STORYMIRROR

Jyotsna Patel

Inspirational Children

4  

Jyotsna Patel

Inspirational Children

અકલ્પ્ય મિલન

અકલ્પ્ય મિલન

4 mins
320

“હેપ્પી ફાધર્સ ડે” હાથમાં મઘમઘતાં ફૂલોના બુકે સાથે હોસ્પિટલના રૂમમાં પ્રવેશતા ડોક્ટરે દર્દીને ફાધર્સ ડેની શુભેચ્છા પાઠવી. પણ આ શું ? દર્દી તરફથી કોઈ પ્રતિભાવ જ નહીં ! દર્દી તો અનિમેષ નયને બારીની બહાર તાકી રહ્યા હતા. સાહજિક રીતે ડોક્ટરનું ધ્યાન પણ ત્યાં દોરાયું. બહાર એક યુવતી પોતાની પાંચેક વર્ષની પુત્રી સાથે રમી હતી. માતા-પુત્રી બંનેના ચહેરા ફૂલની જેમ ખીલી રહ્યા હતા. આમતેમ દોડતી પુત્રી જાણે પતંગિયું ને તેને પકડવા દોડતી માતા જાણે નાનું બાળક ! 

આમ જોવા જાવ તો આ દ્રશ્ય જોનારને પણ પ્રફુલ્લિત કરી દેનારું હતું. પણ ડોક્ટરે જોયું કે દર્દીની આંખોમાંથી તો શ્રાવણ-ભાદરવો વહી રહ્યો હતો. તેમનું માત્ર શરીર જ અહી હતું, મન તો ન જાણે ક્યાં હતું ? ડૉક્ટર પણ પોતાનું કાર્ય ભૂલીને દ્રશ્ય સાથે એકરૂપ થઈ ગયા ! અચાનક નાનકીની પાછળ દોડતી યુવતીએ બેલેન્સ ગુમાવતાં તે જમીન પર પટકાઈ. તે સાથે જ દર્દીએ ચીસ પાડી, “સંભાળીને રુચિ.” માતા સુધી તો આ શબ્દો પહોંચે એમ હતા નહિ ને તે તો ઊભી થઈને ફરીથી પુત્રી સાથે ક્રીડા પણ કરવા લાગી. પરતું અહી રૂમમાં આ નાનકડી ઘટનાની ઘેરી અસર વર્તાઈ રહી હતી. દર્દીની વરસતી આંખો અને અજાણી યુવતીને ‘રુચિ’નું સંબોધન ડૉક્ટરને આશ્ચર્યકારક લાગ્યાં. અતિ ગંભીર સ્થિતિમાં પોતાની હોસ્પિટલમાં આવેલ દર્દી નવજીવન પામીને આજે ઘરે જવાનો હોય ત્યારે ખુશીને બદલે આંસુ જોઈને કોઈપણ વ્યક્તિને અચરજ થાય જ. ડૉક્ટર દ્વારા મોટેથી થયેલા ‘કાકા’ના સંબોધને દર્દીને પાછો રૂમમાં લાવી મૂક્યો. પોતાના જીવનદાતાને સામે ઊભેલા જોઈને સહજ જ એમના હાથ જોડાઈ ગયા.

પોતે અહી આવ્યા ત્યારે મરણાસન્ન સ્થિતિમાં હતા. પેટમાં સામાન્ય દુ:ખાવાની ફરિયાદ સાથે ગામડાગામના ડૉક્ટર પાસેથી દવા લેવા છતાં દર્દમાં રાહત ન થતાં શહેરની મોટી હોસ્પિટલની મુલાકાત લીધી. જાતજાતના રીપોર્ટ અને થોડી દવાઓના પ્રયોગો પછી સ્થિતિ વણસતાં મોટા ડોક્ટરે મુંબઈ જવાની સલાહ આપી. 

મુંબઈની તબીબી આલમમાં યુવા ડૉક્ટર નૈમિષ પટેલનું મોટું નામ. અને નામ જેવી જ વિશાળ અને અદ્યતન હોસ્પિટલ ! આવડતની સાથે જશની રેખા પણ ખરી જ ! એમની પાસે આવેલો દર્દી એમને મળીને જ અડધો સાજો થઈ જાય એવો સરળ અને લાગણીશીલ સ્વભાવ. બિમારનું નિદાન કરવાની સૂઝ ગજબની ને એટલી જ અસરકારક સારવાર! “રડતો આવેલો દર્દી હસતો પાછો જવો જોઈએ” એ એમનું સૂત્ર. 

આવા ઉંમરમાં નાના પણ ગજામાં મોટા એવા ડૉ. નૈમિષ પટેલને ખુશીના સમયે રડતા દર્દીની પીડા જાણવી જરૂરી લાગી. એમાંય દર્દીના હોઠે ‘રુચિ’નું નામ આવ્યું! પછી તો ડૉક્ટરથી રહેવાય જ કેમ ! ડોક્ટરે સાથે આવેલી નર્સને દરેક દર્દી સુધી ફૂલો સાથે શુભેચ્છા પહોંચાડવાની સૂચના આપીને રવાના કરી. પોતે દર્દીની પાસે બેસી ગયા. તેમના લાગણીભર્યા વ્યવહાર અને વાણીએ દર્દીને પોતાની પીડાની કહાણી કહેવા મજબૂર કર્યા. 

