આકાશની સવારી
આકાશની સવારી
આકાશને સૌપ્રથમ પ્રવિણભાઈને ફોન કરવાનો વિચાર આવ્યો. અને એટલે એણે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારનું સંચાલન કરતા પ્રવિણભાઈનો મોબાઈલ નંબર ડાયલ કર્યો. વાત કરતાં જાણવા મળ્યું કે તેઓ તો કૉલેજમાં હતા.
"હા, આજથી શાળા-કોલેજ શરૂ થાય છે ", એને એકદમ જ અખબારમાં વાંચેલા સમાચાર સ્મરી આવ્યા. એ પછી એણે તાબડતોબ રેશનકાર્ડ અને જરૂરી થેલીઓ લઈ લીધી. જરૂરી નાણાં પણ તેણે લીધા. હવે એને કેવળ નહાવાનું બાકી રહેતું હતું. એ પછી એણે નાહી લીધું. જ્યારે પણ એને બહાર ગામ જવાનું થાય ત્યારે તે નાહી લેતો. ઠંડા પાણીથી સ્નાન કર્યા બાદ તે ઓરડામાં આવ્યો. તિજોરી ખોલી. પ્લાસ્ટિકની એક બેગમાંથી તેણે ન્યૂ બ્રાન્ડ ટી- શર્ટ કાઢી. પહેરી લીધી અને એણે આયનામાં જેવી નજર નાખી કે તેનાથી બોલાઈ જવાયું; " વાહ !"
તેણે જીન્સનું પેન્ટ પહેર્યું. પગમાં; થ્રી ઈડિયટ મા કોઈ અભિનેતા પહેરે છે એવા શૂઝ પહેર્યા. એ પછી તેણે કાપડનો એક કકડો કે ટુકડો લઈને રવેશમા મૂકેલ સ્કૂટીને ચોખ્ખીચણાક કરી નાંખી. તેણે દેવસ્થાનમા મૂકેલ ગોગલ્સ લીધા અને પોતાની આંખો ઉપર ચઢાવી દીધા. એ પછી રેશનકાર્ડ અને જરૂરી થેલીઓ તેણે સીટ નીચેના ખાનામાં મૂકી દીધી. તેની સ્કૂટી ચાલુ થવાનો અવાજ તેની મમ્મીના કાને સંભળાયો.
ગણતરીની સેકંડોમાં તો આકાશની સ્કૂટી ગામ ફાડીને બહાર નીકળી ગઈ. એ વેળા રસ્તાને અડીને આવેલ એક મકાનની બારીમાંથી શરીરમાં જાડા એવા એક મહિલાએ ડોકિયું કર્યું. આકાશનો લૂક જોતાં જ તેઓ કહેવા લાગ્યા, " અરે, તમે તો ઓળખાતા જ નથી ને હે…" આકાશે એમની તરફ મો ફેરવીને જોઈ લીધું. એમણે સ્મિત રેલાવ્યુ. એ વખતે આકાશે મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન પણ પોતાને અન્યોને સ્મિત આપવાની શકિત આપે. ઘણા વખતથી તેનું હસવાનું છૂટી ગયું હતુ. એ એવી જિંદગીની રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે કોઈ ટરનિન્ગ પોઈન્ટ આવે અને પોતાને હસવાનું કારણ મળે!
ખેર, આણંદ - સોજીત્રા રોડ ઉપર આવતાંની સાથે જ તે જાઞૃત બની ગયો. એને પોતે ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવા ગયો હતો એ દિવસ યાદ આવી ગયો. તેણે એક નાની બુક વાંચી હતી. તેમાં વાહન ચલાવતી ઘડીએ પાળવાના નિયમો લખ્યા હતા.
સરસ મજાનો ઠંડો પવન તેને સ્પર્શી રહ્યો હતો. તેણે આસપાસ નજર નાખી. તેને ખેતરોમા ઊગી નીકળેલા છોડ નજરે ચઢ્યા કે જેનો રંગ લીલો હતો. રસ્તાની બંને બાજુ પણ તેને મોટા મોટા વૃક્ષો જોવા મળ્યા.
