Parul Khakhar

Romance Tragedy Inspirational

1.8  

Parul Khakhar

Romance Tragedy Inspirational

બટકી ગયેલી ફાંસ ‘

બટકી ગયેલી ફાંસ ‘

7 mins
7.3K


એ કેટલું રડી હતી ? કેટલી આજીજી ! કેટલી વિનવણી ! કેટલા સમાધાન ! બધું જ એળે ગયું. શું બાકી રાખ્યું હતું એણે આ સંબંધને બચાવી લેવા ? પોતાનું સ્વમાન એના પગમાં ધરી દીધું હતું, હાથ જોડ્યા હતાં, ન કરેલી ભૂલોની ય માફી માંગી હતી, કોઈ જ અપેક્ષા કે ફરિયાદ વગર માત્ર એનો ચહેરો જોઈને જિંદગી કાઢી નાખવાની તૈયારી બતાવી હતી, પણ પથ્થર ન જ પીગળ્યો.

એ કાળમીંઢ પથ્થર નામે જીગર પટેલ. સ્નિગ્ધાનો ઈતિહાસનો પ્રોફેસર અને સપનાનો રાજકુમાર.એકવીસ વર્ષની સ્નિગ્ધાને ઈતિહાસના પાઠ ભણાવતો ભણાવતો ક્યારે પ્રેમના પાઠ ભણાવી ગયો એ ખુદ સ્નિગ્ધાને પણ ખબર ન રહી. ક્યા ચોઘડિયે જીગર એના જીવનમાં આવ્યો હતો કે એ પાગલ થઈ ગઈ હતી એની પાછળ.એ માણસ કોઈ જ નક્કર કારણ આપ્યા વગર એના જીવનને વેરવિખેર કરી ચાલ્યો ગયો હતો. સ્નિગ્ધા બીજી છોકરીઓની માફક વિકલ્પોની શોખીન ન હતી નહીંતર પોતાનાથી દસ વર્ષ મોટા, બે બાળકોના પિતા, દેખાવે સાધારણ એવા આ ખડૂસ પ્રોફેસર માટે શું કામ અડધી થાય ?

જીગરે પ્રપોઝ કર્યુ ત્યારે સ્નિગ્ધાનો પહેલો મેસેજ એ હતો 'આપ મને વિશ્વાસ સજનવા'

જવાબ આવ્યો હતો 'લઈ લે મારા શ્વાસ સજનવા'

છેલ્લા શ્વાસ સુધી સંબંધ સાચવી લેવાના વાયદા કરનાર આજે માટીપગો પુરવાર થયો હતો અને સ્નિગ્ધા રડવા સિવાય કશું જ કરી શકે તેમ ન હતી.

કલાકો ચાલતી મીઠીમીઠી વાતો,રોમેન્ટીક મેસેજની આપ-લે,જાતે ગાયેલા ગીતોની વોઈસનોટ્સ,ઢગલાબંધ ફોટાઓ.

'ઓહ..હું કેમ ભૂલીશ આ બધું ?' સ્નિગ્ધા વરસતી આંખે સોફા પર માથું ઢાળી વિચારતી રહી.

એને રહીરહીને છેલ્લી મુલાકાત યાદ આવતી હતી. શિરીષ વૃક્ષનાં છાંયડે, કોઈ જળાશયના કિનારે એ માણસ કોરાધાકોર અવાજે અને સપાટ ચહેરે વાત કરી રહ્યો હતો.

'હું આ સંબંધ નહીં રાખી શકું, મને માફ કર.'

'અરે..પણ શું કામ ? શું થયું ?'

'હું મેસેજથી કે કોલથી સંપર્કમાં નથી રહી શકું તેમ.'

'શું કામ નહીં કરી શકે કોલ કે મેસેજ ?'

'મારી વાઈફને તારા અમુક મેસેજ અને કોલ હીસ્ટ્રી જોઈને શંકા પડી છે.'

'તો ઓફીસના ફોનમાંથી વાત કરજે બસ ?'

