પ્રારંભ કર
પ્રારંભ કર
અંતની ચિંતા કર્યા વિના તું પ્રારંભ કર,
ધોમધખતા તાપમાં તું પડછાયો કર.
તું પ્રારંભ કર...
જિંદગી ઘડી બેઘડીની છે તું જીવ્યા કર,
સુખ દુઃખની વાતોના અનુભવ તું વહેંચ્યા કર.
તું પ્રારંભ કર...
એક સાંધતા તેર તૂટશે,
સુગરીનો માળો તું ગુંથ્યા કર.
તું પ્રારંભ કર...
પોતાનામાં જ ખોવાઈને તું પ્રશ્નો પેદા કર,
તારામાં જ ડૂબી તું દરેક જવાબ શોધ્યા કર.
તું પ્રારંભ કર...
એકડો આવડે છે તો તું એકલો ચાલ્યા કર,
શૂન્ય કરવાવાળા પાછળ આવ્યા કરશે તું ચાલ્યા કર.
તું પ્રારંભ કર...
મીઠી બોલી ને મજબૂત મનોબળ તું અજમાવ્યાં કર,
વિશ્વાસ, પ્રેમ અને એકતાનાં દીપ તું જલાવ્યા કર.
તું પ્રારંભ કર...
ભીડ વચ્ચે પણ તારો ચહેરો તું ચમકાવ્યા કર,
હરીફની ચિંતા છોડીને પક્ષીની આંખને તું સાધ્યા કર.
તું પ્રારંભ કર...
તને જ હરીફાઈમાં દોડવનારા તને જ ધક્કો મારશે,
બાળપણમાં ભાંખડીએથી ઊભાં થઈ ચાલતા વાગેલી ઠેસને યાદ કરી તું ચાલ્યા કર.
તું પ્રારંભ કર...
અંતની ચિંતા કર્યા વિના તું પ્રારંભ કર.