આગળ જતાં એક વળાક આવ્યો. એણે આજુબાજુ નજર નાખી. અને રસ્તો ક્રોસ કર્યો. તે થોડે આગળ ગયો હશે ને તેણે પોતાની સ્કૂટીને બ્રેક મારી. તેની નજર રજની પર પડી. રજની તેનો પરિચિત હતો. સગાંમાં આવતો હતો. રજનીએ પોતાની સાઈકલને સ્ટેન્ડ પર ઊભી રાખી. ટાઈમનો પાક્કો એવો આકાશ લગભગ પંદર મિનિટ સુધી તેની સાથે ઊભો રહ્યો. ઓછું ભણેલા રજનીના ચહેરા પર તેને ભોળપણ જોવા મળ્યુ. આ એક એવું ભોળપણ હતું કે જે સી.જી. રોડ ઉપર સુટ- બુટમાં સજ્જ થઈને ઊભેલા એવા શખ્સના ચહેરા પર ભાગ્યે જ જોવા મળે!
ઔપચારિક વાતો થઈ. આકાશને એણે પૂછ્યું; " આધાર કાર્ડ લાવ્યો છે? "
"ના...એ લાવવું પડશે એની તો મને ખબર જ નહોતી." આકાશે કહ્યું. નોકરીની વાત નીકળી એટલે એને જાણવા મળ્યું કે રજની ; નોકરીની તપાસ માટે જઈ રહ્યો હતો.
" ઓછું ભણેલા હોય એને કેવી તકલીફ પડે!" આકાશે મનોમન વિચાર કર્યો. એને વીસ વર્ષ પૂર્વેનુ જીવન સ્મરી આવ્યું. એ વખતે રજની 'કોનિક'ની ટેપ લાવ્યો હતો. તેની પાસે એક રેડિયો પણ હતો. ટેપ કે રેડિયો રિસાય એ વેળા રજની સ્વયં ડોક્ટર બની જતો હતો. એ વખતે આકાશ નાનો હતો. તે પ્રાથમિક શાળામાં ભણતુ એક બચ્ચુ હતું.
એને ' સાજન', 'ફૂલ ઔર કાન્ટે', 'દિલવાલે ', 'સડક ' વગેરે ફિલ્મો યાદ આવી ગઈ. એ સાથે સાથે એને એ ફિલ્મોના મધુર ગીતો પણ યાદ આવી ગયા. એક પંક્તિ તો તેણે મનોમન ગણગણી પણ લીધી, "જબ જબ પ્યાર પે પહેરા હુઆ હૈ...પ્યાર ઔર ભી ગહેરા ગહેરા હુઆ હૈ…."
ખેર એને ખ્યાલ આવ્યો કે અત્યારે રજની સમક્ષ પુરાની યાદો યાદ કરાવવાનો કોઈ અર્થ સરે તેમ નહોતો. કેમકે એને નોકરીની તલાશ હતી.રજનીએ આકાશને પોતે કોઈ કંપનીમાં પહેલાં કામ કરવા માટે ગયો હતો એ
એ અંગે વાત કરી. જોકે એણે દર્દ સાથે કહ્યું કે ત્યાં તેને ફાવતું નહોતું. કંપનીમાં રંગ બનાવાતો હતો. અને તેને કારણે રજનીને નુકશાનકારક કેમીકલના સંપર્કમાં આવવાનું બનતું હતું. તેણે પોતાની આપવીતી કહી સંભાળાવી. આકાશે તેનો મોબાઈલ નંબર લીધો અને ક્યાંક વ્યવસ્થિત જગ્યા હશે તો જણાવશે એવા મતલબની વાત કરી.
એ પછી તેણે રજા લીધી અને બાંધણી તરફ પોતાની સ્કૂટી હંકારવા લાગ્યો. પ્રત્યેક મહિને એક વખત તો તેને બાંધણી જવાનું બને જ. લીલો રંગ અને બાંધણી ગામ જાણે એકબીજામાં ભળી ગયા ન હોય એવું એને હંમેશા લાગતું. માર્ગમાં એક એવો વાસ પણ આવતો કે જ્યાં તેને દર વખતે ગધેડા ઊભેલા જોવા મળતા. જ્યારે આ ગધેડા પર ગુલાલ છાટેલો હોય એ વેળા એમને જોવાનું આકાશને ખૂબ ગમતું.
