું વિચારતા તે પોતાની સ્કૂટી સંગ બાંધણી જવા રવાના થયો.
જ્યારે તે વાજબી ભાવની દુકાને પહોંચ્યો ત્યારે ત્રણેક જણ અનાજ લેવા ઓલરેડી આવી ચઢ્યા હતા. જ્યારે એનો વારો આવ્યો ત્યારે ભોપાળુ નીકળ્યુ. પોતે પાછલા દિવસે પેટલાદ જઇને જરુરી કાર્યવાહી કરવા છતાં જ્યારે તેને એવુ કહેવામાં આવ્યું કે તમારી વિગતો હજી અપડેટ નથી થઇ" ત્યારે તેને એવી વાત સાંભળવાનું ગમ્યું નહીં.
એ મનોમન સ્હેજ અકળાયો પણ ચહેરો એણે એકદમ સ્વસ્થ રાખ્યો. જેથી કરીને કોઇને ખબર ન પડે કે પોતે અકળાયો છે ! લેપટોપ પર કામ કરતા શખ્સનું કહેવું એમ હતુ કે સિસ્ટમમાં આકાશના; પિતાના અંગુઠાની છાપ બતાવતી હતી. અને એટલે જો તેઓ આવીને અંગુઠો આપે તો જ મળવાપાત્ર ધાન્યની પહોંચ નીકળે એમ હતી. આકાશ માટે એ શક્ય નહોતુ કે પોતે પપ્પાને લેવા માટે છેક એમના પોઇન્ટ પર જાય!
એ પછી આકાશે લેપટોપ પર કામ કરતા પેલા શખ્સ જોડે થોડી વાતો કરી. એ વાતો પરથી એને એવું લાગ્યું કે સમસ્યાનું સમાધાન કે ઉકેલ મળી રહેશે. એ પછી તે ત્યાંથી અનાજ લીધા વિના પાછો વળ્યો. એને કામમાં નિષ્ફળતા તો મળી જ હતી. પરંતુ આવી નાની નાની નિષ્ફળતાથી તે ટેવાઇ ગયેલો. એણે આશા રાખી કે આજે નહીં તો આવતી કાલે અનાજ તો મળશે જ ને. ! તેને જણાવવામાં આવેલ કે આ વિગતો અપડેટ થતા ચોવીસ કલાકનો સમયગાળો લાગે છે.
તેની સ્કૂટી ગામથી મુખ્ય રોડ તરફ જતા રોડ પર દોડી રહી હતી. એ વખતે તેણે જોયું કે એક સ્ત્રી પોતાની પુત્રી સાથે સામેથી આવી રહી હતી. અને એ જ વેળા એ જ રોડ પર અન્ય એક સ્ત્રી પણ પોતાની પુત્રી સાથે આવી રહી હતી. આકાશે પોતાની સ્કૂટી થોડે આગળ લઇ જઇને ઊભી રાખી. થોડીવાર બાદ તેણે જોયું કે ચાર આકૃતિ એકમેકની બિલકુલ નજીક આવી ગઇ. ચારેય આકૃતિઓમાની મોટી મોટી બે આકૃતિ એકબીજા સાથે વાતો કરવા લાગી. તેણે અવલોકન કર્યું કે બંને સ્ત્રીની પુત્રીઓ માનસિક ક્ષતિ ધરાવતી હતી. આકાશે બંને છોકરીઓના હાવભાવ અને વર્તન જોઈ લીધા હતા. બરોબર એ જ વેળા એનું મન પાલડી ખાતે આવેલ એક એવી સંસ્થા વિશે વિચાર કરતું થઇ ગયું કે જે માનસિક રીતે નબળા હોય એવા બાળકો માટે કાર્ય કરે છે. એને એએમટીએસમાં દરરોજ સવારી કરતા એક માનુની પણ સ્મરી આવ્યા કે જેઓ મ્યુઝિયમ એટલે કે એનાઇડી આવે એટલે પોતાના દીકરાને લઇને બસમાંથી નીચે ઊતરી પડતા હતા.
ખેર, એ પછી એણે પોતાના કાન સરવા કર્યા અને પેલી બે સ્ત્રી શું વાતો કરી રહી હતી તે સાંભળવાનો પ્રયાસ કર્યો. તેને સંભળાયું એ મુજબ પેલી સ્ત્રી કોરોના વાઇરસ સામે રક્ષણ મળે એ માટેની રસીની વાત કરી રહી હતી. તેણે નોંધ્યું કે પેલી બે સ્ત્રીમાની એક સ્ત્રીની દીકરીના વાળ બોયકટ હતા.
તેમની નજીક જ ઇને પૂછી જોઉ કે દીકરીને માનસિક ક્ષતિ કેટલા ટકા છે ? પૂછી જોઉ કે એને કોઇ શાળામાં દાખલ કરી છે કે નહી ? પૂછી જોઉ કે એમની આર્થિક સ્થિતિ કેવી છે ? તે મનોમન વિચાર કરવા લાગ્યો. એ પછી તે મનોમન કહેવા લાગ્યો કે પોતાને આ રસ્તા પર મહિને એક વખત તો આવવાનું બને જ છે ને એટલે ફરી ક્યારેક પૂછી શકાશે.
મુખ્ય રોડ પર તેને પેલી લારી જોવા ન મળી એટલે એણે પોતાની સ્કૂટી હંકાર્યે રાખી. ઘેર આવી એણે પોતાની મમ્મીને સઘળી વાત જણાવી દીધી. તેણે ઓરડામાં નજર ફેરવી લીધી. એ ઊપરથી એને ખ્યાલ આવી ગયો કે ઉદય નહોતો આવ્યો. એ પછી તે લાકડાના પલંગને પોતાનો ખભો ટેકવતા બેઠો. અને પોતાની જાતને પૂછવા લાગ્યો : આજે શું સબક શીખ્યો ?
થોડીવાર બાદ તેને જવાબ મળ્યો કે કેટલાક કાર્યો એક કરતા વધારે ધક્કે જ પૂરા થતા હોય છે અને એટલે પોતાના ધાર્યા પ્રમાણે દર વખતે બને જ એવા ભ્રમમાં ન રહેવું.
એ પછી એણે ડુંગળી - બટાકાનું શાક અને રોટલી આરોગી લીધાં.
