અજબ છોકરી
અજબ છોકરી
આજના માહોલમાં માણસ ભણ્યો કેટલું તે તેના ”સર્ટિફિકેટ” પરથી ખબર પડે છે, પણ સમજ્યો કેટલું અને કેટલું આચરણમાં ઉતાર્યું એ તેના ”સંસ્કાર” પરથી ખબર પડે છે. એમજ કંઈ અમથી કોયડા જેવી જિંદગી નથી બનતી. અમુક વ્યક્તિઓના વ્યક્તિત્વજ કંઈક અલગ હોય છે. એમજ મીઠો નથી લાગતો ઘરનો રોટલો કોઈ લાગણીશીલ હાથનાં ટેરવાં પણ શેકાયા હોય છે સાથે સાથે ત્યારે મીઠાશ ભળે છે.
આખી સોસાયટીમાં અનેરી ચર્ચાનો વિષય બની ગઈ હતી. અનેરી ઘરનાં અને ઓળખીતા, પારખીતા માટે એક કોયડા સમાન હતી. બધાં એકજ વાત કરતાં. આ અનેરી તો કોયડા જેવી બની ગઈ છે આ છોકરી. કોઈની સમજમાં નથી આવતી એ શું કરે છે. રોજ સવારે વહેલી નિકળી જાય છે તે રાત્રે દશ વાગ્યા પછી જ સૂવા આવે છે.
માતા પિતા પણ પૂછપરછ કરતાં 'અનેરી તું શું કરે છે ? તું કઈ દુનિયામાં જીવે છે ? હવે તારી ઉંમર થઈ છે તો લગ્ન કરી લે બેટા, નહીંતર અમારાં પછી તારું કોણ ?'
અનેરી એક જ જવાબ આપતી, 'તમે ચિંતા ના કરો, હું કોઈ એવું કામ નથી કરતી કે તમારે નીચું જોવું પડે. અને મારે લગ્ન નથી કરવા. ઉપર ભગવાન બેઠો છે બધાંનું સારુંજ કરશે માટે આપ ખોટી ચિંતા છોડી દો.'
અનેરીના ઘરમાં વૈષ્ણવ ધર્મને માનતાં. અનેરીને સર્વ ધર્મ હતો. બહું પૂછપરછ પછી પણ અનેરી એ કોઈને કશું કહ્યું નહીં. ત્યારે સોસાયટીમાં રહેતા અનેરીના પિતાના ભાઈબંધ બળવંતભાઈએ કહ્યું કે 'જનકભાઈ આપણે એક કામ કરીએ. હમણાંજ બેંગલોરથી ભણીને આવેલ મારો દિકરો સંજય એને અનેરીની પાછળ લગાવીએ. જેથી અનેરીની દરેક ગતિવિધિઓની આપણને ખબર પડે. આમ તો અનેરી ખુબજ ડાહી ને સમજદાર છે પણ તમે એનાં પિતા છો. અને તમને ચિંતા થાય છે તો મને આ રસ્તો દેખાયા છે. જો તમારી હા હોય તો કાલથી જ શ્રી ગણેશ કરીએ.'
જનકભાઈ : 'સાચું કહ્યું તે દોસ્ત. એક દોસ્તજ બીજા દોસ્તને કામ આવે છે. તો તું સંજયને કહેજે કે અનેરીને ખબર ના પડે એમ એનો પિછો કરી સચ્ચાઈ જાણી લાવે. જેથી અમને ચિંતા ઓછી થાય. બાકી આ છોકરી કોયડા જેવી બની ગઈ છે. કમાય છે એ અડધાં રૂપિયા ઘરમાં આપે છે. પોતે એક ટાઈમ ચા પીવે છે ઘરમાં અને એક ટાઈમ રાત્રે રોજ ખિચડી જ ખાય છે. આખા વર્ષ માં બે જોડ ડ્રેસ લે છે. અને સાયકલ લઈને બધે ફરે છે. બાકી નથી મોજશોખ કરતી કે નથી કોઈ ખર્ચ કરતી. નથી ઘરમાં કોઈ દિવસ માળા કરતી કે નથી યમુના મહારાણીના પાઠ કરતી. કોયડા જેવું જીવન જીવે છે તો અમને એની સતત ચિંતા રહે છે.'
