આટલી અમથી વાત
આટલી અમથી વાત


આ વાત છે આશરે પચાસ વર્ષ પહેલાંની.
નાની અમથી વાતનું વતેસર થઈ ગયું. અને રજનું ગજ થઈ ગયું અને બે જીવોનો ભોગ લેવાઈ ગયો. આટલીક અમથી વાતને હું (ટણી) પદથી લાગણીઓના સંબંધ ટૂટી ગયો. આણંદ પાસેના એક નાનાં ગામડાંમાં રહેતાં ઓચ્છવલાલનો પરિવાર. ઓચ્છવલાલ અને મહાલક્ષ્મીની જોડી આખા ગામમાં વખણાતી. બન્નેનો પ્રેમ એકમેક માટે અપાર હતો.
જો મહાલક્ષ્મી અગિયારસ કે સામા પાંચમાનો ઉપવાસ કરે તો ઓચ્છવલાલ પણ ઉપવાસ કરે એટલે એ જમાનામાં બધાં મશ્કરી પણ કરે. પણ એ બન્નેનાં પ્રેમમાં કોઈજ ફર્ક ના પડે. ઓચ્છવલાલ અને મહાલક્ષ્મીને કુલ છ સંતાનો હતાં. ઘરનું ઘર, ખેતર અને પશુધન પણ હતું. ચાર દિકરા અને બે દિકરીઓ હતી. પશુધનમાં બે ગાયો અને એક ભૂરી ભેંસ હતી. ખેતર તો ભાગિયાને ખેડવા આપી દિધું હતું પણ ગાયો અને ભેંસને મહાલક્ષ્મી જાતેજ દોહતા અને સાર સંભાળ રાખતા. એમાય એમને ભૂરી ભેંસ જોડે પ્રિત બંધાઈ ગઈ હતી. છોકરાઓ મોટા થયા અને નાતમાં પરણાવી દીધાં અને શહેરમાં નોકરી કરી સ્થાઈ થયા. દિકરીઓ પરણાવી અને એ એમનાં સાસરે ગઈ.
હવે સૌથી નાનો દીકરો નાનપણથીજ બહેરો મૂંગો તો એને નાતમાંથી કન્યા ના મળતાં અમદાવાદનાં અનાથાશ્રમમાંની છોકરી સાથે લગ્ન કરાવી દીધા. અનાથાશ્રમની ઉર્મિલાને રસોઈ કે કોઈ કામગીરી આવડે નહીં એટલે મહાલક્ષ્મી ધીમે ધીમે શિખવાડે. એક દિવસ મહાલક્ષ્મીને ખુબ તાવ હતો એમણે ઉર્મિલા ને કહ્યું કે 'તું ગાય અને ભૂરીને દોહીને બોઘણુ ભરી લે મારાથી આજે નહીં થાય.'
ઉર્મિલાને દોહતા આવડે નહીં અને અજાણ્યા હાથ અડતાં ભૂરીએ લાત મારી એટલે ઉર્મિલા એ લાકડી લઈને ભૂરીને મારી એટલે ભૂરીએ ઉદગાર કર્યો ભાભરીને આ સાંભળીને મહાલક્ષ્મી અને ઓચ્છવલાલ દોડતાં આવ્યાં અને ઉર્મિલા ને પૂછ્યું 'શું થયું ?' આ ભૂરી કેમ આટલું ભાભરે છે ? એની આંખોમાં થી આંસુ નિકળ્યા છે એવું તો શું થયું ?
ઉર્મિલા કહે ગાયોએ તો દોહવા દિધું પણ આ ભૂરીએ મને લાત મારી એટલે મેં એને લાકડીએ મારી.
મહાલક્ષ્મી દોડીને ભૂરીને ભેટી પડ્યા અને એનાં આખા શરીર પર હાથ ફેરવ્યો અને ઉર્મિલા ને બોલ્યા કે' તને મેં કેટલી વખત સમજાવ્યું છે કે દોહતા પહેલાં એના શરીર પર હાથ ફેરવીને વ્હાલ કરીને પછી જ દોહવાનુ. તને આટલી વાત સમજાતી નથી.
આટલીક અમથી વાતમાં ભડીકીન ઓચ્છવલાલ કહે તું ઉર્મિલા જોડે આ રીતે વાત ના કર. તારી ભૂરીને આપી દે હું ક્યારનો કહું છું. અને એક પશુ માટે આવી રીતે વહુંનું તું અપમાન કરીને છોકરાં નું ઘર થવા દેતી નથી.
આટલાં વખતનાં સંબંધ અને પ્રેમ પછી પહેલીવાર ઓચ્છવલાલ આવી રીતે ઉંચા અવાજે મહાલક્ષ્મીને બોલ્યા અને મહાલક્ષ્મીને પણ દિલમાં લાગી આવ્યું. રાત્રેજ સાબરમતી રહેતાં મોટા દિકરા દિનકરરાયને ટેલિફોન કરીને ઓચ્છવલાલે કહ્યું કે 'તારી બાને લઈ જા તારી સાથે અહીં એ નાનાં વિનુનું ઘર થવા દેતી નથી. બીજા દિવસે દિનકરરાય આવીને મહાલક્ષ્મીને લઈ જતા હોય છે. ત્યારે છેલ્લીવાર ભૂરીને મળીને મહાલક્ષ્મી ખુબ જ રડે છે. મૂંગું પ્રાણી પણ આ પ્રેમને ઓળખે છે એટલે એ પણ રડે છે. મહાલક્ષ્મી સાબરમતી આવીને ખૂબજ બિમાર થાય છે. આ બાજુ ભૂરી પણ ખાવાં પીવાનું છોડી દે છે અને ભાંભરડા નાખ્યા કરે છે.. મહાલક્ષ્મીની તબિયત ખુબ બગડતાં દિનકરરાય ઓચ્છવલાલને ટેલિફોન કરીને કહે છે કે તમે મારી બાને મળી જાવ બાપુ. બીજા દિવસે સવારે વહેલી ટ્રેનમાં સાબરમતી જાય છે ઓચ્છવલાલ અને જઈને મહાલક્ષ્મીના ખાટલા પાસે જઈને બે હાથ જોડીને કહે છે..
"જીવ્યા મર્યા ના જુહાર... લો છેલ્લા રામ રામ.. "
આમ કહીને એ તરતજ ગામડે જવા નીકળી જાય છે બધાં એ રોકવા કોશિશ કરી પણ કોઈની વાત સાંભળી નહીં. ઓચ્છવલાલ ગામડે પહોંચે એ પહેલાંજ સાબરમતી મહાલક્ષ્મી એ દેહ ત્યાગી દિધો અને આ બાજુ ગામમાં ભૂરીએ દેહ ત્યાગી દિધો. આમ એક નાની અમથી વાતનું વતેસર થઈ ગયું અને બે જીવોનો ભોગ લેવાઈ ગયો.