આ પણ, વીતી જશે
આ પણ, વીતી જશે




અજંપા ભરી રાત હતી. પલાશ રૂમનાં એક છેડે થી બીજા છેડે આંટા મારી રહ્યો હતો. એનું મન-ચેતના જાણે સુન્ન થઇ ગયાં હતાં. છેલ્લાં છ મહીનાથી ---જૂઇ એ એની સાથે બ્રેકઅપ કર્યુ પછીથી એ જાણે સાવ એકલો પડી ગયો હતો. અધૂરાં માં પૂરું, ઓફિસમાં એના નવાં ઉપરી ને કોણ જાણે એની સાથે શું વેર હતું? ડગલે ને પગલે એનું અપમાન કર્યાં કરતો. હમણાં જ હેડ ઓફિસ ને મોકલવામાં આવેલ વાર્ષિક રીપોર્ટ માં પણ એણે પલાશ માટે નેગેટીવ પોઇન્ટસ જ લખેલાં. રીસેશનનાં આ સમયમાં આવા રીપોર્ટ સાથે નોકરી લાંબી ન પણ ટકે!! ઓફિસ ના બીજા કલીગ્સ આ ગાળીઓ પોતાના ગળામાં ન આવે એવી વેતરણમાં પલાશથી પણ દૂર જ રહેતાં. ઘરમાં ફકત વૃધ્ધ -બીમાર પિતા હતાં. એમની સંભાળ પણ પલાશે લેવી પડતી. એવામાં એમના સાથ,એમની હૂંફ ની તો દૂર. . દૂર. . સુધી આશા ન હતી. આ હતાશા ભરી એકલતા એને ચારેકોરથી ભીંસતી હતી. એનો શ્વાસ પણ જાણે રુંધાતો હતો. તાજી હવાની લહેરખી માટે વલખાં મારતાં એણે બારી ખોલી. . બહાર પણ એના અસ્તિત્વમાં વ્યાપેલ સૂનકાર જેવો જ સૂનકાર હતો. આંગણામાં ઉભેલું વૃક્ષ પણ નીબીડ અંધકાર માં લપેટાયેલું હતું. ક્યાંય સુધી પેલા અંધકારને તાકતાં એ બેસી રહ્યો. અચાનક કંઇ યાદ આવતાં એ ઉઠ્યો. ડ્રોઅરમાંથી ઉંઘની દવાની શીશી કાઢી એણે બધી દવા હથેળીમાં ઠાલવી. બસ, પાણીમાં નાંખી આ બધી જ ગોળીઓ ગટગટાવી જાઉં કે કાયમની શાંતિ. . . !!! એણે વિચાર્યું. પાણીનો ગ્લાસ ભરતો હતો ત્યાં જ બહારનાં રૂમમાંથી પપ્પાનાં ખાંસવાના અવાજે એને ચમકાવી દીધો. કંઈક વિચારતાં. . . ફક્ત એક ગોળી મોઢામાં મૂકી. . બાકીની ગોળી બોટલમાં ઠાલવી ,સાચવી ને મૂકતાં એણે ડ્રોઅર બંધ કર્યુ. પલંગમાં પડી આ સૂની ક્ષણોને ટીંગાડવાની ખીંટી શોધતો હોય તેમ બહાર ઉભેલાં વૃક્ષ ને ફંફોસતો રહ્યો. . . તંદ્રા માં સરતો ગયો.
અચાનક પલાશે પોતાના શરીરમાં એક અજીબ સળવળાટ અનુભવ્યો. એણે હેરતભરી નજર પોતાના શરીર પર નાંખી અને તદ્દન જ ચોંકી ગયો. પલાશ તો એક વૃક્ષ બની ગયો હતો !!!. . લીલાંછમ પાન ને લાલશ ભર્યાં કેસરી રંગના ફૂલોથી ભર્યું સુંદર વૃક્ષ!!! એણે આસપાસ નજર નાંખી----નાનાં મોટા બીજાં કેટલાયે વૃક્ષ આસપાસ ઉભાં હતાં. . . મસ્તીથી ઝૂમતા. . .