દોસ્ત આટલું કામ થઈ જાય એટલે મારે બહુ મોટો માથેથી ભાર હળવો થઈ જાય. આપણું મિશન કાલથી ચાલુ. અનેરી એક કોયડો બન્ને દોસ્ત હાથ મિલાવી છૂટા પડ્યા કહે, 'જય શ્રી કૃષ્ણ.'
નવાં સમાચાર સાથે ફરી મળીશું. બંન્ને પોતપોતાના ઘરે ગયા. બળવંત ભાઈએ એમનાં દિકરા સંજયને બધું સમજાવી દીધું. અને કહ્યું કે 'અનેરી સવારે આઠ વાગ્યે ઘરેથી નીકળી જાય છે તું તૈયાર રહેજે.' સંજય કહે 'સારું પિતાજી.'
બીજા દિવસે સવારે શરું થયું "મિશન ઓફ ધ અનેરી એક કોયડો" સવારે જેવી અનેરી સાયકલ લઈને નિકળી સંજય એનું બાઈક લઈને તૈયાર જ હતો. જેવી અનેરી સોસાયટીના ઝાંપાની બહાર નીકળી. સંજય ધીમે ધીમે એની પાછળ જવા લાગ્યો. અનેરી જયહિદ ચાર રસ્તા પર ત્રીજા માળે આવેલાં ડોક્ટરના દવાખાનામાં ગઈ. સંજય નીચે ઉભો રહ્યો. એણે ત્યાં રહેતા જમાદારને પૂછ્યું કે 'આ હમણાં અહીં સાયકલ પાર્ક કરીને ઉપર ગઈ એને ઓળખો છો એ ઉપર કેમ ગઈ ? એ રોજ આવે છે ?'
જમાદાર કહે 'તમારે શું કામ છે ?' તમે કોણ અનેરી બહેન વિશે પૂછપરછ કરનારાં ?'
સંજયે બધી વાત કહી અને કહ્યું કે જનક કાકા ચિંતા કરે છે એટલે. જમાદાર કહે 'અનેરી બહેન ઉપર દવાખાનામાં નોકરી કરે છે. બહું જ ભલા છે. બીજી કોઈ મગજમારી નથી એમની.'
સંજયે પૂછ્યું કે 'આખો દિવસ કામ કરે છે ?'
જમાદાર કહે 'ના...એ તો ૧-૩૦ એ છૂટી જાય પછી બીજા દિવસે આવે.'
સંજયે જમાદારનો ખુબ ખુબ અભાર માન્યો અને ચા પિવડાવી. અને એ દૂર જઈને ઉભો રહ્યો. સમય થયો એટલે અનેરી નીચે આવી અને સાયકલ લઈને નિકળી. સંજય પાછળ પાછળ જવા લાગ્યો. જવાહર ચોક એક ક્લાસીસમાં અનેરી ગઈ. ત્યારે પોણા બે થયાં હતાં. અનેરી ઉપર ક્લાસીસમાં ગઈ એટલે સંજયે નીચે દુકાનમાં પૂછપરછ કરી અને જાણ્યું કે અનેરી રોજ બપોરે બેથી ચાર બે કલાક ટ્યુશનના લેક્ચર આપવા આવે છે.
સંજયે ત્યાં સુધી નીચે જલારામ નાસ્તા હાઉસમાં ગરમગરમ બ્રેડ પકોડા ખાધાં અને ચા પીને બાઈક પર બેસી અનેરીની રાહ જોવા લાગ્યો. ચાર વાગ્યા એટલે અનેરી નીચે ઉતરી અને સાયકલ લઈને એલ.જી હોસ્પિટલ પાસે આવેલી એક સોસાયટીમાં ગઈ અને ઝાંપો ખોલી સાયકલ પાર્ક કરીને ઘરમાં ગઈ. સંજય સોસાયટીના નાકાં પાસે ઉભો રહ્યો. ત્યાં સોસાયટીના ચોકીદારને પૂછપરછ કરી જાણકારી મેળવી કે અહીં આ નીતાબેન પંડ્યાના ઘરે રોજ સાંજે પાંચથી આઠ પંદરેક છોકરાઓને ટ્યુશન કરાવે છે. સંજય જાણકારી મેળવીને એક કામ પતાવી આવ્યો.
