Parul Khakhar

Classics Inspirational Drama

2.5  

Parul Khakhar

Classics Inspirational Drama

આંધણ

આંધણ

6 mins
13.9K


એક સાંજે હું બગીચામાં બેસી વાંચી રહી હતી ત્યાં જ બહાર ગંગાબહેનનો અવાજ સંભળાયો. મેં ડોક લંબાવી રોડ પર જોયું તો એ પોતાની મોટી દીકરી રાધાનો હાથ પકડી બળજબરીથી કશેક લઈ જઈ રહ્યાં હતાં. વેરવિખેર વાળ, લાલઘૂમ આંખો, લઘરવઘર કપડાં, ફાટેલા સ્લીપર! રાધા તો જાણે ઓળખાતી જ ન હતી! મનોમન હાયકારો નીકળી ગયો કે આ છોકરીને શું થઈ ગયું? એ લોકો તો પસાર થઈ ગયા પણ મારી આંખ સામે એ દૃશ્ય જાણે સ્થિર થઈ ગયું હતું.

મને દસેક વર્ષ પહેલાની રાધા દેખાવા લાગી. સાવ નાનકડી, કદાચ બીજા ધોરણમાં હતી. એ ઝૂંપડપટ્ટીના અન્ય બાળકોની સાથે મારે ત્યાં ભણવા આવતી. બધાં બાળકોમાં રાધા સૌથી હોંશિયાર. દેખાવ અને રહેણીકરણી એકદમ સુઘડ. એને જોઈને કોઈ કહી ન શકે કે ઝૂંપડામાં રહેતી હશે. એની સાથે એની નાની બહેન પૂજા પણ આવતી. પૂજા તો રાધાથી સાવ વિપરીત. દેખાવે લઘરવઘર, વર્તનમાં તોછડી, તોફાની અને બંડખોર. એને એક ભાઈ પણ હતો વનરાજ, એ પણ ભણવામાં સારો હતો. ખબર નહીં ક્યા કારણથી થોડા વખત પછી એ બાળકો ભણવાનું તડકે મૂકી રઝળપાટના રવાડે ચડી ગયા.

ઝૂંપડપટ્ટીના બાળકો એટલે વગડાઉ ફૂલ! ન સારા કપડાં કે ન સારો ખોરાક. ન ભણતર કે ન ગણતર. સંસ્કારો અને મૂલ્યો વિશે તો કોની પાસેથી આશા રાખવી? ડઝનબંધ બાળકોને જન્મ આપીને મા-બાપનું કર્તવ્ય પૂર્ણ થઈ જતું હતું. બાળકો મોટા થવા લાગ્યા કોઈ મજૂરી એ જવા લાગ્યું તો કોઈ ઘરકામ કરવા લાગ્યું. કોઈ વ્યસને ચડી ગયું તો કોઈ અવળા કામે! પણ રાધા જાણે કાદવમાં ખીલેલું કમળ! એને અન્ય બાળકોનો રંગ ક્યારેય લાગ્યો જ નહીં.એનામાં કદાચ ગયા જન્મનાં સંચિત સંસ્કારો પડ્યા હતાં.રાધા અને પૂજા એની મમ્મી સાથે મારે ત્યાં વાસણ ઉટકવા આવવા લાગી. રાધા એના સ્વભાવ મુજબ ચીવટથી ચોખ્ખા ચણાક વાસણ સાફ કરે. ધીમા સાદે ગીતો ગાતી જાય અને કામ કરતી જાય. મોં પર એક ભોળું સ્મિત રમ્યા કરે.

દિવસો વિતતા ચાલ્યા... મને યાદ છે એક સવારે ગંગાબહેને આવીને થેલીમાંથી એક છોકરીનો ફોટો કાઢી મારી સામે ધર્યો. જીન્સ-ટીશર્ટમાં શોભતી એ છોકરીને બતાવી હરખથી બોલ્યાં, 'મેડમ, મારા વનરાજની સગાઈ કરી. છોકરી રાજકોટની છે. અને હા, આના બે ભાઈ વેરે મારી રાધા અને પૂજાનું પણ સગપણ કર્યુ.

