આત્મસન્માન
આત્મસન્માન
કચ્છ એટલે ખારોપાટ વિસ્તાર. છેવાડાનું નાનું ગામ એટલે કુનરિયા. રબારીનાં થોડા ખોરડા હતાં આ ગામમાં. ગામનાં છેવાડે રતિ અને જયમલ પોતાનાં નાનાં ભૂંગામાં રહેતા હતાં.
જયમલ વહેલી સવારમાં શાક રોટલો લઈ પોતાનાં ઘેટા, બકરાઓને લઈને ચરાવવા જતો. પછી રતિ આખો દાડો ઘરમાં એકલી હોય. રબારીઓનું પરંપરાગત ભરતકામ, ચાકડા, બાવળિયો, આભલા, ફૂમતા વગેરે ભરતકામનો રતિને પહેલેથી જ શોખ હતો.
જયમલ જાય પછી ઘરનાં કામથી પરવારીને રતિ ભરત ભરવા બેસી જાય. રતિ થોડું ભણી પણ હતી.
એક દિવસ રતિને વિચાર આવ્યો ...તેણે પોતે ભરેલા ભરતકામનાં મોબાઈલમાં ફોટા પાડી સોશ્યલ મીડિયા પર મૂકયાં. થોડી જ વારમાં હજારો લાઈક, કૉમેન્ટ્સ આવવાં લાગી અને ખરીદવા માટે લોકો મેસેજ કરવાં લાગ્યા. રતિ ખૂબ ખુશ થઈ ગઈ. તે પોતાનાં બધા જ ભરતકામ રોજ મૂકવા લાગી. અને ઓનલાઈન વેચાણ કરતાં પણ શીખી ગઈ.
લોકોની માંગ વધતી ગઈ. તો રતિએ એક દિવસ ગામની બધી જ સ્ત્રીઓને ભેગી કરીને આ વાત કરી કે, "બધા સાથે મળીને આ કરીએ તો....." અને જોત જોતામાં રતિએ તેનાં શેરી પડોશની બધી જ સ્ત્રીઓ મળીને વીસ સ્ત્રીઓનું ગ્રુપ બનાવ્યું. નવરાશનાં સમયમાં ભરેલા ભરતકામ, પરંપરાગત ચાકડાઓ, ઘાઘરા, કમખા, કેડિયાઓનું મોબાઈલ દ્વારા રતિ ઓનલાઈન વેચાણ કરવાં લાગી. જોત જોતામાં કચ્છનું નાનું એવું કુનરિયા ગામ પ્રખ્યાત થઈ ગયું.
રતિ પોતે તો આત્મનિર્ભર બની પણ સાથે સાથે ગામની સ્ત્રીઓને પણ આત્મનિર્ભર બનાવી. રતિને ગુજરાતનાં મુખ્યમંત્રીને હસ્તે રતિને 'કામગાર હસ્તકલા' એવોર્ડ પણ મળ્યો.
આમ, ઓછું ભણેલી પણ પોતાની આગવી સૂઝબૂઝથી રતિ પોતે અને ગામની સ્ત્રીઓને પણ આત્મનિર્ભર બનાવી.
