અંધારામાં ઉજાસ
અંધારામાં ઉજાસ


આ દુનિયામાં સંબંધ કોઈ પણ હોય, એનો પાસવર્ડ એકજ હોય છે - "વિશ્વાસ" અને મનની સ્વચ્છતા તો જ સંબંધોની ગરિમા અને પવિત્રતા જળવાય રહે છે અને બહું ઓછાં આવા દેવદૂત જેવાં માણસો આ ધરતી પર મળે છે.
આ વાત છે ૧૯૯૫ની સાલની. આશાના લગ્ન એના પિતાએ સારું ઘર જોઈ અમદાવાદમાં કર્યા હતાં. પણ કિસ્મતમાં શું લખ્યું છે એ કોણ જાણે છે ! આશા પરિણીને આવી ત્યારે વીસ વર્ષનીજ હતી. કંઈ કેટલાય અરમાનો લઈને આવી હતી પણ પિયુષને પોતાની એક અલગ દુનિયા હતી. ઘરમાં મોટી વહુ આશાજ હતી. પિયુષ બેજવાબદાર અને બધીજ ખરાબ આદતોનો શિકાર હતો.
આશા એ પિયરમાં આવું જુગાર રમવું અને બાપ દિકરા સાથે બેસીને દારુ પીવેએ જોયું જ નહોતું.
લગ્નના બીજાજ દિવસે આવી મહેફિલ ઘરમાં થઈ એ જોઈને આશા દુઃખી થઈ ગઈ પણ કોને કહે !
એના પિયરમાં તો આવું બધું થતુંજ નહીં. કારણકે ખુબજ ભક્તિભાવ અને ધાર્મિક કુટુંબમાંથીએ આવી હતી. અહીં પણ કોણ સાંભળે એની વાત. કારણકે સાસુમા પતિવ્રતા નારી હતાં અને એ એમનાં પતિના દરેક ખરાં ખોટા કામમાં સહયોગ આપતાં. આશા આધુનિક વિચારસરણી ધરાવતી હતી પણ આ બધું એને અયોગ્ય લાગતું. જન્માષ્ટમી મહોત્સવ આશાને ત્યાં ધામધૂમથી ઉજવવામાં આવતો પણ અહીં તો આખા શ્રાવણ માસમાં દર શનિવારે અને રવિવારે જુગાર ઘરમાંજ રમાતો અને દારૂની રેલમછેલ થતી. આ બધું જોઈ ને આશા દુઃખી રહેતી અને મુંઝાતી.
શિતળા સાતમની રાત્રે અને જન્માષ્ટમી આખો દિવસ અને આખી રાત ઘરમાં જુગાર રમાતો અનેકવિધ લોકો આવતાં. સૂવાની પણ તકલીફ પડતી. રાત્રે રસોડામાં ન્હાવાનો ટુવાલ પાથરીને અર્ધ જાગૃત અવસ્થામાં સૂતી રહેતી. નાની નણંદ જે દસમાં ધોરણમાં જ હતાં એ પણ બાજુમાં સૂઈ જતાં. સાસુમા બહારનાં રૂમમાં સોફા પર સૂઈ રહેતાં જે રમવા આવ્યા હોય એમનો પરિવાર પણ બહાર ના રૂમમાં સૂતાં હોય. બાકીનાં ત્રણેય બેડરૂમમાં જુગાર અને દારૂની મહેફિલ જામતી રહેતી અને પડીકીઓ ખાઈને થૂકવાથી બાથરૂમની દિવાલો અને વોશબેસિન રંગાઈ જતાં. આવાં ઘરનાં વાતાવરણ ને લઈને પિયુષને જુગારની લત લાગી ગઈ હતી. એ જ્યાં પણ જુગારનું ટેબલ હોય ત્યાં રમવા જાય. આશા પચ્ચીસ વર્ષે બે બાળકોની માતા બની પણ પિયુષ હજુ પિતા તરીકે જિમ્મેદાર નહોતો બન્યો. આ પાંચ વર્ષમાં આશાનાં પિયરમાં એનાં પિતાનું દેહાંત થઈ જતાં એક અર્ધપાગલ જીતેશભાઇ અને માતા રહ્યા. નોકરી ધંધો કરવો નહીં અને પિયુષ રૂપિયા રમવામાં વેડફી રહ્યા.
આશાના પિતાનાં આપેલા દાગીના માગ્યા પિયુષે રમવા. આશાએ ના પાડી અને કહ્યું કે 'તમે રમવા ના જશો તમે આમ પણ બધું હારીને જ આવો છો ને. અને કહેવત છે કે "હાર્યો જુગારી બમણું રમે" તમે આ બધી ખોટી આદતો છોડીને કંઈક કમાણી કરો. આ બાળકોનું ભવિષ્ય શું ?"
