સાદ તારો
સાદ તારો
1 min
31
વાતા વાયરામાં સંભળાય મને સાદ તારો.
ચૂડીનાં રણકારે સંભળાય મને સાદ તારો.
ના ઉકલે મને કામ કશુંએ મારા વહાલમ,
પક્ષીના કલરવે સંભળાય મને સાદ તારો.
વિચારશૂન્ય થૈ બેઠી આશાને ઢબુરીને હું,
તરુપલ્લવ નાદે સંભળાય મને સાદ તારો.
સાવ નિર્જન એકાંત તોય મનમાં છે ભીડ,
ઘડાના ખાલીપે સંભળાય મને સાદ તારો.
અંતરવલોણું મારું કોણ છે સમજનારું?
મનના આધારે સંભળાય મને સાદ તારો.