Bansari Joshi

Inspirational

4  

Bansari Joshi

Inspirational

આત્મજા

આત્મજા

6 mins
393


આમ તો આત્માજાને રોજ મમ્મીના હાથની ચા અને બ્રેડબટરનો તૈયાર નાસ્તો મળી જતો પણ આજે ઉઠવામાં મોડું થઈ ગયું હતું એટલે સફાળી ઊઠી. અને ફટાફટ ફ્રેશ થઈ કોલેજ જવા ઉપડી ગઈ. આજે એનો "હ્યુમન રાઈટ્સ" પર ઈમ્પોર્ટન્ટ લેક્ચર હતો. સ્કૂટીની કિક મારી એ કોલેજ જવા રવાના થઈ. મણીનગર ચાર રસ્તા પર ક્રોસિંગ આવતા એણે સ્કૂટીને બ્રેક મારી. આમ તો આત્મજાનો રોજનો રસ્તો હતો. આત્મજા રોજ મુજબ ક્રોસિંગ પાસેથી પસાર થતી પણ આજે અચાનક ચા ની સોડમથી એ ઊભી રહી ગઈ. એણે પાછળ નજર દોડાવી. આખરે આટલી સરસ ચા ની સોડમ આવી ક્યાંથી રહી છે ? એણે પાછળ વળીને જોયું તો એક નાની એવી ચા ની ટપરી પર એક મહિલા ચા બનાવી રહી હતી અને આસપાસમાં ચાની ચુસ્કી લેતા લોકો પણ નજરે આવી રહ્યા હતા. નોર્મલી એણે હંમેશા એક પુરુષ અથવા તો છોકરાને ચાની ટપરી ચલાવતા જોયેલાં અને ઉપરથી ચા ની સોડમ એટલી સરસ હતી કે પોતાને રોકી ન શકી અને સ્કૂટી ટપરી તરફ વાળી. વ્યવસ્થિત પરિધાનમાં મહિલાને ચાની ટપરી ચલાવતી જોઈને એના મગજમાં એક સાથે ઘણા બધા પ્રશ્નો રમવા લાગ્યા. 'એક મહિલા અને એ પણ ચાની ટપરી ચલાવે છે ? દેખાવે આટલા વ્યવસ્થિત બેનને ચાની ટપરી કેમ ચલાવવી પડી હશે ?' ઉકળતી ચાને જોઈને એનો ઉમળકો પણ ચા માટે ઉભરાઈ રહ્યો હતો. ચાની ચૂસકી લેવા આત્મજાએ એ મહિલાને પૂછ્યું. બહુ સભ્યતાથી એણે મહિલાને આંટી કહીને સંબોધ્યા, "આંટી એક કટિંગ ચા મળશે ?"

મહિલા બોલી "મારું નામ સાવિત્રી છે".  

"અચ્છા" આત્મજાએ ઉત્તર વાળ્યો. ફરી મહિલાએ પૂછ્યું."સાથે પારલેજી લેશો બેન ?"

આત્મજાએ કહ્યું, "ના ના બસ માત્ર ચા જ."

આત્મજાના સવાલો અંદર ઘેરા બની રહ્યા હતા. કેમ જાણે સાવિત્રીબેન તરફ કરુણા ઉદભવી રહી હતી. એણે આખરે પૂછી લીધું, "સાવિત્રીબેન આપ એક મહિલા થઈને ચાની ટપરી ચલાવો છો શું કોઈ ખાસ કારણ છે?"

સાવિત્રીબેન બોલ્યા,"ના બેટા આ તો સંજોગો...એમ કહી અટકી ગયા" 

આત્મજાએ ફરી પૂછયું,"કેવા સંજોગો ? શું હું જાણી શકુ ? જો આપ કમ્ફર્ટેબલ હો તો મને કહો."

સાવિત્રીબેન બોલ્યા, " બેટા મારા પતિ સૌરીનને આંતરડાનું કેન્સર છે. આત્મજાથી નિ:સાસો નંખાઈ ગયો. સાવિત્રીબેને આગળ વાત ધપાવી. સૌરીનને પાંચ વર્ષ પહેલાં ગળાનું કેન્સર થયું હતું. છેલ્લા પાંચ વર્ષથી એમની કેન્સરની સારવાર શરૂ છે પહેલાં કેન્સર વખતે અમારી સ્થિતિ થોડી ઓછી ખરાબ હતી. કમાનાર અને ઘરના ધણી એક જ મારા પતિ હતા. પણ કેન્સર થવાના કારણે એમની ખાનગી નોકરી છૂટી ગઈ. કેન્સરની સારવાર માટે એમને હોસ્પિટલમાં દાખલ કર્યા. જેવું એમને કેન્સર થયું એટલે અમારો આવકનો સ્ત્રોત બંધ થઈ ગયો. અને જાણે સપડાક કરતું દારિદ્ર આવી ગયુ. શરૂઆતમાં તો જે કંઈ આવકના પૈસા ભેગા કરેલા હતા એમાંથી સારવાર થઈ. પણ નોકરી છૂટવાને કારણે આર્થિક પાયમાલી આવવા લાગી. મેં મારા બધા દાગીના પણ ધીરે ધીરે કરીને વેચી દીધા. 40હજાર જેવું કિમો થેરાપી હેઠળ ખર્ચાય. 20 હજાર જેવો દવાખાનાનો અને અન્ય ખર્ચ થાય અને મારી એક દીકરી પણ છે જે અભ્યાસ કરે છે એટલે એના અભ્યાસનો પણ અન્ય ખર્ચ થાય.

