અડગ
અડગ


અડગ મનના માનવીને કોઈ ડગાવી શકે નહીં. ગમે એવી વિકટ પરિસ્થિતિમાં પણ એ રસ્તો શોધી જ લે. ભારતનો હિમાલય હોય કે જાપાનનો ફુજીયામા. આલ્પ્સ પર્વતની શૃંખલા હોય કે એન્ડીઝન પર્વતમાળા. જુગજુગ વિતી જવા છતાંય આજે પણ અડગ, અડીખમ ઊભા છે ! એ જ સર્વ વિજયી અદા અને ઝિંદાદિલીના જુવાળ સાથે ! તોફાનો આવે ને જાય, આંધી તુફાન આવે ને વિદાય લે. ધોધમાર વરસાદ હોય કે આકરા તડકાનો તરફડાટ હોય પણ પહાડ નિશ્વચલ ઊભા રહે છે, અડગ ઊભા રહે છે.
માનવ નાની નાની મુસીબતોમાં નાસીપાસ થઈ જાય છે. પણ દોસ્તો હિંમત અને હૈયાઉકલતને ભીતરમાં જીવંત રાખી જુવો તો દુનિયાની કોઈ તાકાત તમને નમાવી નહીં શકે. વંટોળિયા અને વાવાઝોડા પછી જ આકાશનું સૌંદર્ય નિખરે છે. એમ જીવનમાં આવનાર તોફાન જ આપણાને નવો રસ્તો બતાવે છે. તમારી કસોટી થાય કે તમારી પરિક્ષા તો હારી ના જશો, અડગ રહેજો. કારણ કે પરીક્ષા એની જ લેવાય જેણે શિક્ષણ મેળવ્યું હોય ! અભણની પરીક્ષા નથી હોતી તેઓ 'પાસ' નથી થતા એ તો માસ પ્રમોશનની જમાતમાં ભળી જાય છે.
માટે જ પરીક્ષાથી આંખ મીંચામણાં ના કરશો. જેનામાં સહનશક્તિ છે ધીરજ છે એ કોઈ પણ મુસીબતોમાં અડગ રહી પાર ઉતરે છે. મોતી તો ગહેરાઈમાં હોય. સપાટી પર તો છીપલાં મળે મોતી નહીં.