આ જ ક્ષણમાં જીવી લે
આ જ ક્ષણમાં જીવી લે
અવિનાશની ગાડી પણ એના મનની જેમ મંદ ગતિએ ચાલી રહી હતી. હાથમાં પકડેલા ગાડીના સ્ટેરીંગ સાથે મોઢામાંથી નીકળતા ગીતના શબ્દો,"દુઃખી મન મેરે, સુન મેરા કહેના..."નો તાલમેલ ચાલી રહ્યો હતો."આખરે શું રહી ગયું છે આ જીવનમાં ? શા માટે જીવું છું અને કોના માટે જીવુ છું ? આખરે કઈ દિશામાં જઈ રહ્યો છું ?"અવિનાશના મનમાં ઉઠતા આ બધા જ પ્રશ્નો ઉત્તરહિન થઈ ગયા હતા. માતા-પિતાનું એકનું એક સંતાન, માત્ર ૨૫ વર્ષના અવિનાશની આ હાલત જોઈને એના માતા-પિતા પાસે જીવ બાળવા સિવાય બીજો કોઈ વિકલ્પ બાકી નહોતો રહ્યો. જ્યારથી સપનાએ અણધાર્યા અકસ્માતના કારણે અવિનાશની જિંદગીમાંથી અચાનક વિદાય લઈ લીધી હતી ત્યારથી અવિનાશનું જીવન ત્યાં જ થંભી ગયું હતું. એક' જિગ સો 'પઝલનીની જેમ ટુકડે ટુકડા થયેલું એનું હૃદય ક્યાંથી પણ જોડાવા નું નામ નહતું લઈ રહ્યું. માતા-પિતા પણ એને કેટલું સમજાવતા કે કોઈના જવાથી આમ જીવન અટકી નથી જતું. પોતાનું અતીત ભૂલીને અવિનાશ ને ફરી પોતાનું જીવન નવેસરથી શરૂ કરવું જોઈએ. આખરે માતા પિતા પ્રત્યે પણ એની કોઈ ફરજ હતી. કોઈ એક વ્યક્તિના જીવનમાંથી બાકાત થઈ જવા ને કારણે, પોતાની જોડે સંકળાયેલી બીજી વ્યક્તિઓ ને એની સજા ક્યાં સુધી આપવી. પરંતુ દુનિયાદારીની વાતોથી જાણે અલિપ્ત થઈ ગયેલું અવિનાશનું મન આ બધી વાતોથી પર થઈ અંધકાર તરફ વધુ ને વધુ ધકેલાતું જતું હતું. જ્યારથી સમજ આવી ત્યારથી એના જીવનના દરેક તબક્કામાં એની સાથે જાણે-અજાણે જોડાયેલી એની નાનપણની સાથીદાર સપનાની અચાનક થયેલી બાદબાકીથી જાણે એના જીવનનો આધારસ્તંભ હલી ગયો હતો.
અચાનક પાછળ કોઈ ટ્રકના હોર્નના અવાજે ભૂતકાળમાં ખોવાયેલા અવિનાશને વર્તમાનમાં લાવી દીધો. એની ગાડી ટ્રાફિક સિગ્નલ પાસે આવીને ઊભી રહી. એને અચાનક જ એના જુના સ્કૂલ સમયના મિત્ર વિશાલને મળવાનું મન થઈ ગયું. વિશાલ મહેતા એટલે શહેરના નામી ડોક્ટરોમાંથી એક ડોક્ટર અને અવિનાશનો ખાસ મિત્ર અને હમદર્દ પણ. આજે ફરી એકવાર એની પાસે જઈને દિલ હલકું કરવાનું મન થઈ આવ્યું. એણે ગાડી નો યુ-ટર્ન લીધો અને સામેની બાજુમાં આવેલી હેલ્થ કેર હોસ્પિટલના ગેટ પાસે જઈને પોતાની ગાડી ઊભી રાખી. શહેરના ચાર પાંચ પ્રખ્યાત ડોક્ટરોએ સાથે મળીને બનાવેલી હેલ્થ કેર હોસ્પિટલની અંદર પ્રવેશ કરી અને ડોક્ટર વિશાલ મહેતાની કેબીનમાં જઈને બેઠો. ડોક્ટર વિશાલ હજી આવ્યા ન હતા. અચાનક બહારથી ખડખડાટ હાસ્યનો અવાજ આવ્યો અને પછી જાણે વાવાઝોડું આવ્યું હોય એમ ૧૭ થી ૧૮ વર્ષની ઉંમરની લાગતી એક છોકરી હાથમાં બુકે લઈને"ગુડ મોર્નિંગ ડોક્ટર"કહેતા અંદર પ્રવેશી. એના ચહેરા પર ગજબનો તરવરાટ હતો. જાણે જીવનની એક એક ક્ષણ જીવી લેવાની જીવિક્ષા હોય, એટલી જીવંત લાગતી હતી."ઓહ, મને લાગ્યું કે ડોક્ટર અંકલ હશે. કશો વાંધો નહીં, આજનું એમનું આ બુકે તમારા નામ.."કહીને અવિનાશ ના હાથમાં ફૂલોનો ગુલદસ્તો પકડાવી દીધો.."બાય ધ વે, આય એમ ખુશી. હેવ અ નાઈસ ડે."એમ કહીને અવિનાશ કઈ બોલે એ પહેલા તો એ વાવાઝોડું ત્યાંથી જતું રહ્યું. ખુશીના આવી ને જવાથી ગમગીન થયેલા વાતાવરણમા અચાનક પલટો આવી ગયો. થોડી જ વારમાં વિશાલ આવ્યો. અવિનાશને ઘણા સમય પછી જોઈને એના ચહેરા પર ચમક આવી ગઈ. એણે અવિનાશના ખભા પર હાથ મૂક્યો અને બોલ્યો,"ઘણા સમય પછી ભૂલો પડ્યો ,દોસ્ત." અને પછી અવિનાશના હાથમાં રંગબેરંગી ફૂલોનો ગુલદસ્તો જોઈને કહેવા લાગ્યો,"તો આજનું મારું બુકે તે છીનવી લીધું એમને ?"
