અક્ષર
અક્ષર


થોડાક દિવસ પહેલા મારા શિક્ષક રમેશભાઈ મને મળ્યા. મને જોઈ તેમને ખૂબ આનંદ થયો. અલકમલકની વાતો કરતા કરતા તેમણે મને પૂછ્યું, “તો પ્રવૃતિમાં નવીન કાંઈ?”
મેં કહ્યું, “બસ નાનપણનો શોખ ફરી જાગૃત થયો છે.”
શિક્ષકે કહ્યું, “એટલે?”
મેં કહ્યું, “વાર્તાઓ લખું છું.”
શિક્ષકે નવાઈ પામીને કહ્યું, “જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી તારા અક્ષર ભેંસ બરાબર હતા. જાણે કોઈએ શાહીમાં કીડો ડુબાડ્યો હોય અને તે કાગળ પર ચાલતા લીસોટા પડ્યા હોય એ હદે તારા અક્ષરો ખરાબ હતા. આવામાં તારી વાર્તાઓ કોણ વાંચી શકે?”
મેં હસીને કહ્યું, “બધા વાંચે છે અને તારીફ પણ કરે છે. સર! આજકાલ ટેકનોલોજીથી આપણે આપણી દરેક ખામીઓને દૂર કરી શકીએ છીએ. હું વાર્તાઓ કાગળ પર લખતો નથી પરંતુ સીધી જ કમ્પ્યુટર પર ટાઈપ કરી દઉં છું.”
રમેશ સરે કહ્યું, “શું વાત કરે છે સીધું જ ટાઈપ કરે છે?”
મેં ગર્વથી કહ્યું, “હા. વળી સોશ્યલ મીડિયાને કારણે હું મારી વાર્તાઓને દુનિયાના ખૂણે પહોંચાડી શકું છું. સર! એક રીતે કહું તો આજની ટેકનોલોજીને કારણે હું કાગળ તથા સમયને બચાવી મારી કૃતિઓને અસંખ્ય વાંચકો સુધી પહોંચાડું છું. મેં તો મારા જીવનનું સૂત્ર જ બનાવ્યું છે કે, લખવાનો મને શોખ... વાંચવાનો તમને શોખ... એમાં બિચારા વૃક્ષોનો શો દોષ? હું ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોને વધારેમાં વધારે ઇબુક વાંચવા માટે પ્રેરણા આપું છું જેથી કાગળ માટે કપાતા વૃક્ષોની સંખ્યા ઘટે... આ માટે હું મારી વાર્તાઓમાં પણ યેનકેન પ્રકારે આ સંદેશ વણી લેતો હોઉં છું.”
રમેશ સર બોલ્યા, “સરસ... આજ પછી હું પણ ઇબુક જ વાંચીશ.”
મેં કહ્યું, “સર, પ્લે સ્ટોરમાંથી સ્ટોરી મિરર એપને ડાઉનલોડ કરી લો તેમાં ઘણા સારા સારા લેખકોની વાર્તાઓ તમને મળી રહેશે.”
રમેશ સર બોલ્યા, “જરૂર...”
મેં કહ્યું, “સર, એક વાત કહું? મારા ખરાબ અક્ષરો મારા માટે આશીર્વાદરૂપ છે.”
રમેશ સરે કહ્યું, “એ કેવી રીતે?”
મેં કહ્યું, “જયારે પણ કોઈ વાર્તાનો પ્લોટ મગજમાં આવે છે ત્યારે હું તેને એક કાગળ પર લખી લઉં છું. આમ કરવા જતા મને એ વાતનો જરાયે ડર હોતો નથી કે મારા પ્લોટને કોઈ બીજો વાંચી જશે.”
મારી વાત સાંભળી રમેશ સર ખડખડાટ હસી પડ્યા.