ખેર, જ્યારે તે ભંડારે આવ્યો ત્યારે તેણે જોયું કે બે યુવાનો લેપટોપ અને રસીદ બુક લઈ બેઠા હતા. અનાજ આપનારો છોકરો આવ્યો તો તેની પાસેથી તેને જાણવાં
મળ્યુ કે પરિવારના પ્રત્યેક સભ્યના આધાર કાર્ડની જરૂર પડશે. રેશનકાર્ડના છેલ્લા આંકડાને આધારે જે તે ઉપભોક્તાને અનાજ આપવામાં આવતું હતું. આકાશે નોટિસ બોર્ડ પર જોયું તો તેને ખબર પડી કે તેનો વારો તો ત્રેવીસ જુલાઈ 2021 ના રોજ આવતો હતો. જોકે એનો પણ વાંધો નહોતો. તેણે પ્રવિણભાઈનો નંબર જોડીને પેલા લેપટોપવાળા ભાઈ સાથે વાત કરાવડાવી એટલે અનાજ તો મળી શકે એમ હતું. પણ પ્રોબ્લેમ આધાર કાર્ડનો હતો. તેના વિના અનાજ મળી શકે એમ નહોતું. એવામાં અનાજ આપનારો એક છોકરો આકાશની નજીક આવ્યો અને કહેવા લાગ્યો, " તમાર મોબાઈલમ મંગાઈ લોનઅ…" આકાશે સ્પષ્ટતા કરી કે એના ઘેર બીજો સ્માર્ટફોન નથી અને એમ પણ કહ્યું કે પોતાની મમ્મીને ફોટો પાડતા આવડતું નથી.
ખેર, એને મનમાં એકદમ ઝબકારો થયો કે પોતે મોબાઈલમાં ઘરના દરેક સભ્યના આધારકાર્ડના ફોટા પાડી રાખ્યાં હોત તો સારું થાત! એને ડીજી લોકરની એક સુવિધા પણ યાદ આવી. પણ રાડ્યા પછીનું ડહાપણ શું કામનું!
એણે નક્કી કર્યું કે પોતે ઘેર પરત ફરશે અને આધારકાર્ડ લઈને પરત આવશે. તે સ્કૂટી પર સવાર થઈ ગયો. તેને મનમાં અકળામણ તો થઈ પણ પછી એણે એ રીતે વિચાર્યું કે બધું ક્યાં પોતાના હાથમાં હોય છે! તેણે ધૈર્ય રાખ્યું અને પોતાના ગામ તરફ પ્રયાણ કરવા લાગ્યો. તે જ્યારે ડ્રાઈવિંગ કરતો ત્યારે બાજનજર રાખતો. ખાડા ટેકરાનુ ખાસ ધ્યાન રાખતો.
ખેર, ઘેર આવીને એણે સુટકેસ ઊઘાડી અને એમાંથી પરિવારના ત્રણેય સભ્યોના આધારકાર્ડ કાઢ્યા અને પોતાની સ્કૂટી સંગ બાંધણીની વાટ પકડી. એ દિવસે તો એને સ્કૂટી ચલાવવાની રીતસરની મજા પડી ગઈ.
ભંડારે પહોંચ્યો એટલે એને કેટલીક બાબતો અંગે પૂછવામાં આવ્યું. જેમ કે ઘરમા ટીવી - ફ્રીજ છે કે કેમ ? માસિક આવક કેટલી? તેણે સાચા જવાબ આપ્યા કેમકે તે જાણતો હતો કે સવાલ પૂછનારા કંઈક હેતુથી પૂછી રહ્યા હતા. એ પછી તેની પાસેથી ચાલીસ રુપિયા વસૂલ કરવામાં આવ્યા. એટલે કે લેવામાં આવ્યા. એક રસીદ બની કે જેને ; પેલા અનાજ આપનારા છોકરાને આપતાં તેને અનાજ મળ્યું. આકાશને વીસ કિલો ઘંઉ અને આઠ કિલો ચોખા આપવામાં આવ્યા.
સ્કૂટીના આગળના ભાગે તેણે બધું ગોઠવી દીધું અને એ પછી તે ત્યાંથી રવાના થયો. ઘેર પરત આવતી ઘડીએ તેણે પોતાની સ્કૂટીને ધીમે ધીમે ચલાવી. રસ્તામાં બે-ત્રણ જણે તેનું ધ્યાન સ્કૂટીના સ્ટેન્ડ કે ઘોડી તરફ દોર્યુ કે જે હરહંમેશ લબડેલી કે લટકેલી રહેતી. એ વિચારતો રહ્યો કે લોકો કેટલા કેર કરનારા છે. એક લગભગ દસેક વર્ષની છોકરીએ તેની આંખોમા આંખો મિલાવતા કહ્યું, " તમારી સ્કુટીની ઘોડી પડેલી છે! "
તેણે પેલી છોકરીને દેખતા જ ઘોડીને સરખી કરી. હકીકતમાં તો તે ઘોડી બગડી ગયેલી હોઈ કશો વાંધો આવતો નહોતો. પરંતુ અન્ય લોકોને તો એવું જ ને કે બિચારા ભાઈ પડી જશે! આકાશને ધીમે ધીમે સમજાવા લાગ્યું કે દુનિયા સાવ નાંખી દીધા જેવી નથી. પેલી અજાણી છોકરીને આકાશ સાથે નાહવા નિચોવવાનોય સંબંધ નહોતો તોયે તેણે આકાશને ઘોડી અંગે ધ્યાન દોર્યુ. આકાશે સ્મિત વેરતા વેરતા એ છોકરીની વાત કાને ધરી.
