અબલા
અબલા


સ્વાતિનો પતિ દિનેશ અચાનક ગંભીર બીમારીમાં પછડાયો. દિનેશની માંદગી એટલી ગંભીર હતી કે તે લગભગ છ મહિનાથી પથારીવશ જ થઇ ગયો હતો. હવે દિનેશ દુકાને જઈ શકતો નહોતો તેથી તેમના કુટુંબની આર્થીક સ્થિતિ પણ ખૂબ બગડી ગઈ હતી. આ કાળઝાળ મોંઘવારીમાં રોજબરોજના ખર્ચામાંથી દિનેશની સારવારનો ખર્ચ કરવાનું સ્વાતિ માટે ખૂબ કપરૂ બની રહ્યું હતું.
એકદિવસ દિનેશના ઓળખીતા માથુર સાહેબ તેની ખબર અંતર પૂછવા આવ્યા. દિનેશની હાલત જોઇને માથુર સાહેબ જાણી ગયા હતા કે તે હવે લાંબા સમય સુધી પથારીવશ રહેશે. ખબર અંતર પૂછી લીધા બાદ તેઓ દિનેશના ઓરડામાંથી બહાર આવ્યા અને સ્વાતિને કહ્યું, “ભાભી, દિનેશ ગંભીર માંદગીમાં પછડાયો છે એવામાં તમે કેટકેટલું વેઠતા હશો તે હું સમજી શકું છું.”
સ્વાતિની આંખમાં દડદડ અશ્રુ વહી પડ્યા.
માથુર સાહેબે આગળ ચલાવ્યું, “દુકાન તો બંધ જ હશે ને? એવામાં રોજબરોજના ખર્ચ, બાળકોની સ્કુલ ફી, ટ્યુશન ફી વગેરે વગેરેમાંથી દિનેશની સારવારનો ખર્ચ કાઢવામાં ખૂબ તકલીફ પડતી હશે નહીં?”
સ્વાતિએ આંખમાં આવેલા અશ્રુઓને લુછ્યા.
માથુર સાહેબે ખિસ્સામાંથી દસ હજાર રૂપિયા કાઢી સ્વાતિના હાથમાં મૂકતા કહ્યું, “ભાભી, આ રાખો... ચિંતા ન કરો તમારે એ પાછા આપવાની કોઈ જરૂર નથી. એમ સમજો કે દોસ્તના ઈલાજ માટે હું આ પૈસા આપી રહ્યો છું.”
સ્વાતિએ રડમસ વદને કહ્યું, “તમારો આ ઉપકારનું ઋણ હું કેવી રીતે વાળી શકીશ? ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર.”
સ્વાતિની વાત સાંભળી માથુર સાહેબે તેની પીઠ પર સાંત્વનાથી હાથ ફેરવતા કહ્યું, “અરે ભાભી આમ
ાં આભાર શેનો? આપણે એકબીજાની તકલીફ નહીં સમજીએ તો કોણ સમજશે.”
માથુર સાહેબના અણગમતા સ્પર્શને પિછાણી ગયેલી સ્વાતિએ આભા થઈને તેમની તરફ જોયું.
માથુર સાહેબે મલકાઈને કહ્યું, “ભાભી, જયારે પણ પૈસાની કોઈ તકલીફ પડે તો આ બંદાને યાદ કરજો... બંદો અડધી રાતે પણ હાજર થઇ જશે... સમજ્યા?”
આમ બોલી માથુર સાહેબ જવા લાગ્યા.
વિફરેલી સ્વાતિ તાડૂકીને બોલી, “એક મિનિટ માથુર સાહેબ...”
માથુર સાહેબે પલટીને જોયું.
સ્વાતિએ તેમના હાથમાં દસ હજાર રૂપિયાની થોકડીને પાછી મૂકતા કહ્યું, “તમારો ખૂબ ખૂબ આભાર... આભાર એ વાતનો કે તમે મને એ વાતનું ભાન કરાવ્યું કે મજબુર વ્યક્તિની મજબુરીનો ફાયદો સહુ કોઈ આરામથી ઉઠાવી શકે છે... પરંતુ મારે મજબુર અને લાચાર બની જીવવું નથી... હું ભણેલી ગણેલી યુવતી છું... આજથી હું સવારે વહેલા ઉઠીને મારું ઘરકામ પતાવી દુકાને જઈશ અને અમારી દુકાન સંભાળીશ... સાંજે બાળકોને જાતે ભણાવી ટ્યુશનની ફી બચાવીશ... જાત મહેનત કરી મારા પતિની સારવાર કરી તેમને પાછા હરતા ફરતા કરીશ...”
માથુર સાહેબે થોથવાતા સ્વરે કહ્યું, “અરે! ભાભી, તમારા સમજવામાં કોઈ ભૂલ થઇ રહી છે.”
સ્વાતિ બોલી, “મારી કોઈ ભૂલ થતી નથી માથુર સાહેબ... હું બધું બરાબર સમજી ગઈ છું... હા પણ તમે આજની સ્ત્રીને ઓળખવાની ભૂલ કરી બેઠા... ચુપચાપ અહીંથી ચાલ્યા જાઓ કારણ હવે પહેલા જેવી અબલા નથી રહી કોઈ સ્ત્રી...”
(સમાપ્ત)