અજવાળી રાત
અજવાળી રાત
મીનાક્ષી આમ તો નાનપણથી જ દુઃખમાં ઉછરીને મોટી થઈ. જન્મતાની સાથે જ માતાનું અવસાન થયું. પિતાનો પ્રેમ મળ્યો. થોડાંક જ વર્ષોમાં પિતાએ બીજા લગ્ન કર્યા. પારકી મા મીનાક્ષીને હંમેશા ધુત્કારે. ઘરના કામ કરાવે તેમ છતાં ખાવા માટે જે કંઈ વધ્યું ઘટ્યું હોય તે આપે. મીનાક્ષી મનમાં ને મનમાં ખૂબ દુઃખી થાય. પણ આ વાત કહેવી કોને ?
"જીવનમાં છે કષ્ટો અપાર
કોને કહું મારા દુઃખની વાત"
મીનાક્ષીને ભણવું હતું. ભણીગણીને મોટા અફસર બનવું. પરંતુ સાવકી મા તેના પર ધ્યાન આપે નહીં. ઘરના બધા કામ પતાવી શાળાએ સદૈવ મોડી જ પહોંચે. શાળામાં શિક્ષક પણ આ વાતથી વાકેફ. એટલે રીસેસ સમયનો સદુપયોગ કરી મીનાક્ષીને બધું શીખવે. મીનાક્ષી શાળામાં રહે ત્યાં સુધી સખત મહેનત કરે. મીનાક્ષી લગભગ અવ્વલ નંબરે જ પાસ થાય. શાળામાં સૌ તેને શાબાશી આપે. પરંતુ ઘરે તો તેની સાવકી માતા આ વાત પિતાજી સુધી પહોંચવા જ ન દે.
મીનાક્ષી કોલેજમાં અભ્યાસ માટે છાત્રાલયમાં મુકવામાં આવી. ખૂબ લગનથી અભ્યાસમાં આગળ વધી. કોલેજ પૂર્ણ થતાં જ એક પરીક્ષા પાસ કરી અને મોટી અફસર બની ગઈ. આખરે તેના જીવનમાં અજવાળી રાત આવી. સાવકી મા જે તેને અત્યાર સુધી ખૂબ દુઃખ જ આપતી હતી. તેને આજે પસ્તાવો થયો.
પરંતુ મીનાક્ષીના દિલમાં તેના પ્રત્યે કોઈ દ્વેષભાવ ન હતો. અંધકારમય ભૂતકાળ યાદ આવતાં જ તેની આંખમાં હજી પાણી આવી જાય છે. પરંતુ તેના જીવનમાં આવેલી ખુશી હંમેશા માટે રહી.
