અજન્મા
અજન્મા


અમર...ચાલ જલદી..અગિયાર વાગે હોસ્પીટલ પહોંચવાનું છે...હું બિલકુલ તૈયાર છું. " ડાર્લિંગ! ઝૂમ પર આ એક વર્ક મીટીંગ એટેન્ડ કરવી ખૂબ જરૂરી છે. અડધો-પોણો કલાક જ થશે. એક કામ કર...તું ઉબર ટેક્ષી કરી હોસ્પિટલ પહોંચ ને ફોરમાલીટી પતાવતી થા. મારે ગાયનેકોલોજીસ્ટ સાથે વાત થઈ ગઈ છે. એબોર્શન કરવા તને સાડાબારથી પહેલાં ઓપરેશન થિયેટરમાં નથી લેવાનાં. એ પહેલાં તો કાર લઇ હું પહોંચી જઇશ.
અમર-ઇરા બંને માસ્ટર્સ ડીગ્રી ધરાવતું આધુનિક કપલ. પાંત્રીસીએ પહોંચતાં પહેલાંજ બંને એ પોત-પોતાની કારકિર્દીમાં ખાસ્સું નામ કાઢ્યું. આ મહાનગરમાં પોતાની કાર અને એક સુંદર ફ્લેટ પણ લઇ લીધો, અલબત્ત લોન લઇને લોનનાં પૈસા ભરતાં પણ બંને મોજથી રહે એટલા પૈસા જરુર બચતાં. લાઇફ એન્જોય કરતાં હતાં બંને જણ.એવામાં આ એક ગડબડ થઇ ગઇ. તકેદારી રાખવા છતાં ઇરા ને પ્રેગ્નન્સી રહી ગઇ.
કાર...ઘર..ફર્નીચરના હપ્તા ભરવાનાં છે. હજુ ટુર્સ લઇ દુનિયા જોવાની છે. જોબમાં હજુ વધારે એફર્ટસ નાંખી ટોપ પર પહોંચવાનું છે...no way..આ બચ્ચું હમણાં તો નહીં જ અને કદાચ પછી પણ ન જોઈએ. ઇરાએ એબોર્શન કરાવવું એવું બંને એ નક્કી કર્યું.
પર્સ ને જરૂરી બીજો થોડો સામન લઇ ઇરા નીકળી..લીફ્ટમાં જ એણે ઉબર બુક કરી લીધી. 15 મિનિટ્સ વેઇટિંગ હતું. રાહ જોવા સિવાય છૂટકો નહોતો.
રોડ પર ખાસ્સી ચહલપહલ હતી.કોલેજ જતાં યુવાનો, ખરીદી માટે નીકળેલી ગૃહિણીઓ, ટીફીન સર્વિસ વાળાઓથી રોડ ભરચક હતો. ત્યાં એનું ધ્યાન પડ્યું સામેના બસસ્ટોપ પર લાગેલા જાહેરાતના હોર્ડિંગ પર.. એક મસ્ત -મજાની ઢીંગલી જેવી બેબીનો ચહેરો જાણે એની સામે જ જોઇને હસતો હતો ! અરે ! આ ને તો હું ખૂબ જાણું છું ! કોણ છે આ ? એ યાદ કરવા મથી રહી.
મા !...એની અંદરથી જાણે એક ધીમો-કોમળ અવાજ આવ્યો. મને ન ઓળખી ? મા. હું તારી અજન્મા તારા અસ્તિત્વનો અંશ. તારી અંદર જ તો છું બે મહીનાથી ! મા..મને તારી કૂખે અવતરવા દે ને.! મારે તારા ખોળામાં રમવું છે, તારી સાથે ખૂબ વાતો કરવી છે. તારો ખૂબ પ્રેમ પામવો છે ને તને ખૂ..બ..બધો પ્રેમ કરવો છે. સાંભળે છે તું મા ?...હું તો તારા હ્રદયનાં એક એક ધબકારા સાંભળું છું મા.
ઇરાને ચક્કર આવતાં હોય એવું લાગ્યું. એક હાથે ફૂટપાથની રેલીંગ પકડતાં એનો બીજો હાથ અનાયાસે પોતાના પેટ પર ગયો .અને ત્યાં જ એણે બુક કરેલી ઉબર ટેક્ષી પેં..અપ..પેં અપ કરી હોર્ન મારતી આવી ઉભી.