નામ એમનું વિનોદભાઈ. લાંબી-પહોળી જમીનના માલિક. એકસોથી વધુ ગીર ગાયો સાથે પશુપાલનમાં પણ અવ્વલ ! ઘણા લોકોની રોજગારીના દાતા. સંતાનમાં એકમાત્ર દીકરી રુચિ. બાર ધોરણ સુધીનું ભણતર એટલે છોકરી માટે ઘણું વધારે કહેવાય એવી માન્યતા ધરાવતા સમાજમાં પોતે રુચિને ઉચ્ચ અભ્યાસ માટે શહેરની હોસ્ટેલમાં મૂકી. પોતે કુટુંબ અને સમાજની નારાજગી વહોરી, પણ દીકરીને ક્યાંય ઓછપ ન સાલવા દીધી. પરિણામ શું મળ્યું ? અભ્યાસ પૂરો કર્યા બાદ ઘરે આવવાના બદલે રુચિ પ્રેમલગ્ન કરીને ક્યાંક ચાલી ગઈ !

ખૂબ ભણેલી દીકરીના પિતા હોવાનો ગર્વ લેવાની ક્ષણે મળી નાલેશી ને બેઈજ્જતી. વિનોદભાઈને દીકરી પ્રેમલગ્ન કરે એમાં કોઈ વાંધો હતો જ નહિ. ઊલટું એ તો એવું વિચારતા હતા કે પોતાના સમાજમાં શિક્ષિત દીકરીને લાયક કોઈ મૂરતિયો છે જ નહિ, એટલે અભ્યાસ પૂરો થયા પછી દીકરીને એની પસંદ મુજબ પરણાવીને પોતે સંતોષની જિદગી જીવશે. પણ રુચિએ આ શું કર્યું ? એણે પોતાના પ્રેમની કે પસંદની કોઈ વાત પિતાને કરી જ નહિ ! પિતા પર એણે વિશ્વાસ મૂક્યો જ નહીં. પિતા પોતાનો પ્રેમ સ્વીકારશે જ નહિ એમ માનીને તે લગ્ન કરીને ચાલી ગઈ ! વિનોદભાઈ માટે આ ઘટના ખૂબ આઘાતજનક હતી. તેમણે કોઈ રીતે રુચિને યાદ ન કરવાની કડક સૂચના લાગતા-વળગતા સૌને આપી દીધી. પોતે પણ રુચિને દિલ-દિમાગમાંથી કાઢી નાખવાનો પ્રયત્ન કરવા લાગ્યા. 

આજે નાનકી સાથે રમી રહેલી યુવતીને જોઈને તેમને આચનક રુચિની યાદ આવી ગઈ ! એ યુવતી અદ્દલ રુચિ જેવી જ દેખાતી હતી. તેઓ યુવતીમાં પોતાની દીકરી અનુભવી રહ્યા હતા ત્યાં જ તેને ઠોકર વાગતાં અનાયાસે ‘રુચિ’નું સંબોધન થઈ ગયું. વિનોદભાઈની કહાની સાથે તદરૂપ થઈ ગયેલા ડોક્ટરની આંખો ક્યારે વહેવા લાગી એની એમને પોતાને પણ ખબર ના રહી ! 

રૂમનું વાતાવરણ ભારે થયેલું અનુભવાતાં વાત બદલવાના ઈરાદે વિનોદભાઈએ સારવારનું બિલ ચૂકવવાની વાત છેડી. ત્યારે ડોક્ટરે જે વાત કરી તે દર્દી માટે આશ્ચર્યજનક હતી. તેમણે કહ્યું, “કાકા, તમારે બિલ ચૂકવવા માટે મારા ઘરે આવવું પડશે !” વિનોદભાઈની આનાકાની કાને ધર્યા વગર બધાં કામ પડતાં મૂકીને ડૉક્ટર પોતાની ઈમ્પોર્ટેડ કારમાં જાતે ડ્રાઈવ કરીને દર્દીને પોતાના ઘરે લઈ ગયા. હવેલી જેવા બંગલાના વિશાળ બેઠકરૂમમાં વિનોદભાઈને બેસાડીને પત્નીને બૂમ પાડી, “હની, જો તો કોણ આવ્યું છે ?” પાણી લઈને આવેલી ડૉક્ટર-પત્નીને જોઈને વિનોદભાઈ ઊભા થઈ ગયા ને આનંદાશ્ચર્ય સાથે બોલી ઉઠયા, “રુચિ, તું?” ને રુચિ સજળ નેત્રે પિતાને ભેટી પડી.

ડૉ. નૈમિષ પટેલ ખરા અર્થમાં 'ફાધર્સ ડે' ઉજવ્યાના સંતોષ સાથે પિતા-પુત્રીનું આ અકલ્પ્ય મિલન જોઈ રહ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational