Ashvin Kalsariya

Romance Drama

5.0  

Ashvin Kalsariya

Romance Drama

અધૂરો પ્રપોઝ

અધૂરો પ્રપોઝ

17 mins
903


છેલ્લાં એક વર્ષના રૂટીનની જેમ આજે પણ હું મારી સાઈકલ લઈને કોલેજના ગ્રાઉન્ડમાં પહોંચી ગયો હતો અને સાઈકલ પાર્ક કરીને હજુ તો કોલેજના દાદરા ચડી રહ્યો હતો ત્યાં જ એક ઓડી હવાની ઝડપે ગ્રાઉન્ડમાં એન્ટર થઈ. ( મનમાં વિચાર આવ્યો કે વાહ....! આજે વળી કોલેજમાં ફોરવ્હિલ લઈ ને કયા અમીર બાપનો નબીરો આવ્યો?) પણ જેવો ગાડીનો દરવાજો ખૂલ્યો કે મારું હદય એક ધબકારો ચૂકી ગયું, મારે હદયનાં એ ધબકારા ને પકડી રાખવો પડયો કે કયાંક આને જોઈને બંધ ના થઈ જાય. 


તેજ તરાર આંખો, ખુલ્લા વાળ, આંખોમાં કરેલું આંજણ, એકદમ લાઈટ પિંક કલરની લિપસ્ટિક, એનું કુદરતી સૌંદર્ય જ એટલું હતું કે એને કોઈ મેકઅપની જરૂર જ ન હતી, એકદમ ચપોચપનું જિન્સ પહેર્યું હતું અને એમાં સલમાન ખાન સ્ટાઈલવાળા સાથળ પર ફાટેલાં લીરા અને એ લીરામાંથી દેખાતી એની રૂ જેવી જાંઘો, બ્લુ કલરનું સ્લીવલેસ ટોપ અને કાનમાં લાંબા એરિંગ, ચહેરાનો ઘાટ તો જાણે સ્વર્ગમાંથી કોઈ અપ્સરા ઉભી હોય તેવો હતો. મારી બાજુમાંથી પસાર થતી છોકરીઓ એને જોઈને બળી બળીને ખાખ થઈ ગઈ હતી કારણ કે એ સમયે કોલેજના બધા છોકરાનું ધ્યાન એ છોકરી પર જ હતું.


મનમાં વિચાર્યું કે બાપુ! આજે તો દિવસ સુધરી ગયો આ દેવીના દર્શન કરીને, ચાલો હવે કલાસમાં જઈએ નહીં તો પ્રોફેસર હાલત ખરાબ કરી નાખશે. એમ વિચારીને હું મારા કલાસમાં બેસી ગયો પણ આજે બાપુ ભણવામાં ધ્યાન લાગે એમ જ ન હતું, ધ્યાન તો બધું પેલી ખેંચી ગઈ હતી. હજુ તો હું મારી બુક પેન કાઢીને કંઈક લખવા જતો હતો ત્યાં જ એક મધમીઠો મધુર અવાજ સંભળાયો, “મે આઈ કમ ઈન સર? ” અને ફરી પાછું મારું હદય એક ધબકારો ચૂકી ગયું અને હું મનમાં જ બોલ્યો, “શૌર્ય, આ છોકરી તને ભગવાન પાસે પહોંચાડીને રહેશે એવું લાગે છે ”


મારી બાજુમાં બેઠેલ મારી બેસ્ટ ફ્રેન્ડ શ્રેયાને મેં કહ્યું, “શ્રેયા... શ્રેયા... આમ જોતો ખરા સામે દરવાજા પર, જો મારી ફયુચર વાઈફ આવી”


“તારે ભગવાન શ્રી કૃષ્ણનો રેકોર્ડ બ્રેક કરવાનો છે પટરાણીઓ રાખીને ” શ્રેયા એ હસતાં હસતાં કહ્યું.


“અરે ના ના... આ મળી જાય ને તો બીજી કોઈ સામે નજર પણ ના કરું, સાચે યાર કસમથી મને એની સાથે પ્રેમ થઈ ગયો છે આમ જો તો ખરા કેટલી બ્યુટીફૂલ છે ” મેં કહ્યું.


“ઓય તારા આ ફિલ્મી ડાયલોગ બંધ કર તને તો બધી છોકરીઓને જોઈને સાચો પ્રેમ થઈ જાય છે ” શ્રેયા એ ટપલી મારતાં કહ્યું.


શ્રેયા એ મારી એક્ટિંગ કરવાનું ચાલુ કર્યું અને કહ્યું, “ઈસ બાર તો ટ્રુલવ હો ગયા હે, તું કોરે કાગઝ પે સાઈન લે લે.”


મેં એની સામે મીઠો ગુસ્સો કર્યો અને કહ્યું “ચલ ચલ હવે આ નૌંટકી બંધ કર અને મને તે તૈયાર કરેલું અસાઈમેન્ટ આપ.”


થોડી જ વારમાં કંઈક વિચાર કરીને હું બોલ્યો, “હે શ્રેયા, યાર તું એની સાથે ફ્રેન્ડશીપ કરીને મારૂં કંઈક સેટિંગ કરી આપને.”


“ના રે ના, મારે એવું કંઈ પણ નથી કરવું, તારે જે કરવું હોય તે તું જાતે કર, એકેય છોકરીને મારા સપોર્ટ વગર તો પટાવી નથી શકતો અને ફ્યુચર વાઈફ ના સપનાઓ જુવે છે ” શ્રેયા એ કહ્યું.

“પ્લીઝ.... પ્લીઝ….પ્લીઝ.... આ વખતે લાસ્ટ ટાઈમ બસ આના પછી કયારેય તને કહું બસ.” મેં કહ્યું.


“ઓકે પણ એક શરત છે? ” શ્રેયા એ કહ્યું.

“કેવી શરત? ” મેં ત્રાંસી નજર કરતાં કહ્યું.

“તારે મારા બધાં અસાઈમેન્ટ લખી આપવા પડશે અને હવે પછીના ચાર મહિના સુધી કેન્ટીનમાં મારા નાસ્તાનું બીલ તારે ચુકવવું પડશે ” શ્રેયા એ કહ્યું. 


હું તરત જ મનમાં એસાઈન્મેન્ટ તૈયાર કરવા અને કેટલા રૂપિયા ખર્ચો થશે એ બધી ગણતરી કરવા લાગ્યો અને છેલ્લે મેં પરાણે પરાણે હા પાડી. શું કરું યાર? ફ્યુચર વાઈફનો સવાલ હતો. 


બે-ત્રણ દિવસમાં તો શ્રેયા એ તેની સાથે ફ્રેન્ડશીપ કરી લીધી હતી અને આજે ચોથા દિવસે એ મારી મુલાકાત તેની સાથે કરાવાની હતી. થોડીવારમાં એ બંને કલાસમાં આવી અને શ્રેયા એ મને ઈશારો કરી દીધો કે આજે તારું કામ થઈ જશે.  


“હે શૌર્ય, મીટ માઈ ન્યુ ફ્રેન્ડ પ્રીતિ. એ સેકંડ યરથી આપણી કોલેજમાં આવી ગઈ છે પહેલાં એ બોમ્બે હતી અને પ્રીતિ મીટ માય ફ્રેન્ડ શૌર્ય, હી ઈઝ માય બેસ્ટ બડી ” શ્રેયા એ પરિચય કરાવતાં કહ્યું. 


“હાઈ શૌર્ય હાવ આર યુ? ” પ્રીતિ એ કહ્યું.

એનાં મોઢેથી મારું નામ સાંભળી ને હું તો ખોવાઈ જ ગયો, તેણે તો એકવાર જ નામ બોલ્યું હતું પણ મને તો જાણે પહાડી વિસ્તારમાંથી બોલી હોય અને જોર જોરથી અવાજ પડઘામાં ગુંજી રહ્યો હતો. 


“ઓયય કયાં ખોવાઈ ગયો? ” શ્રેયા એ કોણી મારતાં કહ્યું.

હું થોડું જોરથી બોલી ગયો, “એના અવાજ માં.... સોરી આઈ મીન કોલેજની બહાર કંઈક જોર-જોરથી અવાજ આવે છે બસ એ સાંભળતો હતો ”

“અચ્છા….” શ્રેયા એ ટોન્ટ મારતાં કહ્યું.

“હેલો પ્રીતિ, આઈ એમ ફાઈન, હાવ આર યુ?” મેં કહ્યું.


“આઈ એમ એબ્સોલ્યુટલી ફીટ એન્ડ ફાઈન. બાય ધ વે શ્રેયા તારા ખૂબ વખાણ કરી રહી હતી કે તું કેટલો સારો અને હેલ્પફુલ છે અને સૌથી વધારે તું એક સારો ફ્રેન્ડ છે, તો શું તું મારી સાથે ફ્રેન્ડશીપ કરી? ” પ્રીતિ એ કહ્યું.


આટલું સાંભળી ને ઘડીક તો એમ થઈ ગયું કે શ્રેયા ને એક ટાઈટ હગ કરી લઉં પણ પછી એના તૈયાર કરવા આપેલ એસાઈન્મેન્ટ અને કેન્ટીનના બીલ યાદ આવ્યા અને બધી લાગણીઓ ગાયબ થઈ ગઈ. 


“હા….હા.... શ્યોર, એમાં કંઈ પૂછવાની વાત છે, શ્રેયાની ફ્રેન્ડ એ મારી ફ્રેન્ડ એટલે આજથી તું પણ મારી બેસ્ટ ફ્રેન્ડ... ઓકે??? ” મેં કહ્યું. 


“101% ઓકે ” પ્રીતિ એ કહ્યું.

પછી તો શ્રેયા એ પ્રીતિને દેખાય નહીં તેમ મને આંખ મિચકારીને ઈશારો કરી દીધો કે લગે રહો, એમ કરીને ખોટે ખોટું કંઈક બહાનું આપી ને એ ત્યાંથી જતી રહી, બસ ત્યારે દિલથી થઈ ગયું શ્રેયા જેવી બેસ્ટ ફ્રેન્ડ ભગવાન બધા ને આપે. 


“તો કેવી ચાલે છે એકઝામની તૈયારી? એસાઈન્મેન્ટ થઈ ગયા? ” પ્રીતિ એ કહ્યું.

હજુ તો આજે પહેલું ચેપ્ટર ચાલુ છે અને આજને આજ આ સીધી એકઝામ પર પહોંચી ગઈ. “હા.. હા.. એકદમ સરસ ચાલે છે, મિત્રોની મદદથી એકદમ વ્યવસ્થિત પ્લાનિંગ કર્યું છે અને એકઝામનું રીઝલ્ટ પણ મારી ફેવરમાં જ હશે. ” મેં કહ્યું 


પ્રીતિ થોડીવાર ચોંકી ગઈ કે આ શું બોલી રહ્યો છે કંઈ સમજાતું નથી પછી જાણે તેણે કંઈ ધ્યાનમાં જ ન લીધું હોય એમ ઓલ ધ બેસ્ટ કહીને જતી રહી. 


ધીમે ધીમે અમારી મુલાકાતો વધતી ગઈ, કયારેક કેન્ટીનમાં તો કયારેક કોલેજના ગ્રાઉન્ડમાં, હવે તો એક જ બેચમાં બેસવાનું શરૂ કર્યું, એકબીજા ને એકબીજા પર વિશ્વાસ વધતો જતો હતો. હું એની સાથે વાતો કરવાની એકેય તક મૂકતો ન હતો, કોઈ ને કોઈ બહાને તેની સાથે વાતો કરવાનો મોકો શોધી લેતો, કયારેક તેને ફોર્સ કરીને એનો હાથ પકડીને કેન્ટીનમાં ઢસડી જતો અને પછી નાસ્તો થોડો અને વાતો ઝાઝી થતી. કયારેક એક બેચમાં હોવા છતાં હું એને ત્રાંસી નજરે તાકયા કરતો અને ખબર નહીં કેમ પણ તેને ખ્યાલ આવી જતો હતો અને તરત જ મારી સામે જોઈને તે હસતી. આવી રીતે હું ઘણીવાર પકડાઈ ગયો પણ એ કાયમ આ બાબતને હસી કાઢતી. અને ઘણીવાર એની સામે જોવામાં પ્રોફેસર ના ધ્યાનમાં ના આવી જાઉં એમાં શ્રેયા હેલ્પ કરતી. એ સતત પીઠ પર પાછળથી પેનની અણીઓ માર્યાં કરતી અને મારું ધ્યાન દોર્યા કરતી. 


એક દિવસ અચાનક કલાસમાં આવીને મને કહ્યું, “શૌર્ય અત્યારે એક પણ લેકચર નથી અને હવે પછીનો લેકચર ખુબ બોરિંગ છે તો ચલ આપણે આજે બહાર ફરવા જઈએ” 

“ચાલો... ચાલો... હું હમેશાં તૈયાર જ છું ” મેં કહ્યું.


પણ બીજી જ સેકન્ડ મને વિચાર આવ્યો કે સાલું મારી પાસે તો સાઈકલ છે જે હજી સુધી એને ખબર નથી કે મારી પાસે કયું વાહન છે, હું એને કઈ રીતે લઈ જઈ અને એને કઈ રીતે કહેવું કે તું તારી ઓડી લઈ લે, એ શું વિચારશે? આ વિચારવામાં જ મારો ચહેરો થોડો ઉતરી ગયો. 


“શું થયું? ચલ ચલ જવું છે. કંઈ તફલીક હોય તો બોલ? ” પ્રીતિ એ કહ્યું 

આજે સાચું નહીં બોલ્યું તો કયારેય નહીં બોલી શકી પણ કંઈક અલગ રીતે બોલીશ એમ વિચારીને મેં કહ્યું, “ચલ ચલ આજે તને મારી હોન્ડા સિટીમાં બેસાડીશ ”


“અરે વાહ, તું તારી સાઈકલને હોન્ડા સીટી કહે છે, સારું કહેવાય, વાહ તારું પોઝીટીવ થિંકિંગ. આઈ લાઈક ઈટ.” પ્રીતિ એ કહ્યું 


આઈ લાઈક ઈટ, આ પ્રીતિનું મુખ્ય વાકય હતું, જયારે ને ત્યારે કંઈ પણ વાત પસંદ પડે એટલે એના મોઢામાંથી એ વાકય બહાર નીકળતું જ. ઘડીક તો હું શોક થઈ ગયો કે આને કેવી રીતે ખબર પડી કે મારી પાસે સાઈકલ છે?, પણ પછી થોડા ઉતરેલા ચહેરાએ હા કહ્યું કે મારી પાસે તો સાઈકલ જ છે પણ મારી માટે તો એ હોન્ડા સિટી જ છે. કારણ કે મારા 12 કિલોમીટર દૂર રહેલા ઘરથી તો મને એજ અહીંયા લાવે છે એટલે મારા માટે તો એ મારી સૌથી વધારે ગમતી વસ્તુ છે. 


