ક્યાંય ખોવાઈ ગઈ સવાર
ક્યાંય ખોવાઈ ગઈ સવાર
શહેરની ભાગદોડ ભરી જીંદગીમાં ખોવાઈ ગઈ સવાર,
ધન દૌલતની ચકાચોંધમાં ક્યાંય ખોવાઈ ગઈ સવાર.
વડલાની ડાળનો હીંચકો અને સરોવરની પાળ ભુલાઈ ગઈ,
શહેરની સુખ સગવડમાં ક્યાંય ખોવાઈ ગઈ સવાર.
પંખીઓના ટહુકા હતા આ મંદિરનો ઘંટારવ હતો,
શહેરી કોલાહલમાં ક્યાંય ખોવાઈ ગઈ સવાર.
આ ભીની માટીની ખુશ્બૂ હતી આ તાજા ફૂલોની મહેક હતી,
આ મિલોના ધુમાડામાં ક્યાંય ખોવાઈ ગઈ સવાર.
નદીઓનો ધીમો સુર અને ઝરણાનો ઝણકાર હતો,
વાહનોના અવાજમાં ક્યાંય ખોવાઈ ગઈ સવાર.
ખેતમાં લહેરાતા પાક હતા,મહેકતી હવા હતી,
પણ ગંધાતી ગટરોમાં ક્યાંય ખોવાઈ ગઈ સવાર.
મિત્રની મુસ્કાન હતી,સ્નેહની સૌગાદ હતી,
સ્વાર્થ અને લાલચની સરિતામાં ગરકાવ થઈ ગઈ સવાર.
હોંઠો પર લાલી હતી, હૈયે ચેન સૂકુંન હતા,
હતાશા અને ચિંતામાં ક્યાંય ખોવાઈ ગઈ સવાર.
રંગ બીરંગી પતંગિયા હતા, મન મોહી લેતા ફૂલો હતા,
શહેરની ઊંચી ઊંચી બિલ્ડિંગોમાં ક્યાંય ખોવાઈ ગઈ સવાર.