'ના. મારી નોકરીના સ્થળે હું આવું જોખમ ન લઈ શકું ત્યાં ડીટેઈલ બિલ ચેક થતું હોય.'

'એક કામ કર...બીજો ફોન અને બીજું કાર્ડ લઈ લે.'

'ના. મારાથી એ ન સચવાય ને કોઈના હાથમાં આવી જાય તો અનર્થ થઈ જાય.'

'ઓકે તો બહારગામ હોય ત્યારે જ વાત કરજે બસ ?'

'ના. આજકાલ કેટલા ખરાબ દિવસો ચાલે છે તું જો..ઘરમાં ચોરી થઈ, બાબો સાયકલ પરથી પડી ગયો,મારા કાકા ગુજરી ગયા, વાઈફના બાપુજી બીમાર પડી ગયા.'

'તો ?' સ્નિગ્ધાએ અબુધની જેમ પૂછ્યું

'એટલે એમ કે તારા આવ્યા પછી આ ઘટનાઓ બની રહી છે તો મારું મન ખાટું થઈ ગયું છે.'

'વોટ ? હું અપશુકનિયાળ છું એમ કહેવા માંગે છે ?' સ્નિગ્ધાને સમજ ન પડી કે આ માણસને શું કહેવુ.

'ના-ના એવું તો નહીં પણ...'કહીને અટકી ગયેલા પ્રિયતમના ચહેરા સામે એકધારું જોઈ રહી સ્નિગ્ધા.

'હા...બોલ બીજુ શું પેટમાં દુઃખે છે તને ?'

'એવું તો કંઈ નહીં પણ મેં સાંભળ્યું કૉલેજના અનેક છોકરાઓ તારી પાછળ છે.'

'તો ? હું શું કરું ? હું તો તારી સાથે છું.'

'પણ આઈ એમ સોરી હું તારી સાથે રહી શકું તેમ નથી.'

'હું હાથ જોડું છું. પ્લીઝ...' એ રડમસ થઈ ગઈ, આંખમાં ઝળઝળિયાં ડોકાવા લાગ્યાં.

'આમ જાહેરમાં રડીને તમાશો ન કર. હું હાથ જોડું છું.' એ ઉતાવળે બોલ્યો અને ઊભો થઈ ગયો.

અને એ વસમી સાંજે બન્ને પક્ષે જોડાયેલા હાથ બન્નેને જોજનો દૂર લઈ ગયા. ઈતિહાસના પ્રોફેસરે એને ઈતિહાસ બનાવી દીધી. સ્નિગ્ધા રડતી રહી અને એ માણસ પાછળ જોયા વગર ચાલ્યો ગયો. આ નાદાન છોકરી આખો વખત સરના ફોટા જોયે રાખતી, એના સ્ટેટસ વાંચ્યે રાખતી,એની વોઈસનોટ્સ સાંભળ્યે રાખતી,એની કૉલ હીસ્ટ્રીની મીનીટોનો સરવાળો કર્યે રાખતી અને પોતાની હથેળીની રિક્તતાને જોયે રાખતી. બધી જ રેખાઓ એની એ જ હતી છતાં રેતીની માફક કશુંક સરકી ગયું હતું.

 થોડા દિવસ પછી સ્નિગ્ધાની બહેનપણીએ સરને મનાવવાની એક કોશીશ કરી જોઈ હતી. 'સર...એ છોકરી તમારા વગર નહીં જીવી શકે.એ જીવતી લાશ બની ગઈ છે. તમે એને બચાવી લો પ્લીઝ સર... નહીતર એ પાગલ થઈ જાશે.'

બહુ જ ખરાબ ટૉનમાં પ્રોફેસર બોલ્યાં હતાં 'તમારી મિત્ર 'નવરી' છે એટલે એને આ બધું સુઝે છે.એને કહો કંઈક સારી પ્રવૃતિમાં જોડાઈ જાય. દિમાગ કશાકમાં પ્રવૃત થશે એટલે આપોઆપ બહાર આવી જશે.’

