'સરલાદેવી'
'સરલાદેવી'
ડ્રેસીંગ ટેબલ સામે તૈયાર થઈ રહેલા સરલાબેનની પાછળ અચાનક આવી અરીસામાં જ આંખો ઉલાળી સ્વીટીએ પૂછ્યું'શું સરલાદેવી, આવા ગુલાબી ગુલાબી થઈને ડેટ પર જાઓ છોં?'
'ગૂડી મર ઓટીવાળ, પેન્શનરોની મીટીંગમાં જાઉં છું.'
'આયે...હાયે...દાદી, તને જોઈ બધા ડોસલાનું બી.પી. વધી જવાનું આજે'કહી સ્વીટીએ આંખ મીંચકારી.
'હે ભગવાન... આની ભાષા સુધારો કોઈ'કહી સરલાબેને મીઠો છણકો કર્યો.
'સુન દાદી, મારે આ ઉંમરે નવો દાદો નથી જોઈતો હાં! તું સાચવીને રહેજે' કહી દાદીની કમરે ચીંટીયો ભર્યો
અને દાદી-દીકરી ખડખડાટ હસી પડ્યાં
સીત્તેર વર્ષના સરલાબેન અને બાવીશ વર્ષની સ્વીટી દાદી-પૌત્રી નહીં પણ બે ગાઢ બહેનપણીઓ હોય એ રીતે રહેતાં હતાં. બન્ને વચ્ચે સમજણની એક અદૃશ્ય કડી હતી, જે મનોજ અને મોનાને ક્યારેય ન દેખાતી. એ બન્ને સ્વીટીના માબાપ હોવા છતાં સ્વીટીને એટલાં ન સમજી શકતાં જેટલાં સરલાબેન!દાદી-દીકરીની જુગલબંધી જોઈ મોના ક્યારેક અકળાઈ જતી અને મનોજ પાસે ફરિયાદ કરતી 'દીકરીની જાતને આટલાં શું લાડ કરવાના? પારકા ઘરે નથી મોકલવાની? મમ્મ્મીએ એને બહુ ચડાવી છે.મારું તો સાંભળતી જ નથી.'
'ડાર્લીંગ, તું શા માટે ટેન્શન લે છે? તું ધારે છે એ કરતાં મમ્મી વધારે સમજદાર છે. એ સમજે છે કે આજની પેઢીને ઉપદેશોથી નહીં સમજાવી શકાય. એમના જેવડા થઈને, એમની ભાષામાં વાત કરીશું તો સમજશે પણ ખરા અને માનશે પણ ખરા. 'મનોજે સમજાવટભર્યા સ્વરે કહ્યું. મોના મનોમન ધુંધવાતી રહી પણ કશું બોલી નહીં.
એક દિવસ...
'દાદી, આ દોરી બાંધી આપ ને' કહેતી સ્વીટી સરલાબેન પાસે ઊભી રહી ગઈ.
'હાય..હાય... આવો બેકલેસ ડ્રેસ પહેરીને કોલેજનાં એન્યુઅલ ફંક્શનમાં જવું છે? આખા ગામની વેજા ભેગી થઈ હશે ત્યાં.' મોનાએ કકળાટ શરુ કર્યો.
'કમઓન મમ્મા, સુધરી જા હવે. ત્યાં કોઈ છોકરી મારી જેમ ડ્રેસ પહેરીને નહીં આવે ટૂંકા ટૂંકા કપડાંમાં હશે. કોઈની મમ્મી આવું નથી કહેતી બસ... તને જ વાંધા પડે છે.' સ્વીટી ઉછળી પડી.
'ચાલ... મારા રૂમમાં.' કહી સરલાબેન એને પોતાના રૂમમાં લઈ ગયાં.
ડ્રેસની દોરી બાંધતા બાંધતા સરલાબેને અરીસામાં જ આંખો ઉલાળી કહ્યું'લૂકીંગ સો હોટ બેબી...'
'શું દાદી તું યે...' સ્વીટી હજું યે અકળાયેલી હતી.
