પ્રીતમ
પ્રીતમ
ઉર આંગણને મેં સાફ કીધાં,
નોતરાં આવવાના મેં દીધાં,
પ્રકાશ પાથર્યા નૈન ઝબકારે,
પ્રીતમ આવોને મુજ દ્વારે.
અંતરે પ્રેમપુષ્પ પથરાવ્યાં,
લોચનિયાં અશ્રુથી સજાવ્યાં.
વિયોગ વેદના મનની ભારે,
પ્રીતમ આવોને મુજ દ્વારે.
આસન આચરણનાં પાથર્યાં,
પ્રેમ પદારથ હૈયામાં ભર્યાં.
આતમરામ મારગ શણગારે,
પ્રીતમ આવોને મુજ દ્વારે.
કંઠે સુમધુર સૂરે ગીતો ગાયાં,
ના રહી મોહ તણી છાયા.
હજુએ વિલંબ શાને છે તમારે ?
પ્રીતમ આવોને મુજ દ્વારે.
ક્ષણેક્ષણ મારી તને મેં દીધી,
શ્વાસે શ્વાસે સ્તુતિ કીધી.
મિલને હૃદય ક્યારે પ્રભુ ઠારે,
પ્રીતમ આવોને મુજ દ્વારે.