મેં પણ હરખ કર્યો, 'ઓહો ? એવું થાય તમારામાં ?'

'હા, મેડમ અમારી વણઝારા કોમમાં આવી રીતે સાટા પદ્ધતિથી લગ્નો થાય.'

'વાહ...તમને તો ત્રેવડી વધામણી !'

એ વિધવાનું મોં હસુંહસું થઈ ગયું.

વધામણી તો આપી પણ એક સ્ત્રી તરીકે મારું મન કચવાઈ ગયું. આ તે કેવા રિવાજો ? છમાંથી ધારો કે કોઈ એક પાત્રને આ સંબધ માન્ય ન હોય તો પણ એણે મંજુરીની મહોર મારવાની? પોતાના દીકરાને સારું ઠેકાણું મળે એ માટે સાટામાં બબ્બે દીકરીઓ આપી દેવાની ? વહુસ્વરૂપે એક સબળુ પાત્ર મેળવવા બે પાત્રો કદાચ નબળા હોય તો પણ જમાઈ તરીકે સ્વીકારી લેવાના ? જો કે મન મનાવવા એવું વિચાર્યુ કે રાધાને સાસરે જઈને પારકા કામ તો નહીં કરવા પડે ! ખૈર... માત્ર હું જ આવા બધા વિચારો કરતી હતી, એ લોકો તો હોંશેહોંશે લગ્નની તૈયારીમાં પડ્યા હતાં.

સમય જતાં ત્રણેય ભાઈ-બહેનના લગ્ન થયાં. રાધા અને પૂજા રાજકોટ સાસરે સિધાવ્યા અને ગંગાબહેનના ઘરમાં રૂમઝૂમ કરતી વહુરાણી આવી ગઈ. ગંગાબહેનના હરખનો પાર ન હતો. રાધાની સાસરીમાં તો રાધાની બોલબાલા હતી.પરંતુ પૂજાએ પોતાના લક્ષણો સાસરે પણ બતાવી દીધા હતાં. ન પતિ સાથે બન્યું ન સાસરિયા સાથે. રોજ સવાર પડે ને પૂજાને વાંકુ પડ્યું જ હોય ! ધીમેધીમે પૂજાની ફરિયાદો અમરેલી સુધી આવવા લાગી. પતિ અને સાસરિયા એનાથી ત્રાસી ગયા હતા. વડીલોની સમજાવટથી થોડો સમય બધું થાળે પડે, પછી હતું એમનું એમ! તમામ સમાધાનો એળે જવા લાગ્યા. આખરે એક દિવસ પૂજા નામનો ખોટો સિક્કો એનાં મૂળ માલિક પાસે પરત આવી ગયો. ગંગાબહેન તો ઘા ખાઈ ગયા. ભલે વિધવા હતા પણ કોઈના ખાધા જાય એમ ન હતાં.

પૂજા પાછી આવી એના બીજે જ દિવસે સવારે હું રસોઈ બનાવતી હતી ને ગંગાબહેનનો અવાજ આવ્યો 'મેડમ હું આજે કામ કરવા નહીં આવું.'

હું તો તરત બહાર આવી, જોયું તો એની સાથે એની વહુ હાથમાં કપડાંનું પોટલું લઈ ઊભી હતી. ઘેરદાર ઘાઘરો, પગમાં ઝાંઝર, હાથમાં ડઝનેક બંગડી અને અરધા ચહેરા સુધી ઓઢેલી ઓઢણી. મેં એ નમણા ચહેરા તરફ જોયું તો નિઃસહાય હરણી જેવી બે આંખો મારા તરફ તાકી રહી હતી. એ મને કંઈક કહેવા મથતી હતી પણ મને કશું સમજાયું નહીં. એ લોકો તો ચાલ્યા ગયા પણ હું ક્યાંય સુધી દરવાજા પર ઊભી રહી.

પછીના દિવસે સવારમાં ગંગાબહેન રાધા અને પૂજાને લઈને કામ પર આવ્યા. મેં પ્રશ્નાર્થભરી નજરે એમની સામે જોયું એ બોલ્યા 'મેડમ, ત્રણેય ભાઈ-બહેનનું છૂટું કરી નાંખ્યું હોં!'

