પ્રસંગ
પ્રસંગ


ધુળેટીનો આવ્યો ફરીથી પ્રસંગ,
હવામાં છે મસ્તી ને દિલમાં ઉમંગ.
ખબર પૂછવા કેસૂડાંની ગયો,
કહે છે, મને પણ કરો આજ તંગ.
અમે લાલ પીળો કે લીલો નહી,
લગાવીશું તમને ફકત પ્રેમ રંગ.
ભલે સાવ ફિક્કો કલર હોય એ,
બની જાય શોભા, પડે એને અંગ.
તમારો ફરે ગાલ પર હાથ ને,
મને કાન સંભળાય જાણે મૃદંગ.
બની જાય તહેવાર દિવસો બધાં,
તમારો જો 'નિર્મલ' મળી જાય સંગ.