પરપોટો
પરપોટો
અહંકારી ન થા, તારા અહમનો ફોડ પરપોટો,
મહાદાની તુ થા, તારી શરમનો ફોડ પરપોટો.
કરમમાં રાખ શ્રદ્ધા, હેતુના દોડાવ ના હરણાં
ફળેચ્છા રાખ નહિ, તૃષ્ણા-કરમનો ફોડ પરપોટો.
ધરમનાં થાય ધિંગાંણા, ધરમનું ભાવિ અંધારે
અધર્મ નાચરે, ખોટા ધરમનો ફોડ પરપોટો.
નિશાને ચૂક માફી, માફ ના નીચું નિશાન તવ
વિચારો દૂર કર પોકળ, ભરમનો ફોડ પરપોટો.
ધુમાડાનો ન કર ધંધો, અંગારાનો ન કર ફંદો
બચાવી લે તુ કાયા, પણ ચલમનો ફોડ પરપોટો.
મહેકાવો સકળ કાયા, ગહેકાવો સકળ વાચા
હૃદયના શાંત ઝખ્મોમા, મલમનો ફોડ પરપોટો.
શુ શબ્દોની મહેફીલો, શુ શબ્દોની ઇબાદત છે !
ગઝલના મૌન શબ્દોમાં, કલમનો ફોડ પરપોટો.