આંધળો નામનો મહિમા
આંધળો નામનો મહિમા
આ ટેકનોલોજી અને ઝડપી યુગમાં પણ હજુ નામનો મોહ હોય છે. જ્યાં જીવનનો કોઈ ભરોસો નથી. સમજવાની જરૂર છે કે આ શરીરને નામ છે આત્માને કોઈ નામ નથી. મૃત્યુ લોકની માટીમાંથી માનવ થઈને આવ્યા છીએ અને એક દિવસ એ જ માટીમાં મળી જવાનું છે. ભાવના નામ આ શરીર ને છે. આત્મા તો અજર અમર છે, એને કોઈ નામ કે નિશાનીની જરૂર જ નથી. છતાંય મોટાભાગના લોકોને નામનો મોહ બહુ હોય છે.
તમારૂ નામ સારા કર્મો અને સારા કાર્યોથી ઓળખાશે બાકી તો મા બાપે ગમે એવું સરસ અને સુંદર નામ રાખ્યું હશે પણ એ તમારા પૂરતુ જ સિમીત રહે છે. તમારુ નામ કેટલું સરસ છે, એમ નહીં પણ તમારા કાર્યોની કિર્તી તમારુ નામ અજર અમર કરે છે. બાકી તો ફોટા પર લખાઈને લટકી જઇશું અને આ ઝડપી યુગમાં દુનિયા ભુલી જશે કે કોઈ ભાવના ભટ્ટ હતા. બાકી કોને તમારા નામમાં રસ હોય? કંઈક એવું કરી જઈએ તો કોઈ આપણું નામ ઈજજતથી લે અને નામથી યાદ કરે. જેમ કે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, વીર જવાન ભગતસિંહ, જેમને લોકો આજે પણ માન અને ઈજ્જતથી યાદ કરે છે બાકી નામને શું કરવાનું? એ તો એક ઓળખ માટે આપેલું આ શરીરને એક નામ માત્ર છે. છતાંય કોઈને આ નામનો મોહ છૂટવાનો નથી.