“વાઉ, આઈ લાઈક યોર ઓનેસ્ટી. આઈ લાઈક ઈટ... હેય એક આઈડિયા, ચલ આજે તું મને તારી સાઈકલમાં લઈ જા, આપણે તેમાં ફરીશું ” પ્રીતિ એ કહ્યું.


“પ્રીતિ એવું શકય નથી, તું કોઈ દિવસ તડકામાં પણ બહાર નીકળતી નથી અને સાઈકલ પર તું ગરમી નહીં સહન કરી શકે ” મેં કહ્યું. 


“એક કામ કર, મને સાઈકલ નથી આવડતી, અહિં બાજુમાં ગ્રાઉન્ડ છે ત્યાં મને સાઈકલ શીખવાડ આજે તો શીખવી જ છે ” પ્રીતિ એ કહ્યું.


અમે બંને મારી સાઈકલ લઈ ને બાજુના ગ્રાઉન્ડમાં પહોંચી ગયા. પ્રીતિ સાઈકલ પર ચડી ગઈ અને મેં સાઈકલ ને પાછળ કેરિયરથી પકડી રાખી હતી. ધીમે ધીમે ચલાવતી જતી હતી અને હસતી હસતી મારી સાથે વાતો કર્યે રાખતી હતી. ધીમે ધીમે આખા ગ્રાઉન્ડમાં એ ફરવા લાગી અને થાકી ગઈ એટલે મને એની પાસે આવા ઈશારો કર્યો એટલે હું ત્યાં તેની પાસે ગયો. 


એ હજુ સાઈકલ પરથી નીચે નહોતી ઉતરી અને મેં એક હાથે સાઈકલનું હેન્ડલ અને બીજા હાથે કેરિયર પકડી રાખ્યું અને તેણે આખો વજન મારા પર રાખી દીધો. સાઈકલની સીટ પર બેઠી અને એ મારી છાતી પર માથું રાખીને ઢળી પડી, એના શ્વાસોશ્વાસ હજુ તેજ ગતિએ ચાલતા હતા, કપાળ પર પ્રસ્વેદબિંદુઓ જાણે કોઈ હીરા તાકયા હોય એ રીતે ચમકી રહ્યા હતા. એ એવી રીતે મારા પર માથું ઢાળીને સાઈકલ પર બેઠી હતી જાણે મારા હદયના ધબકારા સાંભળતી હોય, થોડીવાર અમારા બંને વચ્ચે મૌન પથરાઈ ગયું હતું. મેં મારા ખિસ્સામાંથી રૂમાલ કાઢીને મારી છાતી પર મૂકેલા એના કપાળ પરનો પરસેવો લૂછી રહ્યો હતો ત્યાં જ એ છણકુ કરતાં બોલી, અરે વાહ તું બહુ કેરફૂલ છે. આઈ લાઈક ઈટ.


થોડાં જ દિવસમાં કોલેજમાં યુથ ફેસ્ટિવલની જાહેરાત થઈ અને લાસ્ટ યર પ્રમાણે આ વખતે પણ મારે મારી રાસ ગરબાની ટીમ લઈ ને કોલેજનું પ્રતિનિધિત્વ કરવાનું હતું. જેમાં મારી બેસ્ટ ફ્રેન્ડ શ્રેયા મારી જોડીદાર હતી. પણ આ વખતે પ્રીતિ પણ મારા ગ્રુપમાં ભાગ લેવા ઈચ્છતી હતી. ઓડિશન લેવાયા અને એ સિલેકટ પણ થઈ ગઈ હતી. પણ હવે એ જીદ કરીને બેઠી હતી કે તેને મારી સાથે જોડી બનાવી હતી અને લાસ્ટ યર મારી અને શ્રેયાની લીડરશીપને કારણે કોલેજ રાસગરબામાં પ્રથમ આવ્યા હતા. અમે બંને ફ્રેન્ડ એકબીજા ને સમજી શકતા હતા અને લાઈવ પરફોર્મન્સ દરમિયાન એકબીજા સાથે ટયુનિંગ કરીને આખા ગ્રુપને સંભાળી શકતા હતા, જેથી કોલેજના પ્રિન્સિપાલ પણ એમ જ ઈચ્છતા હતા કે આ વખતે પણ લીડરશીપ મારે અને શ્રેયા એ જ કરવાની છે. 


