અઘોરી બાબા
અઘોરી બાબા
રમેશભાઈના ઘરમાં આજે રોકકળ ચાલતી હતી. તેમનાં પત્ની રમીલાબેન એક સુંદર દીકરાને જન્મ આપી મૃત્યુ પામ્યાં. સગા- સંબંધીની મદદથી દીકરો અજય મોટો થયો. અજય હવે પાંચ વર્ષનો થયો હતો.
એક દિવસ રમેશભાઈ રત્ના સાથે લગ્ન કરી તેને ઘરે લઈ આવ્યાં. રત્ના તેનાં નામ પ્રમાણે જ સુંદર હતી. રમેશભાઈ સવારથી ફેક્ટરીમાં કામ પર જાય પછી રત્ના અજયને જમવા પણ આપતી નહી. રત્ના પૂરો દિવસ બસ ટી. વી સામે બેસી રહેતી. અજય જમવા માંગે તો તેને લાકડીથી ફટકારતી.
એક દિવસ અજય ઘરની બહાર ઓટલા પર બેઠો હતો. અને ત્યાંથી એક સાધુઓની ટોળી નીકળી. અજય કંઈપણ વિચાર્યા વગર તે ટોળી સાથે નીકળી ગયો. આ ટોળી ગામની બહાર એક મઠમાં આવી. તેમાંનાં એક સાધુ આ નાનાં અજાણ્યાં બાળકને જોઈ પૂછપરછ કરી. અજયની વાત જાણી આ સાધુએ હવે તેને અહીં રાખી લીધો. અજય મઠના નાનાં, મોટાં કામ કરતો અને સાધુ પાસે બેસી સાધના કરતો. સમય જતાં અજય હવે યુવાન થયો. ખડતલ શરીર, માથાં પર જટા, ભાલ પર તિલક કરેલાં આ તેજસ્વી યુવાન હવે અજયને બદલે અઘોરી બાબા તરીકે ઓળખાતાં હતાં. દૂર દૂરથી લોકો અનેક સમસ્યાઓ લઈ તેઓની પાસે આવતાં હતાં.
અઘોરી બાબા આસન પર બેઠાં હતાં. એટલામાં જ એક પ્રૌઢ ઉંમરના પુરુષ અને સ્ત્રી તેઓની પાસે આવ્યાં. સ્ત્રીનું શરીર પૂરું સફેદ કોઢથી ભરેલું હતું. તેનાં શરીર પર રસીના ગૂમડાં થયાં હતાં. રોતી, કકળતી એ સ્ત્રી અઘોરી બાબા પાસે પોતાની આ યાતના મટે એ માટે વિનંતી કરતી હતી. આંખો ખોલતાં જ સામે પિતા અને સાવકી મા ને જોતાં સ્તબ્ધ થઈ ગયા. છતાં પણ કોઈપણ જાતનો દ્વેષ રાખ્યાં વગર અઘોરી બાબા ( અજય) એ પોતાની સાધનાથી મઠમાં જ પોતાની સાવકી મા રત્નાની સારવાર કરી.
સમય જતાં રત્નાને સારું થતાં બંને પતિ-પત્ની અઘોરી બાબા પાસે આશીર્વાદ લીધાં. રત્ના તેનાં પગે પડી. તો અઘોરી બાબા કહે. " ના, આપ તો મારાં મા સમાન છો. " આવાં હોય છે સાધુ....રાગ, દ્વેષ, સંબંધો વેર આ બધાંને ન જોતાં બસ સમાજની સેવા કરી રહ્યાં.
