તારું જીવન વેગે વહી જાય
તારું જીવન વેગે વહી જાય
તારું જીવન વેગે વહી જાય,
પ્રેમ કરી પ્રભુને ભજી લે,
મોંઘું જીવન વેગે વહી જાય,
પ્રેમ કરી પ્રભુને ભજી લે.
સોનાની ખાણ મળે નિર્ધનને જેવી,
મોંઘી છે જિંદગી મળી તને તેવી,
જાણે તો દળદર બધું યે જાય, પ્રેમ કરી પ્રભુને ભજી લે... તારું.
સેના છે નાની ને મોટો મહારથી,
રથમાં બેઠેલો છે તેવો મોટો રથી
તેને સેવ્યે વિજય ખરો થાય, પ્રેમ કરી પ્રભુને ભજી લે... તારું.
દુનિયાના રંગોને જોઈ ના ભૂલતો,
વૈભવ ને વાસનાના જોરે ના ઝૂલતો,
ઝૂલી પ્રભુના પરમ રસમાંહ્ય, પ્રેમ કરી પ્રભુને ભજી લે... તારું.
'પાગલ' થૈ જીવનમાં ભજવાનો સાર છે,
પ્રભુની સાથે જ જેણે જોડેલો તાર છે,
તેને સેવ્યાથી સિદ્ધ બધું થાય, પ્રેમ કરી પ્રભુને ભજી લે... તારું.
- શ્રી યોગેશ્વરજી