શ્રેયાને આ વાતનો ખ્યાલ આવી જ ગયો હતો અને એક બેસ્ટ ફ્રેન્ડની ફરજ બજાવવા માટે એણે મને કહી દીધું હતું કે તું આ વખતે પ્રીતિ જોડે પેર બનાવજે હું સેંકડ પ્લેસ પર પર્ફોમન્સ કરી લઈશ. જે મારા મત પ્રમાણે બિલકુલ યોગ્ય ન હતું. હું એવું નહોતો ઈચ્છતો કે મારા સ્વાર્થ ખાતર કોલેજની ટીમમાં કોઈ પ્રોબ્લેમ થાય અને કોલેજ હારી જાય અને શ્રેયા પણ મારી બેસ્ટ ફ્રેન્ડ હતી જેને આવી રીતે હું ના કહી જ ન શકું. ભલે પ્રીતિ મને મનોમન ગમતી હતી પણ એનો મતલબ એમ નહિ કે હું ફકત મારું એકનું જ વિચાર્યા કરું. હું સીધો શ્રેયા પાસે ગયો  અને તેને કહી દીધું કે ગમે તે થાય પણ ફકત તારે જ મારી પેરમાં રમવાનું છે. મારી બીજી કોઈ વાત કે દલીલ કરવાની નથી. એકબાર બોલ દીયા તો બોલ દીયા.... બસ. 

“પ્રીતિ, આઈ વોન્ટ ટુ ટેલ યુ સમથીંગ ” મેં કહ્યું.


“યસ યસ ટેલ મી, આઈ એમ ઓલ્વેઝ રેડી ટુ હિઅર યુ. હવે તો તું મારો ડાન્સ પાર્ટનર પણ છે એટલે હવે તો તારે મારી સાથે વધારે ડિસ્કશન કરવું જ પડે, બોલો બોલો સાહેબ, હવે તો તમે જેમ કહેશો એમજ કરીશું ” પ્રીતિ એ નખરાં કરતાં કહ્યું.


“પ્રીતિ, તારે આ ડાન્સમાં મારી પેરમાં રમવાનું નથી, મારી સાથે ફકત અને ફકત શ્રેયા જ રમશે, તું સેકન્ડ પ્લેસ પર અંકિત જોડે રમીશ ” મેં કહ્યું.


આ સાંભળીને તેનાં ચહેરાની રેખાઓ બદલાઈ ગઈ હતી અને થોડો ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો અને તેણે કહ્યું “પણ કેમ?, હું તારી સાથે રમવા માંગું છું હું સંભાળી શકીશ, હું શ્રેયા કરતાં પણ સારૂ પરફોર્મન્સ કરી, પ્રોમીસ ” 


“મારી બેસ્ટ ફ્રેન્ડ જેવું પરફોર્મન્સ આજ સુધી કોઈ નથી કરી શકયું અને કરશે પણ નહીં. આઈ કેન બેટ વિથ યુ. પણ આ મારો ફાઈનલ ડિસીઝન છે કે તારે અંકિતની પેરમાં રમવાનું છે, મારી પેરમાં માત્ર ને માત્ર શ્રેયા જ રમશે ” મેં કહ્યું.


“ફકત એજ તારી બેસ્ટ ફ્રેન્ડ છે? હું નથી? જો તારે મને તારી સાથે રમવા ના દેવી હોય તો હું બીજા કોઈ સાથે પેર નહીં બનાવું મારે એકેયમાં પાર્ટ નથી લેવો, હું જાવ છું, ગો ટુ હેલ ” પ્રીતિ એ એકદમ ગુસ્સામાં કહ્યું.


“એઝ યોર વિશ, પણ મારી એક વાત સાંભળતી જા કે તારી મરજી પુરી કરવા માટે હું મારા પર રહેલી કોલેજની જવાબદારી ને ઠુકરાવી ના શકું અને એમ પણ શ્રેયા છેલ્લાં છ વર્ષથી મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને એ મને તારા કરતાં વધારે સારી રીતે સમજી શકે છે, એતો કોઈ દિવસ કંઈ નહીં બોલે અને એ તો મને તારી જોડે રમવા માટે પણ કહી ગઈ હતી પણ હું એના મનને સારી રીતે ઓળખું છું, સો ટ્રાય ટુ અંડરસ્ટેન્ડ. તું શાંતિથી વિચાર કરજે, કદાચ તને મારી વાત સમજાઈ જશે ” મેં કહ્યું.


શ્રેયા એક ખૂણામાં ઉભી ઉભી બધું જ જોઈ રહી હતી અને થોડુંક ધ્યાન કરીને જોયું હોય ને તો એ પણ સમજતા વાર લાગે એવું નહોતું કે એની બંને આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા. મને અંદરથી તો ઘણું દુઃખ થઈ રહ્યું હતું કે આજે મેં આવી રીતે કહી દીધું હતું પણ જીંદગીના અમુક નિર્ણય પોતાના ઈમોશન્સને બાજુમાં મૂકીને કરવા પડતા હોય છે અને બધું ધાર્યા પ્રમાણે થઈ જતું હોય તો આ જીંદગી જ શું કામની હતી? પણ હું મારી ડાન્સની પ્રેકટીસમા લાગી ગયો હતો. 


