જોઉં તારી વાટડી
જોઉં તારી વાટડી
મોંઘેરા માનવ દેહ તણું મૂલ્ય સમજાવવા આવજો,
અંતરના ઓરડે અજવાળા પાથરવાને પધારજો,
હે પ્રભુ ! ઝરૂખે બેસી જોઉં છું તારી વાટડી..!
અંતરમનનાં સઘળાં દોષો સમૂળપણે નાથ કાપજો,
સદ્દગુણોના સિંચન થકી આતમ દીપ પ્રગટાવજો,
હે પ્રભુ ! ઝરૂખે બેસી જોઉં છું તારી વાટડી..!
ષડરિપુ નાથવા અક્ષરબ્રહ્મનો યોગ કરાવજો,
સમજણની સુવાસ પ્રસરાવી હૈયું મ્હેંકાવજો,
હે પ્રભુ ! ઝરૂખે બેસી જોઉં છું તારી વાટડી..!
ઉરમાં રહેલ અગણિત અભિલાષ પૂરજો,
દુન્વયી સંસારની પરિભાષા સમજાવજો,
હે પ્રભુ ! ઝરૂખે બેસી જોઉં છું તારી વાટડી..!
માનવતા-મમતાની સરવાણી નિત્ય વહાવજો,
અમ જીવનપુષ્પ મઘમઘતાં ફૂલ સમું બનાવજો,
હે પ્રભુ ! ઝરૂખે બેસી જોઉં છું તારી વાટડી..!
સંસારસાગર તરાવવા હરિ અવશ્ય પધારજો,
જ્ઞાન તણી ક્ષિતિજ અનંત સ્તરે વિસ્તારજો,
હે પ્રભુ ! ઝરૂખે બેસી જોઉં છું તારી વાટડી..!