'યેસ મેરી બુલબુલ... હોટ લાગવું ખરાબ બાબત નથી પણ સાચવજે. તારી મમ્મીની ભાષા ખોટી છે, કહેવાની રીત ખોટી છે પણ વાત સાચી છે એ ન ભૂલજે.
'હા દાદી, ચિંતા ન કર. કપડાં ખુલ્લા પહેર્યા છે પણ દિમાગમાં તારા સંસ્કારો બાંધીને રાખ્યાં છે. તારી દીકરી પર ભરોસો રાખ અને હા... અમ્માજાનને પણ સમજાવ કે તારી જેમ વિચારતી થાય.ચલ... બાય.' કહી સ્વીટી ચાલતી થઈ.
'અરે... ઊભી રહે, હું યે આવું છું. મને મંદીરે ઉતારતી જજે.'
મંદીર આવતાં જ સ્વીટીએ સ્કૂટી ઊભું રાખી કહ્યું' ચાલ દાદી, તારા બોયફ્રેન્ડ કાનાનું મંદીર આવ્યું.'
હજું તો સરલાબેન ઉતર્યા ત્યાં જ એક આધેડ મહાશય પ્રગટ થયાં. 'અરે... સરલાબેન કેમ છો? ઓળખાણ પડે છે? હું નવીન રુપારેલ. આપણે ટ્રેનીંગમાં સાથે હતાં.'
'ઓહ... હા... કેટલાં બધાં વર્ષો થઈ ગયા. નામ આપ્યું એટલે ઓળખ્યા બાકી ન ઓળખાત. કેમ છો?' સરલાબેને ઔપચારિક સ્મિત વેર્યું.
'હા... સમયના ચાસ મારા પર દેખાય છે એટલે ન ઓળખાઉ પણ તમે તો એવા ને એવા જ છો એટલે તરત ઓળખી ગયો.'
બન્નેની વાતમાં વિક્ષેપ પાડતાં સ્વીટી બોલી; 'દાદી હું જાઉં છું. તું સાચવજે. ઘરે જઈને કોલ કરી દેજે. બાય.'
બન્ને વડીલો પણ ફોન નંબર અને સરનામાની આપ-લે કરી છૂટાં પડ્યાં.
આ નાનકડી મુલાકાત પછી નવીનભાઈ અવાર નવાર સરલાબેનને ભટકાઈ જતાં. સરલાબેનથી બેત્રણ વર્ષ નાના નવીનભાઈ દીકરાની બદલી થતાં આ શહેરમાં આવ્યા હતાં. ચારેબાજું અજાણ્યા લોકોની વચ્ચે નવીનભાઈને સરલાબેન મળી જતા સારું લાગ્યું. બન્ને જીવનસાથી વગરના એકલા જ હતા. સરખી ઉંમર, સરખા વિચારોને કારણે બન્નેને સારી કંપની મળી ગઈ. એકબીજાના ઘરે આવતાં જતાં. કલાકો વાતો કરતાં. બન્નેના ફેમિલી પણ મીક્ષ થવા લાગ્યા હતાં.
એકવાર દાદી દીકરી એકલાં હતાં ત્યારે સ્વીટીએ ગંભીર થઈ કહ્યું, 'દાદી, એક વાત કહું?'
'કહે ને, શું વાત છે? પૈસા જોઈએ છે? કોઈ છોકરો ગમી ગયો છે કે કોઈ સાથે ઝગડો થયો છે?'
'ના દાદી, એ વાત નથી.'
'તો?'
'મને આ તારા ફ્રેન્ડ નવીન અંકલ નથી ગમતા.' એ સંકોચાતા બોલી.
'ઓહ... કેમ નથી ગમતા? કંઈ થયું? કંઈ ગેરવર્તન કર્યું? ખરાબ નજરે જોયું? સરલાબેને ઉચાટથી પૂછ્યું.
'ના દાદી, મારી સામે ખરાબ નજરે નથી જોયું પણ એ તારી સામે ખરાબ નજરે જુએ છે.'