પિયુષને ગુસ્સો ચડ્યો કહે 'મને રોકનાર તું કોણ ? તારી ઔકાત શું છે ? મને હું જે કરતો હોય એ કરવા દેવાનું. મને ના સાંભળવાની ટેવ નથી. મને રોકવાનો અને ટોકવાનો નહીં.' કહીને આશાને ખુબ મારી અને ગંદી ગાળો પણ બોલ્યા.
આશા પણ આજે જીવ પર આવી ગઈ હતી કહે હું નહીં જવા દઉં રમવા એટલે પિયુષે આશા ના વાળ પકડી ભીંતમાં માથું પછાડ્યું. આશાને ખુબ વાગ્યું હતું. આવો ઝઘડો અને મારામારી કરીને પિયુષ તો રમવા જતો રહ્યો.
આ બાજુ આશાને ખુબજ આઘાત લાગ્યો અને ગુસ્સો આવ્યો. ઘરમાં હતી એ બધીજ ઘેનની ગોળીઓ ગળી ગઈ અને રૂમમાં પલંગમાં જૂનાં મુકેશનાં ગીતો ચાલુ કર્યા નાનાં ટેપ રેકોર્ડરમાં. પછી તો આશાને ભાન ત્રીજા દિવસે આવ્યું ત્યારે એ હોસ્પિટલના બિછાને હતી. હાથમાં ગ્લુકોઝના બોટલ અને નાકમાં નળીઓ નાંખી હતી. એણે આંખ ખોલી તો સામે સાસુમા અને એમનાં ફેમિલી ડોક્ટર નરેન્દ્ર ભાઈ હતાં. એને ભાન આવ્યું એટલે એણે બાળકો વિશે પૂછપરછ કરી. એનાં આવા પગલાંથી ઘરના એ કહ્યું કે 'હવે તું તારાં પિયર તારાં દિકરા જતન ને લઈને જતી રહે. દિકરી મિલી ને અમે રાખીશું.'
આશાની ખુબ જ નાજુક સ્થિતિ હતી એણે હાથ જોડીને માફી માંગી. પણ પિયુષ અને એનાં ઘરનાં માનતા નહોતા. આશાના શરીરમાં ખૂબ જ અશક્તિ હતી એણે કહ્યું કે 'પિયરમાં મારી માતા અને ભાઈ એમનુંજ માંડ જીવન ગુજારે છે હું ક્યાં જવું ?' પણ કોઈ કંઈ સાંભળવાજ તૈયાર નહોતું. એટલામાં જ આ બધું સાંભળી રહેલાં ડોક્ટર નરેન્દ્ર ભાઈ બોલ્યા,
'હું બધાં ને હાથ જોડીને એક વિનંતી કરું છુ તો સાંભળો. હું હનુમાન દાદાનો ભક્તિ કરું છું તો એમને સાક્ષી માનીને કહું છું કે આશા આજથી મારી બહેન છે. એમ કહીને આશાનાં માથે હાથ મૂકયો અને કહ્યું કે 'અહીં જ હું આશાના હાથે રાખડી બંધાવું છું અને આજથી હું એનો ધર્મનો ભાઈ. આજથી આશાની જવાબદારી મારી. પણ મારી વિનંતી માન્ય રાખી ને આશાને એક મોકો આપો. એને અપનાવી લો. વાંક એનો પણ નથી. સમય સંજોગો અને કાળ ચોઘડિયું આવું અવિચારી પગલું ભર્યું છે તો હું મારા તરફથી માંફી માગું છું અને હું આશા તરફથી હવે તમને કોઈ તકલીફ નહીં પડે એવું વચન આપું છું.'
આમ આશાનાં અંધકાર ભર્યા જીવનમાં ઉજાસ બનીને આવ્યા નરેન્દ્રભાઈ. એમની સમજાવટથી આશાને પિયુષ લઈ ગયો. પછી તો વાર તહેવારે નરેન્દ્ર ભાઈ આશાના ઘરે હાજર થઈ જાય અને ભાઈ તરીકેનો ધર્મ નિભાવી જાય. રક્ષાબંધન અને ભાઈબીજ નરેન્દ્ર ભાઈ આશનાં ઘરે અચૂક હાજર રહે અને વ્યવહાર કરે. એક મા જણ્યા ભાઈ જેટલું હેત રાખે આશા ઉપર. મિલી અને જતન પણ મામા મામા કરતાં થાકે નહીં.
જતનને તો દવાખાનામાં એમનાં ખોળામાં બેસાડીને પેશન્ટ તપાસે અને જતનને કહે બેટા ખુબ ભણજે અને મારી જેમ ડોક્ટર બનીને લોકોની સેવા કરજે અને વ્યસનોથી દૂર રહેજે. આમ દેવદૂત બનીને આશાનાં અંધકાર ભર્યા જીવનમાં ઉજાસ ફેલાવ્યો નરેન્દ્રભાઈએ. અને પિયુષને પણ સાચી સમજણ આપીને જુગાર અને દારૂના વ્યસનમાંથી મુક્તિ અપાવી.