માં-બાપ તો માં-બાપ છે
માં-બાપ તો માં-બાપ છે
છોરું કછોરું થાય પણ, માં-બાપ તો માં-બાપ છે.
ચરણે નમો કે ના નમો, માથે સદા એ હાથ છે....છોરું કછોરું..
દુઃખ વેઠીને જન્માવ્યા, પછી લાડ ખુબ લડાવ્યાં.
ભૂખ્યા રહી અન્ન પીરસ્યા, ને હેતમાં નવડાવ્યાં....છોરું કછોરું..
સંસ્કાર વારસો સાત પેઢીનો, સ્નેહથી જે સીંચતા.
સપનાંઓ પોષ્યાં આપણાં, ઈચ્છાઓ ખુદની બાળતા....છોરું કછોરું..
મોટા થઈ મન દુભવીએ, તો પણ વિચારે બાળ છે.
મોટું છે મન માં-બાપનું, દિલ લાગણીનો ઢાળ છે....છોરું કછોરું..
રહેશે સદાયે ઋણ એ ક્યારે, પણ અદા ના થઈ શકે
પહેરાવીએ પંડના પગરખાં, ને તો'યે પણ ઓછું પડે...છોરું કછોરું..
મુજ સાથ છે આજે પિતાનો, ઈશના આશીર્વાદ છે.
સ્વર્ગેથી દે પ્રતિસાદ તું, ઓ માવડી મુજ સાદ છે....છોરું કછોરું.