બીજા દિવસે પ્રીતિ કોલેજ તો આવી પણ જે ખીલેલો ચહેરો હોવો જોઈએ એ આજે મુર્જાયેલો હતો. મને એ સમજતા વાર ન લાગી કે શું તફલીક છે. આજે એ મારાથી ત્રણ બેંચ આગળ બેસી ગઈ હતી. મેં એને બોલાવાની ઘણા પ્રયત્નો કર્યા પણ તેણે કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ ન આપ્યો અને આવું હમણાંથી ખૂબ વધી ગયું હતું, તેણે શ્રેયા જોડે પણ બોલવાનું બંધ કરી દીધું હતું અને શ્રેયાને આ વાતનું દુઃખ હતું કે તેના કારણે મેં પ્રીતિ ને આવું બોલી નાખ્યું હતું. પણ સમયથી મોટી કોઈ દવા નથીના નિયમ મુજબ અમે અમારા યુથ ફેસ્ટિવલની તૈયારીમાં લાગેલા હતા એટલે કલાસ ભરવાના આવતા નહોતા. ફ્રી ટાઈમમાં કયારેક પ્રીતિ પ્રેકટીસ જોવા માટે આવતી અને ચુપચાપ જોઈને ચાલી જતી હતી. પણ અત્યારે તો મારું પૂરેપુરું ધ્યાન ફકત કોમ્પિટિશન પર હતું અને આખરે અમે કોમ્પિટિશન જીતી ગયા અને કોલેજનું નામ જાળવી રાખ્યું હતું. 


થોડા દિવસો પછી પ્રીતિ સવારે પોતાની કારની જગ્યાએ કોઈક બીજાની કારમાં આવી હતી. મેં ધ્યાનથી જોયું તો ત્યાં ડાઈવરની સીટ પર એક હેન્ડસમ હીરો જેવો દેખાતો 24-25 વર્ષનો યુવાન બેઠો હતો, જે જતી વખતે પ્રીતિ ને બાય માય ડીયર સ્વીટહાર્ટ બોલતો બોલતો ગયો. મારા મગજનો પારો સાતમાં આસમાને પહોંચી ગયો, સાચું કહું તો મારી તો બળીને ખાખ થઈ ગઈ. 


હું હજુ કોલેજના દાદરે ઉભો ઉભો પ્રીતિ સાથે આવેલા છોકરાને જોઈ રહ્યો હતો જે પ્રીતિ ને કોલેજ ડ્રોપ કરવા આવ્યો હતો, ત્યાં સુધીમાં તો પ્રીતિ મારી પાસે પહોંચી ગઈ અને આજે તો તેણે મને સામેથી હાય કર્યું. હું તો ઘડીક વિચારમાં પડી ગયો કે આને તો શું થઈ ગયું હતું કે તેણે ડાયરેક્ટર મારી પાસે આવીને સામે થી હાય કર્યું, જે કાલ સુધી તો મારી સામે જોવા માટે પણ તૈયાર નહતી. હજુ તો વિચારોમાં હતો ત્યાં જ પાછળ એક અવાજ આવ્યો જે પ્રીતિનો હતો અને તેણે મને કહ્યું, “ઓ મેચ્યોર રિસ્પોન્સીબલ મેન, ચાલો હવે કલાસ માટે લેટ થાય છે ”


હું આશ્ચર્યથી સાંભળીને ચુપચાપ તેની સાથે ચાલવા લાગ્યો, આજે પ્રીતિ ફરીવાર રોજની જેમ મારી બાજુમાં બેસી ગઈ હતી અને આજે જાણે અંદરથી એવું લાગવા લાગ્યું હતું કે કંઈ બન્યું જ નથી, બધું બરાબર જ છે પણ મને સતત એક વાત મગજમાં ખૂંચતી હતી કે એવું તો શું બન્યું કે પ્રીતિ મારી સાથે નોર્મલ બની ગઈ હતી. 


બ્રેક દરમિયાન મેં તેને કેન્ટીનમાં કહ્યું, “પ્રીતિ, એક વાત કે તું મને કે કાલ સુધી તું મારાથી ગુસ્સે હતી પણ અચાનક આજે સવારથી તારામાં ચેન્જ કેમ આવી ગયો? ”


“કેમ મારે હજુ ગુસ્સો કરવો જોઈતો હતો? તું કે'તો હોય તો હું હજુ ગુસ્સો કરવા તૈયાર છું ” પ્રીતિ એ આંખ મિચકારીને કહ્યું.

“સ્ટુપીડ, બોલને એવું તો શું થયું કે તું ફરીવાર મારી સાથે નોર્મલ બની ગઈ? ” મેં કહ્યું 


“કાલે રાત્રે મારા પપ્પા મારી મમ્મીને સમજાવી રહ્યાં હતાં કે જેમાં મારા પપ્પા સતત એમ બોલી રહ્યાં હતાં કે જીંદગીમા વાસ્તવિકતા અને લાગણીઓને કયારેય ભેગી કરવી જોઈએ નહીં, અમુક નિર્ણય પ્રેકટીકલી જ લઈએ તો જ સારું પડે, દરેક વાતમાં હદયથી વિચારીએ તો દુઃખી થવાનો જ વારો આવતો હોય છે માણસે પોતાની જવાબદારી પહેલાં મહત્વ આપવું પડતું હોય છે અને ત્યારબાદ પોતાની લાગણીઓને, બસ પપ્પાની આ વાત સાંભળી મને તારી પરિસ્થિતિ સમજાઈ ગઈ, તું મને હર્ટ કરવા ન હતો માંગતો પણ તું બસ પહેલાં તારી જવાબદારી નિભાવી રહ્યો હતો, સો આઈ એમ રીયલી વેરી સોરી ફોર એવરીંથીગ ” પ્રીતિ એ કહ્યું.