 જોકે સૌરીને બીમારી સાથે બાથ ભીડી. ગળાના કેન્સરમાં થોડી રાહત જણાતા એણે ફરી કમાણી કરવા ઝંપલાવ્યું. અમે વિચાર્યુ એવો ધંધો શરૂ કરીયે જેનાથી રોજ આવક થાય અને ખર્ચને પહોંચી શકાય. આખરે એમણે એક ચાની ટપરી શરૂ કરી. ચાની આ ટપરીથી થોડી મદદ થઈ. પણ...આમ કહેતા સાવિત્રીબેન ઊંડો નિશ્વાસ નાંખી ગયા...

  ચાને ઊકાળતા ઊકાળતા સવિત્રીબેનના ચહેરા પરના પ્રસ્વેદ બિંદુઓ ને આત્મજા જોઈ રહી આત્મજાએ પૂછ્યું,"પણ શું.. ?"સાવિત્રીબેન બોલ્યા, "ઈશ્વરની કસોટી અહીંથી પૂરી નહોતી થવાની કે બીજી પરીક્ષા આવી ચડી. સૌરીનના કેન્સરે ફરી ઉથલો માર્યો અને હવે આંતરડા સુધી પહોંચી ગયું છે. સાથે સાથે મારી દીકરીનો અભ્યાસ શરૂ છે એક તરફ આંતરડાના કેન્સરની સારવાર માટે નાણાં એકઠા કરવાની મથામણ અને બીજી તરફ દીકરીને ભણાવવાની ધગશ.. મારા માતા-પિતાએ નાનપણથી જ શીખવ્યું છે કે જીવવું તો આત્મસન્માનથી. જ્યાં સુધી હાથપગ સાબૂત હોય કોઈના ઓશિયાળા ના થવું. કાંડાની મહેનત પર ભરોસો રાખવો અને એટલે હું કોઈની પાસે પણ હાથ લાંબો નથી કરી શકતી. આવનાર વિકટ પરિસ્થિતિ સામે બાથ ભીડી લેવાનો મેં નિર્ણય કરી લીધો છે. દીકરીને કહી રાખ્યું છે કે 'ઘર તું સંભાળ, પિતાના ભોજનની વ્યવસ્થા પણ તારે જ કરવાની રહેશે. તારા અભ્યાસને ટકાવવા માટે અને સૌરીનને બીમારીમાંથી ઊભા કરવા માટે મારે જ હવે ટપરી પર બેસવું પડશે. અને હવેથી સૌરીનના બે હાથ મારે જ બની જવું છે;આજ સુધી સૌરીને આપણો નિર્વાહ કર્યો છે હવે આપણો વારો'. મારી દીકરી પણ હાલ એના પિતાની સેવામાં ખડેપગે છે.

 આત્મજાના આંખોના ખૂણા ભીના થઈ ગયા પણ સાવિત્રીબેન બિલકુલ કામ રોક્યા વગર વાતો કરતા રહ્યા. અચાનક સાવિત્રીબેને પૂછ્યું;"શું નામ છે તારું બેટા ?"

"આત્મજા"

 "એટલે ?"

એટલે સ્વયંમાથી ઉત્પન્ન થયેલી.

"ખૂબ સરસ નામ રાખ્યું છે તારા માતાપિતાએ તારું" 

સાવિત્રીબેન બોલ્યા; "જો આત્મજા દારિદ્ર મનની અવસ્થા છે દારિદ્ર આગળ મનોબળને હારવા ન દેવાય ઈશ્વરે કાંડા એટલે જ આપ્યા છે કે જરૂર પડે પરિસ્થિતિ સાથે બે-બે હાથ થઈ જવું પડે તો થઈ જવાનું પણ હા સાબૂત બે હાથને માંગવા માટે તો નહીં જ આગળ કરવાના." આત્મજા સાવિત્રીબેનની ખુમારી જોઈને ગદગદિત થઈ રહી હતી.

આત્મજાએ પૂછ્યું."સરકાર પાસે તો માંગી શકાય."

