Alpa Vasa

Inspirational

3  

Alpa Vasa

Inspirational

આંખોની આરપાર

આંખોની આરપાર

5 mins
14.4K


"પલક માટે મારી માસીનો નાનો દિકરો સારો રહેશે."  પલકની નવી મોમ સુજાતાએ કહ્યું.

"મારી સાળીનો દિકરો દુબઈમાં જોબ કરે છે. કહો તો ત્યાં વાત કરું જીજાજી." પલકના મામાએ કહ્યું.

"એમ તો મારી નજરમાં પણ પલક માટે બે- ત્રણ સારા ઠેકાણા છે. પલક બધાને જુએ, સમજે પછી નક્કી થાય. પણ પસંદગી પૂર્ણ પણે પલકની જ રહેશે, આ મારો નિર્ણય છે. અને એમાં કોઈનો દબાવ કે ચંચુપાત નહી હોય." અને રોહિતભાઈ ઉભા થઈ પોતાના રૂમમાં જતા રહ્યા. પલકના પપ્પાએ પોતાનો નિર્ણય ઘણા વર્ષે મનમાંથી બહાર કાઢી, શબ્દરૂપે મૂક્યો. સુજાતાની આંખ અને કંઈક બોલવા ખોલેલા હોઠ ખુલ્લા તે ખુલ્લા જ રહી ગયા.

પલક એની રૂમમાં બેઠી બેઠી રોજની જેમ આ બધો તમાશો સાંભળતી હતી. પપ્પાનું આ નવું રૂપ પલકને ખૂબ ગમ્યું. ખૂબ સમજતી હતી તે પપ્પાની લાગણીને. પણ આજે તેમની રૂંધાયેલી મૂક લાગણીઓને વાચા મળી હતી. પપ્પાની નજરમાં પોતાનું અસ્તિત્વ અખંડ છે, તે જ તેને માટે બસ હતું. બીજા બધાની તો શું આશા પણ હોય ? અને એક ઊંડો શ્વાસ લઈ, તકિયો છાતી સાથે દબાવી, પલંગ પર લાંબી થઈ ગઈ. માથા પર ગોળ ગોળ ફરતા પંખાને તાકતી, હવે કાલ સવાર કેવી ઉગશે? એવા ભવિષ્યનાં વિચાર કરતા કરતા ઠેઠ પોતાના ભૂતકાળમાં ક્યારે પહોંચી ગઈ, તે તેને જ ખબર ન પડી.

હજી તો ગઈ કાલની જ વાત હોય તેમ, પલકના મનોમસ્તિષ્કમાં આખો ભૂતકાળ ક્રમબદ્ધ ખૂલવા લાગ્યો. નાનકડી પલકને કેટલું બધું વહાલ કરતી હતી મમ્મી. જાણે આખી જીંદગીને વહાલનો પૂરેપૂરો સ્ટોક પલક પર અભિષેક કરીને ચાલી નિકળી. થોડા જ સમયમાં નવી મમ્મી, સુજાતામોમ આવી. ને જાણે પલકના ભાગ્ય જ રૂઠ્યા. મોમને તો પલક "આંખના કણા" જેમ ખૂંચવા લાગી. સુજાતાની એક "આંખ ફરે"ને પારેવડા જેવી પલક ફફડી ઊઠે. દોડીને પપ્પાને, મોમની ફરિયાદ કરવા જાય ને... પપ્પાની "ઢળેલી આંખો" જોઈને સહમી જતી.

આમ અનાયાસે જ પલકના ભણવાના વિષયોમાં,"આંખો વાંચવાનો" વિષય પણ ઉમેરાઈ ગયો. એને શરૂઆત અને પ્રેક્ટિસ પપ્પા - મોમ ની આંખો વાંચવાથી જ તો થઈ હતી.

બાજુવાળા સોનલઆન્ટી બહુ ગમતા પલકને. ઘરમાં પ્રેમ અને વહાલ વગર હિજરાતી પલક, સોનલઆન્ટીના ઘરે જ જતી રહેતી. એ પલકને માથે વહાલથી હાથ ફેરવે. કંઈક સારું, પલકને ગમતું ખવડાવે. એને સુઘડતાથી માથું ઓળી, બે ચોટલા પણ વાળી આપે. પલકને તેમની "આંખમાં મમતાનો મહાસાગર" ઉમડતો દેખાતો, એકદમ તેની મમ્મીની આંખો જેવો.
"જો સોનલઆન્ટીને બાળકો હોત તો? કેટલા નસીબદાર હોત આવી મા મેળવીને." પંખાને તાકતા પલક મનમાં બબડી.

ધીરે ધીરે મોટી થતી પલકને, મોમ ઘરકામ પણ બહુ ચીંધતી, અને નાના ભાઈને પણ સાચવવો પડતો. ભણવામાં ધ્યાન ઓછું અપાતું, ને સ્કુલનું હેમવર્ક કરવાની તો ફુરસદ જ ન મળતી. બીજે દિવસે સ્કુલે હોમવર્ક કર્યા વગર જતી તો ટીચરની "આંખમાંથી ગુસ્સાના તણખા" ઝરે.  પોતે કરે તો પણ શું કરે? બસ, નીચું જોઈને ઊભી રહેતી.

આમ ને આમ, દિવસો - વર્ષો, કોઈ ચઢાવ કે ઉતાર વગર વહ્યા કરતા હતા. સમય લઈ જાય તેમ, તેની પાછળ પલક ઢસડાયે જતી હતી. પંખાની ગતિ સાથે પલકની યાદોની ગતિ પણ તાલમેલ કરતી ફરતી હતી. "આંખોમાં યાદો" જ એટલી બધી ભરાયેલી હતી, કે બીચારી ઉંઘને આવવાની કોઈ જગ્યા જ ન હતી.