“ડોન્ટ બી સોરી, ઈટસ ઓકે, પણ મને એ વાતનો સંતોષ છે કે તું મને સમજી શકી એન્ડ થેંક્સ ફોર ધેટ અને હા પેલો છોકરો આજે તને ડ્રોપ કરવા આવ્યો હતો એ કોણ હતો ? ,જે તને સ્વીટ હાર્ટ કહીને બોલાવતો હતો ” મેં કહ્યું


“અરે ડફર એ મારો મોટો ભાઈ હતો, આજે મારી ગાડી ખરાબ હતી એટલે તે મને ડ્રોપ કરવા આવ્યો હતો, કેમ તને શું લાગ્યું?…જેલસ..જેલસ…હન્નન હા ” તેણે હસતાં હસતાં કહ્યું.


હું હસવા લાગ્યો અને કદાચ એ મારું હાસ્ય અને મારા મનની વાત જાણી ગઈ હતી. “ચલ ચલ હવે કલાસ શરૂ થવાનો છે ફકત પાંચ મિનિટની વાર છે અને મારે હજી શ્રેયા ને પણ સોરી બોલવાનું છે , સૌથી વધારે મે તેને હર્ટ કરી છે, મને તેના જેવી ફ્રેન્ડ લાઈફમાં બીજી કોઈ નહી મળે ” પ્રીતિ એ ઉભા થતાં કહ્યું. 


“હમમ, મને પણ ” મેં પણ ઉભા થતાં કહ્યું.

તે દિવસ પછી ફરી પાછું જેમ હતું તેમ ચાલવા લાગ્યું હતું. પરંતુ આ વખતે સંબંધો વધારે મજબૂત બંધાઈ ગયા હતા. હવે અમે ત્રણેય ફરીવાર હતા એવા જ દોસ્ત બની ગયા હતા પણ હું હવે પ્રીતિના પ્રેમમાં પાગલ બની ગયો હતો, હવે બસ હું એની સાથે લગ્ન ના સપના જોવા લાગ્યો હતો, પણ મારામાં હિંમત ન હતી કે હું તેને પ્રપોઝ કરું.


ધીરે ધીરે કોલેજના એ વધેલા બે વર્ષ પણ પુરા થવાની તૈયારીમાં હતા. હવે અમે અમારી જીંદગીના રસ્તાઓ બનાવા નીકળવાના હતા પણ હું કોઈ પણ ભોગે પ્રીતિ ને ખોઈ દેવા માંગતો ન હતો. છેલ્લા દિવસે અમારી એકઝામ પૂરી થઈ ત્યારે મેં બહાર નીકળી ને નકકી કરી નાખ્યું કે આજે તો કોઈ પણ ભોગે હું મારા દિલની વાત કરી નાખી. જો પ્રીતિ હા પાડશે તો લાઈફટાઈમ એની સાથે ખુશીથી જીંદગી વીતાવીશ અને નહિતર એની યાદોનાં સહારે જીંદગી વીતાવીશ. એટલામાં તે બહાર આવી અને મને ખભા પર ધબ્બો મારીને કહ્યું, “ચલ આજે તો હું તને ટ્રીટ આપીશ આપણે બંને આજે જમવા જશું ”


મેં વિચારી લીધું કે આજે ભગવાન પણ સાથે છે તેમણે સામેથી રસ્તો કરી આપ્યો, અમેં બંને ગાડી લઈને શહેરની સારી હોટેલમાં જમવા ગયા, જમતી વખતે છેક સુધી હું વિચારતો રહી ગયો અને હિંમત એકઠી કરતો રહ્યો પણ હું કશું જ બોલી ના શકયો. અમે હોટલમાંથી છૂટા પડયા અને હું ધોયેલા મૂળાની જેમ હજુ તો ઘર તરફ જવા નીકળવાની તૈયારી કરતો હતો ત્યાં જ વિચાર આવ્યો કે ભલે હું ના બોલી શક્યો પણ મેસેજ તો કરી શકું છું. 


મેં તરત જ પ્રીતિ ને મેસેજ કર્યો,“પ્રીતિ, આજે હું તને એકવાત કહેવા માંગુ છું, જે આજ સુધી હું તને કોઈ દિવસ બોલી શકયો નથી, કોલેજના પહેલાં દિવસથી તને પહેલીવાર જોઈને હું તારા તરફ આકર્ષયો હતો, ધીમે ધીમે આપણી વધતી મુલાકાતો અને એકબીજા પર મૂકેલો ભરોસો એકબીજા ની સમજણ આખરે પ્રેમમાં કયારે બદલાઈ ગઈ એ મને ખ્યાલ જ ના રહ્યો, પ્રીતિ, આઈ એમ લવ વિથ યુ વેરી ડીપલી, મેડલી. આઈ લવ યુ, આઈ વોન્ટ મેરી વિથ યુ. વિલ યુ...????? ” 