"હા પણ સમય માંગી લે ..આ બધી યોજનાઓ. અને સમય જ તો નથી મારી પાસે. સરકારી યોજનાઓનો લાભ બહુ મોડો મળે. એની વાટે રહેવા કરતા પછી મેં મારા કાંડાનું જોર જ માપવાનું શરુ કરી દીધું હવે આગળ હરિ ઈચ્છા" એમ કહેતા તેમના કપાળની રેખાઓ તંગ થઈ ગઈ.

" શું થયું સાવિત્રીબેન કેમ ચિંતામાં પડી ગયા" આત્મજા એકી શ્વાસે ફટાફટ પૂછી બેઠી.

 સાવિત્રીબેન બોલ્યા;" ઈશ્વરને જાણે એક જ જન્મમાં મારી બધી પરીક્ષાઓ લઈ લેવી હોય એવું લાગે છે જો ને આ ટ્રાફિક પોલીસવાળા મારી ચાની ટપરી ને હટાવવાની વાતો કરે છે અને જો એમ થશે તો મારુ ગુજરાન કેમ ચાલશે મારે કોઈની પણ સહાય નથી જોઈતી. બસ મને અહીંયા ઊભા રહેવાની જગ્યા આપી દે તો હું મારું ગુજરાન ચલાવી શકું અને જો આમ થઈ જાય તો ઈશ્વર જેવો કોઈ બીજો મોટો દયાળુ નથી" એમ કહીને સાવિત્રી બહેનની આંખો ભીની થઈ ગઈ. આત્મજાએ બનેલી ચાની પ્યાલી પડતી મૂકી અને સીધા પોલીસ સ્ટેશન તરફ રવાના થઈ ગઈ. પોલીસ સ્ટેશનમાં જઈ એણે વિગતે બધી વાત સમજાવી અને પોલીસવાળાને આજીજી કરી કે મહિલા ખૂબ જ ખુમારીવાળી છે જો આપણે થોડી માનવતા દાખવીને મદદ કરી શકીએ તો એનું ગુજરાત ચાલી શકે એમ છે અને પોલીસવાળાએ આત્માજાની વાત કાને ધરી. એમણે ચાની ટપરી નહીં હટાવવા માટે ટ્રાફિક પોલીસમેનને ફોન દ્વારા જાણ કરી. 

 આત્મજા દોડતી દોડતી આવી અને સાવિત્રીબેન ને કહ્યું કે, તમારી આ ચાની ટપરી હવે સુરક્ષિત છે. એને કશું જ નથી થવાનું. તમારી ટપરી શરૂ રાખવાના ઓર્ડર પોલીસ સ્ટેશનમાંથી ટ્રાફિક પોલીસને મળી ગયા છે એટલે તમે હવે અહીં તમારી ચા ની ટપરી ચલાવો." 

સાવિત્રીબેનનો ચૂલો ફરી શરૂ થઈ ગયો. સાવિત્રીબેનની ચિંતાની રેખાઓ હટતી જોઈને આત્મજાને અનોખો સંતોષ થયો. સાવિત્રીબેને આત્મજાનો ખૂબ આભાર માન્યો.

 આત્મજાએ કહ્યું આભાર શેનો ?

 આભાર તમારો સાવિત્રીબેન; તમે મને શીખવ્યું કે સાવિત્રી સતયુગમાં જ નહોતી. વર્તમાનમાં પણ જીવે છે. હસતી,રડતી, બાથ ભીડતી, કેન્સરગ્રસ્ત પતિને મોતના મુખમાંથી પાછી ખેંચી લાવવા કટીબદ્ધ અને પૂરું જોર લગાડી દેતી સાવિત્રી. હું તમને નવું નામ આપવા માંગું છું "આધુનિક સાવિત્રી" "કળયુગની સાવિત્રી" આત્મજાએ ચાની પ્યાલીના પૈસા ચૂકવ્યા અને સ્કૂટી લઈને ઘર તરફ જવા માટે નીકળી ગઈ. આમ તો આજે એણે ઈમ્પોર્ટન્ટ લેક્ચર મિસ કર્યો હતો પણ બહુ મોટો લેક્ચર શીખ્યો હતો.

 બીજે દિવસે પણ આત્મજા રોજની મુજબ કોલેજ જવા માટે નીકળી અને ક્રોસિંગ આવતા ફરી એ જ ચાની સોડમથી એની નજર ટપરી પર ગઈ. એ ટપરી તરફ વળી. સાવિત્રીબેને સ્મિત સાથે અભિવાદન કર્યું. ચાની ચુસ્કી લેતા લેતા અચાનક જ આત્મજાની નજર ટપરી પર લાગેલા નવા બોર્ડ પર પડી તો ત્યાં લખ્યું હતું "આત્મજા".


Rate this content
Log in

Similar gujarati story from Inspirational