જીવન રંગીએ
જીવન રંગીએ
જિંદગીના આકાશે નૂતન ઉત્સાહે વિહરીએ,
પ્રાચીન જંજીરો તોડી સૌ આગળ વધીએ,
ચાલો રૂડાં શબ્દ રંગે જીવન રંગીએ...!
દુર્ગુણો હટાવી સદ્દગુણોનું સિંચન કરીએ,
દેશ કાજે અવિરત મહાન કાર્યો કરીએ,
ચાલો રૂડાં શબ્દ રંગે જીવન રંગીએ...!
હોલિકા સમ રાક્ષસી વૃત્તિઓને નાથીએ,
દુઃખીજનનાં જીવનમાં અનેરો પ્રકાશ પાથરીએ,
ચાલો રૂડાં શબ્દ રંગે જીવન રંગીએ ...!
અનહદ ખુશીઓની લહેરખીમાં ભીંજાઈએ,
અંતરમન નવી આશાઓથી દીપાવીએ,
ચાલો રૂડાં શબ્દ રંગે જીવન રંગીએ...!
રંગબેરંગી પંખી બની ચારેકોર કલરવ કરીએ,
પ્રભુનાં સિંહસંતાન બની સદા સંપ રાખીએ,
ચાલો રૂડાં શબ્દ રંગે જીવન રંગીએ....!
હોળીના પાવન પર્વે ઊડે ચોમેર શબ્દ રંગ,
માનવતા રેલાય ભીંજે સૌના અંગે અંગ,
ચાલો રૂડાં શબ્દ રંગે જીવન રંગીએ....!
હે નાથ ! હુતાશનીએ સ્વ દુર્ગુણો હોમીએ,
નૂતન રંગોથી તરબતર થઈ ઉમંગે નાચીએ,
ચાલો રૂડાં શબ્દ રંગે જીવન રંગીએ...!