'ઓહ... નો... પણ મેં તો એવું માર્ક નથી કર્યું ક્યારેય.'
'પણ મેં કર્યું છે. તું એની સામે હોય ત્યારે નહીં પણ તું કંઈક કામમાં હોય ત્યારે એ તારી સામે લોલૂપ નજરે જોયા કરે છે.'
'હે ભગવાન... હવે હું શું કરુ? અચાનક સંબંધ કેમ તોડવો?' સરલાબેન ચિંતભર્યા સ્વરે બોલ્યાં.
'જો દાદી, અત્યારે કંઈ ન કર નોર્મલ જ રહે, સમય આવે ત્યારે પાણી બતાવી દેવાનું.'
'પણ મને તો હવે બીક લાગે છે એ માણસની.'
'અરે દાદી, બીવાનું શું ? એ પુરુષ છે કંઈ વાઘ દીપડો નથી કે તને ફાડી ખાશે. એન્ડ આફટર ઓલ તું સ્વીટીની દાદી છો. જોજે સમય આવ્યે કાચી ન પડતી.' કહીને સ્વીટીએ વાતાવરણ હળવું કરી નાંખ્યું.
સરલાબેન પૌત્રીની સમજદારી પર વારી ગયાં. ઘરમાં ચડ્ડી પહેરીને, જીંથરકા વાળ લઈને ફરતી, બાળકની જેમ ગોદમાં લપાઈને સૂતી આ છોકરી આટલી મોટી થઈ ગઈ? પુરુષની નજરને પારખતા શીખી ગઈ?સરલાબેનને વ્હાલ ઉભરાઈ આવ્યું એણે સ્વીટીને ચુમી લીધી.
સમય સરતો રહ્યો. બન્ને પરિવાર વધારે નજીક આવી રહ્યાં હતાં. સાથે ફરવાં જવું, હોટેલમાં જમવાં જવું, ફિલ્મો જોવા જવું હવે સહજ થઈ રહ્યું હતું. સરલાબેન બધા પ્રોગ્રામમાં સાથે જ રહેતાં પરંતુ પેલી સ્વીટી વાળી વાત ભૂલ્યાં ન હતાં. બી.પી.ના પેશન્ટ હોવાથી આ બાબતને બહુ મન પર ન લેતાં પણ સતર્ક તો થઈ ગયા હતાં.
એક દિવસ નાચતી કૂદતી સ્વીટીએ કહ્યું, 'ઓયે... સ્વીટહાર્ટ, 'ગોલમાલ અગેઈન' લાગ્યું છે આજ રાતના શોની ટીકીટ લેવા જાઉં છું તું આવે છે ને?'
'ના હોં ! મારે એ ગોટાળા જોવા નથી આવવું.'
'અરે ઓલ્ડ લેડી, બહુ મજા પડશે કસમથી. ચાલ ને... આમ દાદીવેડાં ન કર ને!'
'મને સાચે જ આવી કોમેડી નથી ગમતી, તમે બધા જાઓ.'
'પણ તું એકલી શું કરીશ?'
'હું લેપટોપ પર 'સીક્રેટ સુપરસ્ટાર' જોઈશ.'
'વાહ રે મારી હિરોઈન... સીક્રેટ સુપરસ્ટાર તો તું જ છે.' કહીને ફ્લાઈંગ કીસ આપી સ્વીટી ટીકીટ લેવા ચાલી ગઈ.
બન્ને પરિવાર ફિલ્મમાં ગયાં અને સરલાબેને જમી પરવારી લેપટોપ ખોલ્યું. ફિલ્મ શરુ કરી અને થોડીવારમાં જ ડોરબેલ વાગી. સરલાબેનનો એક ધબકારો ચૂકાઈ ગયો.
'અત્યારે કોણ હશે?'
દરવાજો ખોલતાં જ નવીનભાઈ દેખાયા. અંદર આવી હસતા હસતા બોલ્યા. મને આવી ફિલ્મો ન ગમે એટલે હું પણ નથી ગયો. વિચાર્યું કે ચાલો આપણે નવરા બેઠાં ગપાટા મારીએ.' સરલાબેનને એમનું આવવું જરાય ન ગમ્યું તોપણ ચહેરા પર કળાવા ન દીધું.