મેસેજ કરી ને હું થોડીવાર ત્યાં જ ઉભો રહ્યો અને પછી ધીમે ધીમે હજુ તો હું મારા ઘરની તરફ જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યાં જ એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો, મે રિસીવ કર્યો અને કહ્યું, “હલ્લો ”

 

“તમારું નામ શૌર્ય છે? ” સામેથી કોઈ જેન્ટસનો અવાજ આવ્યો 


“હા હું જ શૌર્ય છું ” મેં કહ્યું 


“તમે હમણાં કોઈ છોકરી ને મેસેજ કર્યો હતો એ છોકરી ના ફોનમાં તમારો નંબર ડિસ્પ્લે પર હતો. આ છોકરીનું અહીં એકસીડેન્ટ થયું છે અને ગાડી પૂરી રીતે આગળથી કચડાયેલી છે, તમે જલ્દી થી વેસુ રોડ પર આવો ” એ વ્યક્તિ એ કહ્યું 


આ સાંભળતા જ મારા હોશ ઉડી ગયા, હું થોડીવાર માટે સંતુલન ખોઈ બેઠો પત તરત જ પોતાની જાત ને સંભાળી ને જે પહેલી રીક્ષા મળી એમાં બેસી ગયો અને તરત જ વેસુ રોડ પર પહોંચી ગયો. ત્યાં જઈને જોયું તો આગળ ટ્રક ઉભો હતો અને તેની પાછળ ના ભાગમાં ઓડી નો આગળનો ભાગ અડધો ઘૂસી ગયો હતો. દ્રશ્ય જોતા એમ જ લાગતું હતું કે આમાં કોઈ નહી બચ્યું હોય. બાજુમાં એક લોહીથી તરબોલાયેલી લાશ પડી હતી એનો ચહેરો સાવ જ છુંદાઈ ગયો હતો અને છાતીના ભાગે નાનો લોખંડ નો ટુકડો ફસાયેલો હતો. આજુબાજુમાં ભીડ એકઠી થઈ ગઈ હતી. હું આ જોઈને આવાક બની ગયો હતો, એકદમ મૂઠ અવસ્થામાં મારી આંખો જાણે આ દ્રશ્ય ને સાચું માનવા તૈયાર ન હતી, હું ત્યાં જ ગોઠણભેર ફસડાઈ ગયો. ત્યાં જ એક ભાઈ આવ્યા અને મને પ્રીતિનો મોબાઈલ આપતાં કહ્યું કે આ છોકરીના જીન્સમાંથી નીકળ્યો છે. 


હું હવે સહન ના કરી શકયો, આંખોમાંથી આજે આંસુ નીકળતા હતા કે પાણીનો ધોધ એ સમજાતું ન હતું. પ્રીતિ ની પાસે જઈને જોરજોરથી પોક મૂકીને રડવા લાગ્યો હતો. આજુબાજુની પરિસ્થિતિ નો ખ્યાલ જ ના રહ્યો, હું જાણે કશું વિચારી જ શકતો નહતો. થોડીવારમાં પોલીસ ત્યાં આવી ગઈ હતી અને લાશને એમ્બ્યુલન્સ માં લઈ ને જતી રહી હતી, પોલીસ મને પણ પોતાની સાથે જીપમાં બેસાડયો અને બધી પૂછપરછ કરી. હું દિગ્મૂઢ અવસ્થામાં હતો અને માંડ માંડ થોડાક શબ્દો બોલી શકતો હતો. મારી નજર સામે થી પ્રીતિ નો લોહીથી ખરડાયેલો ચહેરાએ હટતો ન હતો અને હું ફરીથી રડી પડ્યો. ત્યારબાદ પોલીસ મને હોસ્પિટલ લઈ ગઈ હતી ત્યાં મને એક જગ્યાએ બેસાડવામાં આવ્યો. મારા ખિસ્સામાંથી મેં પ્રીતિનો ફોન કાઢયો જેની સ્ક્રીન નો ઉપરનો ખૂણો તૂટી ગયો હતો અને સ્ક્રેચ પડી ગઈ હતી પણ ફોન હજી પણ ચાલુ હતો. મેસેજ બોકસ ખુલ્લું હતું હજુ એમાં ઉપર મારો નંબર લખેલો હતો અને નીચે ડ્રાફટમાં એક મેસેજ અધૂરો બતાવતા હતા. ડ્રાફટનો મેસેજ વાંચવા માટે મેં આેપન કર્યુ અને ફરી આંખો ભીની થઈ ગઈ. 


મેસેજ :- “હેયય શૌર્ય, અરે યાર કેટલા સમયથી હું તારી રાહ જોઈ રહી હતી કે તું કયારે કંઈક બોલે. એન્ડ ફાઈનલી આજે બોલી જ ગયો, યસસસ.... આઈ એમ અલ્સો લવ યુ માય ડીયર એન્ડ આઈ એમ રેડી ટુ મે..... ”


Rate this content
Log in

Similar gujarati story from Romance