એને પાછી પેલી શ્વાસ ગૂંગળાવતી રુંઘામણ યાદ આવી. . . વિચાર્યું. . અરે! હું પ્રાણ માટે હવાતિયાં મારું છું! ને આ બધા કેવી રીતે મસ્ત છે? એણે ડચકાં ખાતાં -ખાતાં પાસે ઉભેલી મસ્ત લીંબોળીને પૂછ્યું " અરે! મારાથી તો શ્વાસ પણ નથી લેવાતો ને તમે મજા કરો છો?" લીંબોળી પોતાના પાંદડાં ખડખડાવતાં હસી પડી ને બોલી" અરે! એ તો તું નવું નવું વૃક્ષ બન્યું છે ને? એટલે તને સમજ નથી પડતી!! આપણે કંઇ આ માણસોની જેમ જીવવા માટે--પ્રાણ ટકાવવા ફક્ત બહારના વાતાવરણ પર આધાર ન રાખીએ !! પ્રાણવાયુ--પ્રાણશક્તિ આપણી અંદર જ તો હોય !! આપણે જ આપણા પ્રાણવાયુ નાં --આપણાં જીવનનાં-- સર્જનહાર. . . જો હજી ઊંચે જઇ મુક્ત મને શ્વાસ લે. . ને લો, પલાશ નું ચિત્ત પણ હવાની લહેરખીએ ઝૂલી ઉઠ્યું. . . ફૂલ ફૂલ ખીલી ઉઠ્યું.
મસ્ત હવા, ઝૂલતી ડાળી પર ચહેકતાં પંખી, ખીલતાં ફૂલ. . . પલાશ તો પૂર જોશમાં મહોર્યો.
ત્યાં તો, અચાનક જોરદાર આંધી ને તોફાન શરુ થયાં. બધા વૃક્ષ વાવાઝોડામાં આમ થી તેમ ડોલવા લાગ્યાં. . કોઇ -કોઇ તો એટલાં નમી ગયાં કે જાણે હમણાં જ પડશે!! પલાશ ને તો સખત બીક લાગી ને એણે આંખો જ બંધ કરી દીધી. . . થોડી વારે હિંમત કરી આંખ ખોલી તો આશ્ચર્ય!! આજુબાજુ ના વૃક્ષ પરથી નીચે ખરતા ફૂલ ને પત્તીઓ ધૂળની ડમરી સાથે આમ થી તેમ ધૂમરાતાં નૃત્ય કરી રહ્યાં હતાં !! તેમની ડાળીઓ એકબીજા સાથે જોર જોરથી અથડાઈ જાણે તાળીઓ પાડતાં ગરબા રમી રહી હતી!! એણે બૂમ પાડી, પેલી લીંબોળી અને એની જ બાજુમાં રહેલ પીપળાને પૂછ્યું. "અરે! આ આંધી -તોફાન આપણાં પર ત્રાટક્યાં છે ને તમને ડર નથી લાગતો!!?? " ડોલતાં-ડોલતાં એ બોલ્યાં " મૂળ ને મજબૂત પકડી રાખીએ પછી ડર શેનો? આ તોફાન તો હમણાં વીતી જશે. અને ફરી પાછા નવા પાન-ફૂલ મહોરી ઉઠશે. ફક્ત મનમાં એક ભરોસો રાખ ! ને પછી જો એક અદીઠ શક્તિ. "
સાચે જ ,થોડીવારે તોફાન શમી ગયું ને સૂરજનાં ચમકતાં કિરણોમાં બધા વૃક્ષ હસી ઉઠ્યાં. પલાશ પણ. . .
સવારે. . . . પલાશની આંખ ઉઘડી ત્યારે એના ચહેરા પર આછું શું સ્મિત હતું. આ પળ સાથે અનુસંધાન કરતાં થોડી ક્ષણ વીતી. એણે આંગણામાં નજર નાંખી. રાત્રે અંધકારમાં લપેટાયેલું પેલું વૃક્ષ,અત્યારે સૂર્ય કિરણોમાં ચમકતું હતું. બહાર નીકળી ,આંગણાનાં વૃક્ષ પર સ્નેહથી હાથ પસારતાં એ બોલ્યો " થેંક્યુ! તમારી શ્રધ્ધા મારામાં રોપી તમે મારી હતાશાને આનંદમાં પલ્ટી નાંખી. સાચું કહું તો મારી જિંદગી બચાવી !! હવે મને ભરપૂર ખાત્રી છે કે,
" પોતાની વાંસળી પોતે બજાવીએ ને
રેલાવી દઇએ સૂર. . . "
મારો મુખ્ય સૂર હવે હશે. . . . કુદરતની રક્ષા ને કુદરતનું સામીપ્ય ---જેનામાં અજંપા ને આનંદમાં પલટાવવાનું સામર્થ્ય છે !