અમુક આંખો કોરી હોય છે પણ દિલમા
અમુક આંખો કોરી હોય છે પણ દિલમા
અમુક આંખો કોરી હોય છે પણ દિલમાં વેદનાં ઉછળતી હોય છે. બધાં જ લોકોનાં જીવનમાં મુશ્કેલીઓ તો આવતી જ હોય છે. કોઈનું જીવન સુખમાં વિત્યું નથી. ક્યારેક દુઃખ, મુશ્કેલીઓ આવતાં લોકો દુઃખી થાય છે.પણ બધાં જ લોકો આસાનીથી પોતાની વેદનાં કહી શકતાં નથી.
અમુક લોકો થોડી પણ મુશ્કેલીઓ આવે તો તરત જ દુઃખી થઈ જાય છે. તેની આંખોમાંથી શ્રાવણ, ભાદરવો વરસવા લાગે છે. જાણે દુનિયામાં ફક્ત તે એકલી વ્યક્તિ જ દુઃખી છે. જયારે અમુક લોકો એટલાં સ્ટ્રોંગ હોય છે કે ગમે તેટલાં દુઃખ, મુશ્કેલીઓ આવે તો પણ અડગ રહી તેનો સામનો કરે છે. ન તે પોતાનાં દુઃખનાં રોદણાં રડે, ન તે ઢીલા પડે. એમને પણ દુઃખ તો થતું જ હોય છે પણ તેઓ પોતાની આંખો કોરી રાખે છે.મો હસતું રાખે છે. તેને પણ દિલમાં તો વેદનાંનો મહાસાગર ઉછળતો હોય છે.
નીયા અને જીયા બંને સગી બહેનો હતી. બંનેનાં સાથે જ લગ્ન થયાં. નીયા ખૂબ જ લાગણીશીલ હતી. સાસરામાં જરા સરખી પણ મુશ્કેલીઓ આવે કે પતિ સાથે કોઈ ઝગડો થાય તો તો તરત જ તેની આંખોમાંથી આંસુઓ વહેવા લાગે. જયારે જીયા ખૂબ સ્ટ્રોંગ હતી. કોરોનાને કારણે પતિની નોકરી ચાલી ગઈ, વાતવાતમાં સાસુ સાથે ઝઘડાં થાય તો પણ તે કયારેય ઢીલી પડતી નહિ. એનો મતલબ એવો નથી કે જીયા પત્થર દિલ છે. પણ અમુક લોકો હોય જ એવાં કે જે પોતાની વેદનાં, દુઃખ, મુશ્કેલીઓ કોઈની સાથે શેર કરતાં નથી. આવાં લોકોની આંખો તો કોરી હોય છે પણ દિલમાં વેદનાનો મહાસાગર ઉછળતો હોય છે.
આપણે ત્યાં કહેવત છે કે "સુખ વહેંચો તો બમણું થાય, દુઃખ વહેંચો તો અડધું થાય..." પણ બધાં જ લોકો પોતાનાં દુઃખો વહેંચવા માંગતા નથી.
વૈજ્ઞાનિક રીતે જોઈએ તો ડોકટરો કહે છે કે તમારાં પ્રોબ્લેમ, મુશ્કેલીઓ તમે તમારાં પોતાનાં સાથે શેર કરો જેથી માનસિક શાંતિ મળે. અને હાર્ટ એટેક નો ખતરો પણ ઓછો થાય. ખાસ કરીને સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોને હાર્ટએટેક વધારે આવે છે. કારણ કે પુરુષો કયારેય પોતાનાં પ્રોબ્લેમ કોઈની સાથે શેર કરતાં નથી. પોતાની વેદનાઓને તે દિલમાં સંઘરીને રાખતાં હોય છે. જયારે સ્ત્રીઓ સામન્ય વાતો પણ પોતાની અંગત રાખી શકતી નથી. જરા સરખું દૂધ ઉભરાય જાય તો પણ સહેલી સાથે શેર કરે છે. આજ કારણે તે હળવીફૂલ રહે છે. પ્રેમ, લાગણીઓને તે વહેંચે છે. જયારે પુરુષો પ્રેમ, લાગણીઓને સારી રીતે વ્યક્ત પણ કરી શકતાં નથી. એટલે જ કહેવાયું છે કે અમુક લોકોની આંખો કોરી હોય છે પણ દિલમાં વેદનાઓ ઉછળતી હોય છે.