અને આ 'નવરી' શબ્દએ સ્નિગ્ધાને પૂર્ણપણે તોડી નાંખી. એ વેરવિખેર થઈ ગઈ. જાણે કોઈ ફાંસ એનામાં આરપાર ઘૂસી ગઈ જે હવે ક્યારેય નીકળી શકે તેમ નથી.એણે સરની તમામ યાદગીરીઓ ડીલીટ કરી નાંખી. ફોનનાં એકપણ ખૂણેખાંચરે એ માણસનું નામોનિશાન ન રહેવા દીધું. ફોન ખાલી થઈ ગયો અને હૈયુ ભરાઈ ગયું. એ હતાશાની ગર્તામાં એવી ધકેલાઈ કે ડીપ્રેશનનો શિકાર બની ગઈ.

 મનોચિકિત્સકની ચેમ્બરમાં એ અને ડોકટર બે જ હતાં.

'દિલ તૂટ્યું છે બેટા ?' પ્રેમાળ સ્વરે ડોકટરે પૂછ્યું.

'હા સર' એની આંખો વરસવા લાગી.

'સંબંધ કોણે તોડ્યો ?'

'એણે'

'શું વાંક હતો તારો?'

'કંઈ જ નહીં'

'કેટલા આગળ વધ્યાં હતાં ?'નિખાલસતાથી ડોકટરે પૂછ્યું

'હાથ પકડવા સુધી' સંકોચાતા એ બોલી

'તો તું શું કામ દુઃખી થાય છે ? વાંક વગરની સજા તું શા માટે ભોગવે છે ? એ હાથ છોડાવીને ગયો છે તો તું મન છોડાવી લે. આવી કુમળી કળી વયે જોગણ બનીને ફરે છે ? દરિયા જેવડી જિંદગી પડી છે દીકરી... કેમ પાર કરીશ બોલ ? વળી તું જેના માટે મરવા પડી છે એ તને યાદ પણ કરે છે ? તારા વિરહમાં દુઃખી થાય છે ?'

'ખબર નથી. મેં એને બધી જગ્યાએ બ્લોક કર્યો છે.'

'નામ બોલ'

'જીગર પટેલ'

ડૉકટરે મોબાઈલમાં ફેસબૂક ખોલી જીગર પટેલ સર્ચ કર્યુ અને સ્નિગ્ધાના હાથમાં ફોન પકડાવી દીધો.સ્નિગ્ધા આંખો ફાડીફાડીને એ પ્રોફાઈલને જોતી રહી , તાજેતરમાંજ અપલોડ થયેલા અનેક ફોટો એની નજર સામે તાંડવ કરવા લાગ્યા. સ્ત્રી અને પુરુષ મિત્રો સાથે ઐતિહાસિક ટૂરમાં આનંદ કરી રહેલો જીગર, દરિયામાં મસ્તીથી નહાતો જીગર, બગીચામાં ખુશખુશાલ ચહેરે પોઝ આપતો જીગર, પત્ની સાથેના કવર પેજ પીક્ચર પર પ્રણયભીની શાયરીઓ ચિપકાવતો જીગર, હસતા ચહેરે ફાઈલો પર સહી કરતો જીગર...

સ્નિગ્ધાને ચક્કર આવવા લાગ્યા. એનો પ્રિયતમ ખુશખુશાલ હતો. એના ચહેરા પર સંબંધ તૂટ્યાનો કોઈ રંજ ન હતો અને પોતે ડીપ્રેશનની સારવાર લઈ રહી હતી ! બસ....આ પ્રોફાઈલ વીઝીટ સ્નિગ્ધા માટે ઊંટ પરનું છેલ્લું તણખલું બની રહી અને ડૉકટરનો માસ્ટર સ્ટ્રોક ! સ્નિગ્ધાએ આંસૂ લૂંછીને ટ્ટ્ટાર થઈને કહ્યું' સર..મારે સાજું થવું છે. મારે જીવવું છે.મારે આ વનવાસમાંથી વહેલી તકે બહાર આવવું છે મને મદદ કરો.'