'તમે શું કરતાં હતાં ?' નવીનભાઈએ પૂછ્યું
'સીક્રેટ સુપરસ્ટાર' જોતી હતી.'
'ચાલો... પહેલેથી શરુ કરો, સાથે જોઈએ.' કહી લેપટોપને ટીપોઈ પર મૂકી નવીનભાઈ સોફા પર સરલાબેનની બાજુમાં ગોઠવાયા.
ફિલ્મ ચાલતી રહી, બન્ને ચુપચાપ જોતા રહ્યાં પણ સરલાબેનનાં મનમાં ઉચાટ હતો. બીકના માર્યા ધબકારાં તેજ ચાલવા લાગ્યાં હતાં. રહીરહીને સ્વીટીની વાત યાદ આવતી હતી. આમ એકલાં બેસી ફિલ્મ જોવી અજુગતું લાગી રહ્યું હતું. એણે બગાસું ખાતાં કહ્યું ઊંઘ આવે છે મને તો, ફિલ્મમાં બહુ મજા નથી આવતી.'
'લો... એમાં શું? ફિલ્મ બંધ કરી દઈએ. કડક મસાલેદાર ચા પીએ એટલે ઊંઘ ગાયબ !' નવીનભાઈ ચપટી વગાડતા બોલ્યા.
સરલાબેન કમને ચા બનાવવા રસોડામાં ગયાં. ઈશ્વરનું નામ લેતાંલેતાં બેધ્યાન બની દુધમાં ખાંડ-ચા-મસાલો નાંખતા હતાં. ચા ઉકળી રહેવા આવી ત્યાં જ અચાનક નવીનભાઈ રસોડામાં આવી ગેસ તરફ મોં રાખી ઊભેલા સરલાબેનને પાછળથી વળગી પડ્યાં. કમરમાં હાથ સરકાવ્યો અને ગળા પર હોઠ ચાંપી દીધા. સરલાબેન તો આ અણધાર્યા હુમલાથી ગભરાઈ ગયાં. એનાં હાથપગ પાણીપાણી થવા લાગ્યા, હૃદય જોરજોરથી ધબકવાં લાગ્યું. એકસાથે હજારો વિચાર મગજમાંથી પસાર થઈ ગયાં.
એ અણગમતી પકડમાંથી છૂટવા મથી રહ્યાં. પકડ વધુ ને વધુ મજબૂત થવા લાગી. સરલાબેન, 'નો..પ્લીઝ..નો.' 'મને છોડી દો પ્લીઝ...' બોલતાં રહ્યાં. નવીનભાઈ એક મિત્રમાંથી પુરુષમાં અને પુરુષમાંથી જનાવરમાં તબદિલ થતાં ગયાં. એના સ્પર્શભુખ્યા હાથ કમર પરથી પેટ પર અને પેટ પરથી છાતી તરફ સરક્યા એ સાથે જ અચાનક સરલાબેન પલ્ટી ગયાં. બરાબર નવીનભાઈની સામે આવી ગયાં. રાતીચોળ આંખો, હાંફતી છાતી, આખા શરીરે ઉતરી આવેલા પરસેવાના રેલા, ધ્રુજતાં હાથપગ... સરલાબેનનું સ્વરૂપ ફરી ગયું હતું. નવીનભાઈ કામાતુર બની એના હોઠ પર હોઠ મૂકવા ગયાં ત્યાં જ સરલાબેને હતી એટલી તમામ તાકાત એકઠી કરી પોતાનો જમણો પગ નવીનભાઈના બન્ને પગ વચ્ચે કચકચાવીને માર્યો. મર્મસ્થાને થયેલા અચાનક હુમલાને કારણે નવીનભાઈ ગબડી પડ્યા. પોતાની તમામ શક્તિ ખર્ચી નાંખનાર સરલાબેન પણ ત્યાં જ ઢળી પડ્યા.
