હું તું
હું તું
ચાલો પ્રિયલ ફરી એકવાર હું તું હું તું રમીએ
સોનેરી આ સપનાઓને પુનઃ સજીવન કરીએ
હું અષાઢીલો મોરલો ને તું વાદળ ચમકે વીજ
હૃદય આપણા વરસી બેઠા એમાં આપણી જીત
ચાલો પ્રિયલ ફરી એકવાર.....
હું કૃષ્ણ કેરી વાંસલડી ને તું મુગટ શોભે પિંછ
શમણાં આપણા જીવી બેઠા એવી આપણી પ્રીત
ચાલો પ્રિયલ ફરી એકવાર.....
હું ઢળકંતું બેડલું ને તું છલકાતું એમાં નીર
પનઘટે આપણ ભીંજાઈ બેઠા એવા આપણાં ચીર
ચાલો પ્રિયલ ફરી એકવાર.....
હું મીરા તણી ચૂંદલડી ને તું રાધા તણી છે બીન
કેશવ આપણાં રિસાઈ બેઠા એવા આપણે દીન
ચાલો પ્રિયલ ફરી એકવાર....
.
હું કુંજન કરતી કોયલડી ને તું મીઠું મીઠું સ્મિત
ટહુકો આપણો ભુલાવી બેઠા એવું આપણું ગીત
ચાલો પ્રિયલ ફરી એકવાર.....
હું ગુંજન કરતો મધુકર ને તું સુગંધિત પુષ્પ
તન આપણું મહેકાવી બેઠા એવું આપણું રૂપ
ચાલો પ્રિયલ ફરી એકવાર.....
હું ઉછાળા કરતો રત્નાકર ને તું મોતી કેરુ છીપ
દર્દ દુનિયાના સમાવી બેઠા એવો આપણો જીવ
ચાલો પ્રિયલ ફરી એકવાર.....
હું ઓમકાર તણો નાદ ને તું વાંસલડીનાં સૂર
વિશ્વ સઘળું દીપાવી બેઠા ન રહીએ હવે દૂર
ચાલો પ્રિયલ ફરી એકવાર હું તું હું તું રમીએ
સોનેરી આ સપનાઓને પુનઃ સજીવન કરીએ