ખેર , એ પછી તે જેવો રોડ પર આવી ગયો કે લીલાં લીલાં ખેતરો નજરે ચઢ્યા. તે જાણતો હતો કે તે જે જગ્યાએથી પસાર થઈ રહ્યો હતો તે જગ્યા બીજું કશું નહીં પણ કબ્રસ્તાન હતું.
થોડે આગળ જતાં એની નજર સ્મશાન પર પડી. તેના દ્વારે જે વ્યક્તિએ તેનું નિર્માણ કરવામાં આર્થિક મદદ કરી હતી તેનું નામ લખવામાં આવ્યું હતું. તે સ્મશાનની નજીક ન ગયો પણ દૂરથી જોયું કે કેટલાક લાકડાં અડધાં બળેલા હતા. કોઈ એક ઝાંખરા ઉપર તેને સફેદ રંગનું કપડું નાંખેલું જોવા મળ્યું. તેણે ફિલ્મી ગીતની એક પંક્તિમાં થોડો ફેરફાર કર્યો અને પછી ગાવા લાગ્યો, " મૈ કભી બતલાતા નહીં પર સ્મશાન સે ડરતા હું મૈ મા ….! "
સ્મશાન દર્શન અને કબ્રસ્તાન દર્શન કર્યા બાદ તે આગળ વધ્યો. મેઈન રોડ પર આવતા તે સાવધ થઈ ગયો કેમકે એ રોડ પર મોટા મોટા વાહનો પસાર થઈ રહ્યા હતા. થોડે આગળ જતાં તેને એક લારી ઊભેલી જોવા મળી કે જે લારીમાંથી તે દર વખતે કશુંક તો ખરીદ તો જ. એને મહિનામાં એક વખત બાંધણીની મુલાકાત લેવાનું બનતું.
તેણે લારીમાં જોયું કે બે જાતના રીંગણ હતા. પથરીના દરદમાં ઉપયોગી એવું બિજોરૂ પણ એને લારીમાં જોવા મળ્યુ. તેની સાથે સાથે ગુવાર સિન્ગ, ભીન્ડા અને ટામેટાં તો હતા જ. તાજા ગલકા પણ તેની નજરે ચઢ્યા. અખબારમાં વીટાડેલા પપૈયા પણ તેણે જોયા.
" શુ છે પપૈયાનો ભાવ? " આકાશે પૂછ્યું
" ચાલીના કિલો..." લારીવાળા ભાઈએ કહ્યું.
આકાશે પાંચસો ગ્રામ પપૈયા લીધા. કદમા મોટા એવા મરચાં પણ તેના ધ્યાનમાં આવ્યા. તેણે પૂછ્યું, " એક લઉ? "
"હોઉ" લારીવાળો કહેવા લાગ્યો. એ પછી આકાશે એક મરચું લીધું ત્યાં તો પેલા લારીવાળાએ વધુ ચાર મરચાં આકાશની થેલીમાં મૂકી દીધા. આકાશ તો જોતો જ રહી ગયો! એને 'આનંદ'નુ કોઈ એક વોટ્સ એપ સ્ટેટસ યાદ આવી ગયું. તેણે કારેલા પણ ખરીદ્યા. એ પછી તે જેટલા નાણાં ચૂકવવાના થતા હતા તે ચૂકવીને ત્યાંથી રવાના થયો. ઘેર આવીને એણે પોતાની જાતને જ સવાલ પૂછ્યો, " આજે શું શીખ્યો? "
આકાશના અંતરાત્માએ એને કહ્યું કે કેટલીક વખત એક ધક્કમા કાર્ય પૂરું ન થાય તો કાર્ય પડતું મૂકવું નહીં બલકે પ્રયાસ જારી રાખવો.