 સ્નિગ્ધાએ પેલી ફાંસને બટકાવી નાંખી બહાર રહેલો અડધો ટૂકડો એણે દૂર દૂર ફેંકી દીધો અને અંદર રહેલા સણકતાં ટૂકડાને ચામડીના જ એક ભાગ તરીકે સ્વીકારી લીધો. એ ભલે રહ્યો સણકતો રહેશે તો મને જીવંત હોવાની ખાતરી આપશે, એ બટકી ગયેલી ફાંસ જ મને જીવવાનું બળ આપશે.

ડૉકટરની સારવાર કામ કરી ગઈ અને સ્નિગ્ધાનો આત્મવિશ્વાસ.એ છોકરી બે મહિનામાં તો કારમા આઘાતમાંથી સંપૂર્ણ બહાર આવી ગઈ. પછી તો ભણતી ગઈ અને સાથોસાથ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતી ગઈ. પાસ થતી ગઈ અને ક્લાસ વન ઓફિસર તરીકે એક સરકારી કચેરીમાં રાજ કરવા લાગી. ક્યારેક ભૂતકાળની ભૂતાવળ ધૂણવા લાગતી ત્યારે એ પોતાની જાતને કામમાં ડૂબાડી દેતી. એને અનેકવાર 'અપશુકનિયાળ' અને 'નવરી'ના વિશેષણો યાદ આવી જતાં અને એ નવા નવા કામ શીખવા લાગતી. અનેક કામકાજની સાથેસાથે એણે હિલીંગ થેરાપી શીખી લીધી. અનેક દીન દુઃખિયાઓને એણે રેકી કરીને સાજા કર્યા. કોઈ વ્યક્તિ પીડામુક્ત થાય અને પેલી બટકી ગયેલી ફાંસના સણકાં બે ઘડી થંભી જતાં. કોઈના મોઢેથી આશીર્વાદના બે બોલ નીકળે અને પેલું 'અપશુકનિયાળ'નું બિરુદ ભૂલાઈ જતું.ફા ઈલોના થપ્પા વચ્ચેથી પણ સમય કાઢીને કોઈને મદદરુપ થવાતું ત્યારે પેલું 'નવરી'નું મહેણું ઓગળી જતું. એને હવે કોઈની સામે ફરિયાદ ન હતી. એ ખુશ હતી કારણકે એને ખુશ રહેતા આવડી ગયું હતું.

એક સાંજે થાકીને આંખો બંધ કરી એ પોતાની ચેમ્બરમાં બેઠી હતી ત્યાં જ પટાવાળાએ આવીને એક કાર્ડ મૂક્યુ. 'આ ભાઈ મળવા માંગે છે.મેં કહ્યું કે મેડમને મળવાનો સમય પૂરો થઈ ગયો છે તો પણ આ કાર્ડ પકડાવીને મોકલ્યો મને'

થાકેલી-કંટાળાભરી નજરે એણે નામ વાંચ્યું

'જીગર પટેલ'

જાણે વિજળીનો કરંટ પસાર થયો હોય એમ એ ટટ્ટાર થઈ ગઈ. મગજમાંથી એકસાથે હજારો વિચાર પસાર થઈ ગયાં.સ્વસ્થતાથી બોલી 'મોકલો'

પાણી પીને એ આરામથી બેઠી

જીગર હળવેથી દરવાજો ખસેડીને અંદર આવ્યો. સ્નિગ્ધાએ ઝડપથી નજર ફેરવી. નિસ્તેજ ચહેરો, ખરી ગયેલા વાળ,ઊંડી ઉતરેલી આંખો અને ચાલમાં નરમાશ.