મારાથી રાડ પડી ગઈ, 'હેં ? શું કામ?'

એ ઢીલા પડી બોલ્યા, 'શું કરું? પૂજલી સુધરતી નો'તી એટલે એના સસરાએ કાઢી મૂકી. તો મેં ય એની દીકરીને કાઢી મૂકી અને રાધડીનેય પાછી લઈ આવી.'

મેં અકળાઈને કહ્યું 'અરે પણ આમ એકસાથે ત્રણ ઘર તોડી નંખાય? વનરાજ અને રાધાનો સંસાર તો સરસ ચાલતો હતો. એ ભાઈ બહેનના સંસારમાં કેમ આગ લગાડી? એને તો સુખેથી જીવવા દેવા’તા !'

એ બોલ્યાં, 'ના મેડમ... એમાં તમને નો ખબર પડે. સાટુ એટલે સાટુ. દીકરી દઈને દીકરી લીધી'તી. એણે પાછી મોકલી તો મેંય પાછી મોકલી દીધી. હિસાબ બરાબર!'

મોઢામાં ગુટકા દબાવતાં'ક એ વાસણ સાફ કરવા લાગ્યાં. મે ત્રણેય મા-દીકરી સામે વારાફરતી જોયું. ગંગાબહેન અને પૂજા તો વાસણમાં લાગી પડ્યાં, પણ રાધાની આંખોમાં મને ફરી પેલી હરણીની આંખો દેખાવા લાગી, એ નિઃસહાય બની મારા તરફ તાકી રહી હતી. સમયની ચોપાટ પર રાધાની કૂકરી મારી નાંખવામાં આવી હતી અને આકાશમાં બેઠેલો નિર્દય રમતવીર અટ્ટહાસ્ય કરી રહ્યો હતો.મને થયું કાશ... મારા હાથમાં શકૂનીના પાસા હોત તો મારી મરજીથી આ બાજી પલટાવી નાંખત અને રાધાના નસિબનું પન્નુ ફરીથી લખી નાંખત.

ગંગાબહેન રાધાને પાછી તો લઈ આવ્યા પણ રાધા જાણે પરત ફરી જ ન હતી. આવ્યું હતું તો માત્ર બેજાન ખોળિયું ! એનું રૂપ, એનો ઠસ્સો, એના ચહેરા પરની ગરવાઈ સાવ અદૃશ્ય થઈ ગયા હતાં. એના ચહેરા પર રમતું સ્વાભાવિક સ્મિત જાણે પતિ પાસે જ છોડીને આવી હતી આ છોકરી! એને તો પોતાના પતિ સાથે જ રહેવું હતું પણ એના ભાગ્યમાં લખી નાંખવામાં આવી હતી એક કારમી, અનંત જુદાઈ.એક પળ માટે પણ અલગ ન થનારા પ્રેમાળ જોડલાંને સગા મા-બાપે અલગ પાડી દીધાં હતાં એનાથી મોટી કરમની કઠણાઈ કઈ હોય? એની આંખમાંથી સતત શ્રાવણ-ભાદરવો વહેતા હતાં અને મા જેવી મા પથ્થર બનીને આ નિર્દોષ યુગલની વચ્ચે ઊભી હતી. રાધાની ઊંઘ વેરણ થઈ હતી એ આંખો ફાડી ફાડીને ઝૂંપડાની છતને તાક્યે રાખતી.એને પોતાની આસપાસની તમામ ઘરવખરીમાં પતિનો ચહેરો દેખાયા કરતો. પતિ યાદ આવે અને રાધા પીરસેલી થાળી પરથી ઊભી થઈ જતી. નખમાં યે રોગ ન હોવા છતાં ગળતી જતી હતી આ માસૂમ હરણી.