"કોણ હતી એ છોકરી વિશાલ ?"અવિનાશ ને પૂછ્યું.."મારી પેશન્ટ."ડોક્ટર વિશાલ એ જવાબ આપ્યો."શું થયું છે એને."અવિનાશે સહજતાથી પૂછ્યું."ગંભીર બીમારી છે દોસ્ત. જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે બીમારી સામે લડી રહી છે..." વિશાલ વાક્ય પૂરું ના કરી શક્યો. સાંભળતા જ અવિનાશ સ્તબ્ધ થઈ ગયો. હાથમાંથી બુકે નીચે પડી ગયું. વિશાલ કાંપતા અવાજે આગળ બોલ્યો,"જ્યારથી ખુશી હોસ્પિટલમાં આવી છે ને એણે અહીંનું માહોલ બદલી નાખ્યું છે. બધાના ચહેરા પર સ્મિત અને ખુશી વહેંચી ને એ પોતાને જીવંત રાખે છે. એક એક ક્ષણ એને જીવી લેવી છે. શું ખબર ક્યારે અંત આવી જાય આ જીવનનો ?"બોલતા બોલતા વિશાલની આંખો નમ થઈ ગઈ. એણે ચશ્મા કાઢીને રૂમાલથી પોતાની આંખો સાફ કરી. અવિનાશ અવાક થઈને બધું સાંભળતો જ રહ્યો. ખુશીને બધી જ ખબર હતી કે એની સ્થિતિ નોર્મલ નથી અને છતાં પણ એનો નોર્મલ કહી શકાય એવું જીવન જીવવાનો પ્રયત્ન જોઈને એને સલામ કરવાનું મન થઈ ગયું. મૃત્યુ તો દરેકના જીવનમાં આવે જ છે અને સૌ એ દિશામાં જવાનું છે એ પણ નક્કી જ છે પરંતુ એના આવતા પહેલા જ રોજ રોજ મરવું એ કેટલું યોગ્ય છે ? આ રીતે મરી મરીને જીવન જીવવું તો કદાચ એક અપરાધ જ છે, એવું અવિનાશ ને આજે ખુશીના મળ્યા પછી લાગી રહ્યું હતું. અત્યારે આ ક્ષણ જીવન ચાલી રહ્યું છે એ જ એક ઉત્સવ બનાવવા જેવી વાત છે. માટે દરેક ક્ષણ ને ભરપૂર જીવી લેવી જોઈએ. અવિનાશ ત્યાંથી ઊભો થઈ ગયો. ખુશીનો જીવન જીવવાનો અભિગમ અને સ્પિરિટ જોઈને એ પોતાની જાતને ધિક્કારવા માંડ્યો. થોડી ક્ષણોની મુલાકાતમાં તો એ નાનકડી છોકરીએ અવિનાશ ને પોતાની જાત સાથે મેળવી આપ્યો. એને થયું કે આ શું થઈ ગયું હતું મને. કયા અંધકાર તરફ ધકેલાઈ ગયો હું ? ઈશ્વર તો હંમેશા એની કૃપા આપણા ઉપર વરસાવતો જ રહે છે પરંતુ આપણે જ હાથ ફેલાવવામા ક્યાંક કંજૂસી કરીએ છીએ.
એ પોતાની ગાડીમાં જઈને બેઠો. ગાડીની રફતાર થોડી તેજ થઈ ગઈ. એણે જેવું મ્યુઝિક ઓન કર્યું એના ગીત વાગી રહ્યું હતું, "આગે ભી જાને ન તું, પીછે ભી જાને ના તું... જો ભી હૈ બસ યહી એક પલ હૈ !" આ ગીત સાંભળીને અવિનાશના ચહેરા પર તેજ અને આંખોમાં ચમક આવી ગઈ. એની આંખ સામે એના વૃદ્ધ મા-બાપ ના ચહેરા આવી ગયા. એણે તરત જ ખિસ્સામાંથી પોતાનો મોબાઈલ કાઢ્યો અને એમને ફોન જોડ્યો અને બોલ્યો,"કાલે તમે કઈ છોકરી વિશે વાત કરી રહ્યા હતા ? તમે જ્યારે કહો ત્યારે હું એને જોવા અને એની સાથે લગ્ન કરવા માટે તૈયાર છું." વાત સાંભળીને વૃદ્ધ માતા-પિતાનું મન ખુશીથી ઝૂમી ઉઠ્યું. અને અવિનાશે પોતાની ગાડી ઘરની દિશામાં દોડાવી. એની નવી જિંદગી એની સામે રાહ જોઈને ઊભી હતી.
