આત્મસન્માન
આત્મસન્માન
આકાશમાં સંધ્યાની કેસરી રંગોળી રચાણી હતી. પંખીઓ પોતાનાં માળામાં જતાં હતાં. પણ રેવતીનાં મનમાં આજ મનોમંથન ચાલતું હતું. બસ, બહુ થયું ! આજ તો કોઈ નિર્ણય લેવો જ છે. હવે તો આ ઘરમાં ગૂંગળામણ થાય છે. જયાં પ્રેમ, માન, સન્માન ન હોય ત્યાં રહીને પણ શું કરવું ?
સવાર થતાં જ રેવતી તેની બેગ પેક કરવાં લાગી અને પોતાની મા નાં ઘરે જવા માટે જેવો ઉંબરા બહાર પગ મૂકયો ત્યાં જ રેવતીને વીસ વર્ષ પહેલાનાં પોતાનાં આગમનનું ચિત્ર દેખાવા લાગ્યું.
***
રેવતી ખૂબ ઓછું ભણેલી પણ સમજું હતી. નાના ગામમાંથી લગ્ન કરી શહેરમાં રાજનાં ઘરમાં શાનદાર આગમન થયું. પણ રાજ ખૂબ જ હેન્ડસમ અને ફેશનેબલ હતો. જયારે રેવતી સીધી સાદી હતી. રોજ રાજ ઝગડો કરતો અને રેવતીને ગમાર, ડફોળ જેવા શબ્દો કહેતો. જે રેવતીનાં દિલને વીંધી નાંખતા પણ રેવતી કંઈપણ બોલતી નહીં અને હવે તો હદ થઈ ગઈ રાજનાં તેની જ ઓફિસમાં કામ કરતી ઋતુ સાથેનાં પ્રેમસંબંધની જાણ રેવતીને થઈ ગઈ.
હવે રેવતી પોતાનાં આત્મસન્માનનાં ભોગે અહીં રહેવા માંગતી ન હતી. અને બેગ ભરી રેવતી હંમેશ માટે આ ઘર છોડી દીધું.