ફટાફટ ફોન થયા, એમ્બ્યુલન્સ આવી, બન્ને પરિવાર દવાખાને પહોંચી ગયાં. ડોકટરે અફસોસ સાથે જણાવ્યું કે સિવીયર હાર્ટ એટેકને કારણે સરલાબેન ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતાં. સ્વીટી તો સ્તબ્ધ બની ગઈ. દાદીના શરીરને વળગીને રડતી રહી. સતત હાથ ફેરવતી રહી. 'દાદી પાછી આવ... ઊભી થા. તારી સ્વીટીને આમ એકલી મૂકીને ન જા...પ્લીઝ..દાદી..કમ બેક.' સ્વીટીનો વલોપાત ઘરની દિવાલોને પીગળાવી રહ્યો હતો. સરલાબેનની લાશ ઘરની બહાર નીકળી અને સ્વીટી પોતાના રૂમમાં પૂરાઈ ગઈ. પુરા બે દિવસ ખાવાપીવાનું છોડી એ રડતી જ રહી.
ત્રીજા દિવસે શહેરના સૌથી મોટા ટાઉનહોલમાં સરલાબેનની પ્રાર્થનાસભા રાખવામાં આવી. એમના સત્કાર્યોની સુવાસ અને માયાળુ સ્વભાવને કારણે આખો હોલ માણસોથી ચિક્કાર ભરાઈ ગયો હતો. ત્રણ ચાર ભજનો અને બે મીનીટના મૌન પછી સ્વીટી સરલાબેનની છબીની બાજુમાં આવીને ઊભી રહી. માઈક હાથમાં લીધું અને સ્ન્નાટો ચીરતા સ્વરે કહ્યું, 'ઉપસ્થિત સ્વજનો અને મિત્રો, તમે જેમની પ્રાર્થનાસભામાં આવ્યા છો એ સરલાદેવી એટલે કે મારા દાદી વિશે બે શબ્દો કહેવા માંગું છું.'
લોકો એકધ્યાન બની ગયાં
'મારી દાદી મરી નથી પણ શહિદ થઈ છે.'
આ સાંભળતા જ એકસાથે તમામ લોકોના મોં ખુલ્લા રહી ગયા.
ગળુ ખોંખારીને આગળ બોલી, 'શું માત્ર દેશના સિમાડાનું રક્ષણ કરતાં કરતાં મરનારને જ શહીદ કહેવાય? શું દુશ્મન સામે લડતાં લડતાં મોતને ભેટનાર જ શહીદ કહેવાય? શું ધર્મને ખાતર મરનારને જ શહીદ કહેશો?
દેહના સિમાડાનું રક્ષણ કરવા જતાં, હવસખોર રાક્ષસને સજા આપવા જતાં મોતને ભેટનાર સ્ત્રીને શહીદ કહેશો કે નહીં? રસોડામાંથી મળેલી તૂટેલી કંઠી અને શરીર પરના ડાઘ પરથી હું જાણી ગઈ છું કે મારી દાદીએ મૃત્યુ નહીં પણ શહીદી વહોરી છે.'
આખા હોલમાં ટાંચણી પડે તો ય હાહાકાર ફેલાઈ જાય એટલી શાંતિ હતી.
'આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે મારી દાદીની છબી પર ફૂલ ન ચડાવશો એના કપાળ પર સિંદૂરનો ચાંદલો કરી એની શહીદીને બિરદાવશો તો એના આત્માને શાંતિ મળશે.'
આટલું બોલી સ્વીટીએ પર્સમાંથી સિંદૂરની ડબ્બી કાઢી. સરલાબેનના કપાળ પર સિંદૂરથી લાંબુ તિલક કર્યું અને બ્રહ્માંડને ચીરી નાંખતા અવાજે બોલી, 'શહીદ સરલાદેવી અમર રહો.'
આખા હોલમાં 'અમર રહો' શબ્દો પડઘાઈ રહ્યાં. સન્નાટો ટુકડેટુકડાં થઈ વેરાઈ ગયો.