સવા આઠ થયાં એટલે અનેરી એ સાયકલ લઈને સિધી પારસ પ્રોવિઝન સ્ટોર પાસે આવી. ત્યાંથી સિંગ ચિક્કી અને તલના લાડુ લીધી એક મોટી થેલી ભરીને અને આવકાર હોલ પાસેના ઝુંપડપટ્ટી પાસે સાયકલ પરથી થેલો ઉતાર્યો. બધાં બૂમો પાડવા લાગ્યા.
'એ દિદી આવી.... એ દિદી આવી...'
ઉતરાયણ નજીકમાંજ આવતી હોવાથી અનેરીએ બધાંને તલના લાડુ અને ચિક્કી વહેંચી. બધાંના મોં પર ખુશી જોવા મળી. સંજય દૂરથી આ જોઈ રહ્યો હતો. સંજય તો આ બધું જોઈને આભોજ બની ગયો. એક કોયડા રૂપ બની ગયેલી છોકરીની આવી માણસાઈ જે ઘરનાં પણ અજાણ છે. સંજય મનમાં ને મનમાં ધન્ય છે અનેરી તને.
જો સર્વ માણસોમાં હોય સ્નેહનો વહેવાર, બધાં દિવસ બની જાય પછી તહેવાર. આનંદ અને ઉલ્લાસ જીવનમાં રોજ ભળે, નિઃસ્વાર્થભાવ જો દરેકના દિલમાં હોય. અનેરી બધાંના ખંબર અંતર પૂછીને સાયકલ લઈને નિકળી.
સંજયે એક છોકરા ને નજીક બોલાવ્યો અને બસો રૂપિયા આપી કહ્યું કે 'ઉતરાયણમાં પતંગ દોરી લાવજે બેટા. તારું નામ શું છે ?'
છોકરો કહે 'લખો....'
સંજય કહે બેટા 'આ તમારા અનેરી દિદી રોજ આવે છે અહીં...'
લખો કહે 'મહિનામાં એક દિવસ જરૂર આવે છે અને મદદ કરે છે... અને વાર તહેવારે ચીજ વસ્તુઓ આપી જાય છે. વળી કોઈ કોઈવાર કોઈ મોટા મંદિરોમાં ભંડારો કર્યો હોય તો પ્રસાદી પણ લાવીને વહેંચે છે.'લાખો તો દોડતો જતો રહ્યો. સંજય ભારેમને બાઈક ચલાવી ઘર તરફ વળ્યો. ત્યાં ફૂટપાથ પર અનેરીને એક ગરીબને દવા આપતાં જોઈ. એ ઉભો રહ્યો. અનેરી ઘરે પહોંચી. અને નાહીને જમીને સુઈ ગઈ.
બીજા દિવસે એ નિકળી એટલે બળવંતભાઈ ઘરે આવ્યા અને કહ્યું કે 'અલા જનક... તું તો બહુજ ભાગ્યશાળી છે કે તારા ઘરે કોયડા રૂપે નહીં પણ એક અમૂલ્ય રત્ન પેદા થઈ છે. જે બીજા માટે જીવે છે. ધન્ય છો તમે મા બાપ. ધન્ય તમારી ભક્તિ. કે આવી ગુણીયલ અનેરી પેદા થઈ.'
જનકભાઈ કહે 'પણ શું વાત છે એ તો કહે. બળવંતભાઈ એ અતિ થી ઈતી બધીજ વાત કરી. આ સાંભળીને અનેરીના માતા પિતા રડી પડ્યા. અરે રે અમે અમારીજ છોકરીને ઓળખી ના શકાય અને એને કોયડારૂપ બની ગયેલી છોકરી સમજ્યા.