ફોનની ઘંટડી વાગી અને હું વર્તમાનમાં પાછી આવી. ભૂતકાળનો પ્રવાસ મનને પીડા અને થાક આપી રહ્યો હતો.એ આઘાતજનક ઘટનાઓની હારમાળામાં ઉમેરો કરતું આ નિર્દયી દૃશ્ય થોડીવાર પહેલા જ ભજવાઈ ગયું. હજું હમણાં જ ગંગાબહેન રાધાને ઢસડીને કશેક લઈ ગયા હતાં. ક્યાં ગયા હશે ? શું મામલો હશે ? આ છોકરી પર હજું કેટલાં'ક દુઃખ પડવાના બાકી હશે ? અનેક વિચારો મનની હાંડલીમાં આંધણ બનીને ઉકળતા રહ્યાં અને હું કામે વળગી. વિચારોની આંચ અને અજંપાના ઉકળાટમાં ક્યારે રસોઈ બની, ક્યારે જમી, ક્યારે ઊંઘ આવી કશું જ યાદ નથી.

બીજે દિવસે સવારમાં ગંગાબહેને કહ્યું 'મેડમ, મારી રાધડીને પાછી લાવી છું ત્યારથી જાણે જીવ જ નથી રહ્યો ઈ છોકરીમાં ! વાલામૂઈને એના ઘરવાળાએ કંઇક કરી મેલ્યું લાગે છે દિવસ-રાત એને જ ભાળે છે એટલે વળગાડ કઢાવવા કાલે ભૂવા પાસે લઈ ગઈ હતી. એવો દોરો મંતરી દીધો છે કે હવે તો એને ભૂલ્યે જ પાર!' આ સાંભળીને મારો જીવ બળીને ખાક થઈ ગયો પણ શું થાય ? મારી આંખ સામે એની નિઃસહાય આંખો તરવરી રહી હતી અને હું સાચે જ નિઃસહાય હતી.

બીજા અઠવાડીએ ફરી એ જ સિનારીયો ! આજે એને કોઈ પીરની દરગાહ પર બળજબરીથી લઈ જવાઈ હતી. ગળામાં તાવીજ પહેરેલી રાધા મારી સામે જોઈ રહી હતી પણ મેં શરમની મારી નજર ફેરવી લીધી. કશું નહીં કરી શકવાની શરમ મને અંદરથી કોરી રહી હતી. દિવસે-દિવસે રાધાની હાલત કથળતી જતી હતી. ભરયુવાનીમાં આ ગભરુ છોકરીને વિરહનો કીડો કોતરી કોતરીને ખાઈ રહ્યો હતો અને એના રોગનો કોઈ પાસે ઈલાજ ન હતો. મને થતું હતું આ છોકરી આમ ને આમ પાગલ થઈ જશે ક્યાંક. આ કૂમળો છોડ વ્હાલની સરવાણી ઝંખી રહ્યો હતો પરંતુ જ્યાં મમતાનાં મૂળમાં જ સૂકારો લાગ્યો હતો ત્યાં બહારથી તો કોણ પાણી સીંચી શકે?

લગભગ એકાદ મહિના પછીની સવારે ગંગાબહેને આવતા વે'ત ઠૂંઠવો મૂક્યો. મને તો ફાળ પડી ! ઝડપથી બહાર દોડી જઈ પૂછ્યું, 'શું થયું?'

'મારા કરમ ફૂટી ગ્યા મેડમ... મારી રાધડી એના ઘરવાળા હારે ભાગી ગઈ. પૉલીસે બહુ તપાસ કરી પણ બેયનો ક્યાંય પત્તો લાગ્યો નહીં. અરેરે... મૂવો મારી પારેવા જેવી રાધડીને ભગાડી ગ્યો.' કહીને એમણે કપાળ કૂટ્યું.

સમયની ચોપાટ પર રાધાની કૂકરી ગાંડી થઈ હતી. ઉપર આકાશમાં બેઠેલો રમતવીર સ્તબ્ધ હતો અને હું હરખથી ઘેલી થઈ હતી.

મને અચાનક અંદરથી એવો ઉમળકો જાગ્યો કે લાવ... ને... લાપસીનું આંધણ મૂકી દઉં!


Rate this content
Log in

Similar gujarati story from Classics