સ્નિગ્ધાએ બેઠાંબેઠાં જ કહ્યું' આવો સર, બેસો'

થોડી ઔપચારિક વાત પછી મૂળ વાત પર આવતા જીગર બોલ્યો 'મારી વાઈફ અતિશય બીમાર છે. દવા અને દુઆ બધું અજમાવી લીધું છે.સાંભળ્યું છે તમારી રેકીથી અનેક દર્દીઓ સાજા થયાં છે. મારી વાઈફને સાજી કરી દો પ્લીઝ...'

સ્નિગ્ધાએ ઠંડા કલેજે ઘડીયાલમાં જોયું અને બોલી, 'જુઓ સર,ચુંટણી માથા પર છે, મારે હજારો કામ છે હું જરાય નવરી નથી આજકાલ.'

'પ્લીઝ, આપણી તો જૂની ઓળખાણ છે' એ દયામણા ચહેરે બોલ્યો.

'જી સર, એ જૂની ઓળખાણના નાતે જ તમે મોડા પડ્યા છતાં પણ તમને મળી, આટલી વાત કરવાનો સમય ફાળવ્યો બાકી તમે સમજો છો ને ? હું અત્યારે જરાય નવરી ન પડી શકું' કહીને એ ઊભી થઈ ગઈ. દરેક વખતે નવરી શબ્દ પર મુકાયેલો ભાર બન્નેને સમજાતો હતો. જીગર પણ કમને ઊભો થયો ત્યાંજ સણસણતું વાક્ય આવ્યું' આવજો સર,જતાંજતાં દરવાજો બંધ કરતા જજો'

 બીજે દિવસે જીગર હાજર ન હોય એ સમયે સ્નિગ્ધા એના ઘરના દરવાજે જઈ ઊભી. દરવાજો ખુલતાં જ એક મીઠડો ટાબરિયો સામે આવ્યો. એ જ મોટું કપાળ, એ જ હડપચીએ ખંજન...એ જોતી જ રહી.

'કોનું કામ છે ?'

'મને ડોકટરે તારા મમ્મીની સારવાર માટે મોકલી છે'

એ અંદરના રૂમમાં દોરી ગયો. પથારી પર એક કૃશકાય સ્ત્રી આંખો મીંચી પડી હતી.પોતાના પ્રેમની બલિ લેનાર આ જ સ્ત્રી ને ? મને જીવતેજીવત લાશ બનાવનારી આ જ સ્ત્રી ને ? આને જ મારે જીવતદાન આપવાનું ? સ્નિગ્ધા વિચારી રહી પણ બીજી જ પળે તમામ વિચારો ખંખેરી એ સ્ત્રીનો હાથ પકડ્યો. હૃદયના કોઈ ખૂણામાંથી એના તરફ અપાર કરુણાનો ધોધ વહેવા લાગ્યો. પોતાની તમામ શક્તિ કામે લગાડીને સ્નિગ્ધાએ તમામ હકારાત્મક્તા, તમામ પ્રાર્થનાઓ, તમામ દુઆઓ એ સ્ત્રી માટે ખર્ચી નાંખી.જાણે અંદરથી કશુંક ખાલી થઈ રહ્યું હતું, કોઈ ફાંસ નીકળી રહી હતી અને સ્નિગ્ધા હળવી થઈ રહી હતી. થોડીવાર પછી સ્નિગ્ધા ઊભી થઈ ,એ સ્ત્રીના માથા પર હાથ ફેરવી મનોમન 'અખંડ સૌભાગ્યવતી' બોલીને સડસડાટ ઘરની બહાર નીકળી ગઈ.

 બસ... એ દિવસથી જીગરની પત્ની ઘોડા વાળતી થઈ ગઈ. સ્નિગ્ધા પોતાના કામમાં વધુ ને વધુ ખૂંપતી ગઈ અને પેલી બટકી ગયેલી ફાંસે ઘરબદલો કરી લીધો. એ જીગરના દિલોદિમાગમાં સણક્યાં કરે છે દિવસ..રાત...નોનસ્ટોપ.


Rate this content
Log in

Similar gujarati story from Romance