બાળપણ પૂરું માણ્યા વગર જ , પલક સીધી તરૂણાવસ્થામાં આવી પડી. દબાતે પગલે, છાનું માનું યૌવન, બારીની નાનીશી તડમાંથી સરકી આવ્યું. શરીર અને મનમાં થતી હિલચાલને ઉથલપાથલ તો પલક એકલી અને એનો માંહ્યલો જ જાણે. પાંચે ઈન્દ્રિયે યૌવન આવી બેસી ગયું. ને પલકને પાર્થ ગમી ગયો. કેવો શાંત, સૌમ્ય ને હસતો ચહેરો હતો એનો. એની "આંખમાં ગજબની ચમક" હતી.  એ ચમક એને લોહચુંબકની જેમ ખેંચતી હતી. જેમ લોહચુંબકનું + ને - આકર્ષે, તેમ પાર્થ પણ પલક તરફ ખેંચાણ અનુભવ કરવા લાગ્યો હતો. જ્યારે પણ પાર્થ મળે ત્યારે તેની આંખ વાંચવાનું ભૂલતી નહી. ને હમેશાં તેને પોતાની માટે, તેની "આંખમાં ઊભરાતો પ્યાર" દેખાતો. ને બન્નેની મિત્રતા વધી. હવે પલકને પોતાની જાત માટે, પોતાના અસ્તિત્વ માટે સ્વમાન જાગ્યું. ક્યાંક છુપાયેલો આત્મવિશ્વાસ એનામાં સળવળ્યો.

એક વાર તો તાવ હતો તેથી બે દિવસ પલક ક્લાસીસમાં ન ગઈ, તો પાર્થે પ્યુનને પટાવી, તેની પાસેથી સરનામું મેળવી, એના ઘરે જ આવી ચડ્યો. સુજાતામોમ ને જોઈ ત ત ફ ફ પણ થઈ ગયો હતો. પણ પછી હિંમતથી બુક આગળ ધરી," આ.. આન્ટી , આ પ.. પલકની બુક.. "

"પણ આની પર તો પલકનું નામ નથી. પાર્થ છે."

"હા.. હા.. મારી છે, પણ પલક બે દિવસ આવી નહી તેથી સરે આપવા કહ્યું છે."  નીચી આંખ કરી, બે વાક્ય બોલતા બોલતા તો પાર્થને માથે પરસેવો થઈ ગયો હતો. ને પલક સૂતા સૂતા જ હસી પડી. કેટલો બુદ્ધુ હતો પાર્થ તે વખતે.

પલકને બરોબર યાદ હતું, જ્યારે પાર્થ મળે ત્યારે બન્નેના શબ્દો ગળામાં જ અટકી જતા ને "આંખને વાચા ફૂટતી." પાર્થ ને જોતા જ દિવસે ભર તડકે પણ પલકની આંખને શીતળતા લાગતી. પણ કહે છે ને સુખના દિવસો ટૂંકા જ હોય. પાર્થના પપ્પાની બદલી થઈ, ને એ બીજે રહેવા ગયો. આ સોનેરી ૬ મહિના તો પલકના જીવતર આખાનું ભાતું ભાથું બની ગયા હતા. અત્યારે પણ તે યાદ કરતા પલકના શરીરમાં એક સુંવાળું લખલખું પસાર થઈ ગયું. ને શરમથી ગાલ પણ રતુંબડા થઈ ગયા. તેણે પાંચ મિનિટ આંખ બંધ કરી "યાદોને આંખોમાં સમાવી રાખવાની કોશીશ" કરી.

હજી યાદોની વણજાર તો લાંબી છે. મીઠી યાદોનું આયુષ્ય ટૂંકું જ હોય છે, તેમ હવે કડવી યાદો આવી. પાર્થના ગયા પછી પલકનું અસ્થિર મન, ખોટી જગ્યાએ જઈ ભરાયું. બે- ત્રણ દોસ્ત થયા પણ એ બધાની "આંખમાં વાસનાના સાપોલિયા સળવળતા" દેખાયા. આંખો વાંચવાના વિષયમાં હવે તેણે જાણે P.H.D કરી લીધું હતું. ને બસ તે હેમખેમ પાછી ફરી ગઈ.

પંખો હજી પણ એની નિર્ધારિત ગતિએ ફરે છે. પલકના ભૂતકાળનો તો છેડો આવી ગયો, પણ હવે ભવિષ્ય તરફ આગળ વધવાનું છે. કાલે સવારે શું?? ફરી નવા છોકરાઓ ને પરખવાનાં, તેમની આંખો વાંચવાની? ને બસ, કંઈક વિચારી, પંખાને ફરતો અટકાવી દીધો.

"પપ્પા, હું જ્યાં અંધશાળામાં મદદ કરવા જાઉં છું, ત્યાં એક નેત્રહીન નયન છે. હું તેને બરાબર જાણું છું. અને તેની સાથે જ લગ્ન કરવા ઈચ્છું છું."

ને બસ, આમ આંખો વાંચવામાં પારંગત થઈ ગયેલી પલકે, નેત્રહીન નયન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું, અને તેમાં રોહિતભાઈની પણ સહ્રદય મંજૂરી મળી ગઈ.

આપણે પણ ઈચ્છીયે કે, પલકનો નિર્ણય યોગ્ય ઠરે, ને હવે પછીના જીવનમાં ખૂબ સુખી થાય.



Rate this content
Log in

Similar gujarati story from Inspirational