જગતના જલને કોણ તરે ?
જગતના જલને કોણ તરે ?
જગતના જલને કોણ તરે ?
દુસ્તર દુનિયાનો આ દરિયો કોણ જ પાર કરે?... જગતના.
વાયુવેગથી તરંગ ઊછળે, ભીષણ શબ્દ કરે,
ગૂઢ ગ્રંથના જેવા જગનું કોણ રહસ્ય કળે? જગતના.
નિર્બળ કૈંક ગયા ડૂબી, કાયર કલ્પાંત કરે,
પ્રમાદવશ પસ્તાવો કરતા, દીનહીન તો ડરે... જગતના.
નિરાશ કૈં તો થયા નિહાળી, કૈં અકળાય ખરે;
પાર ન પામી શકવાથી કૈં અકાળ મોતે મરે... જગતના.
ઉત્સાહી જે વળી વિવેકી, ધીરજને જે ધરે;
શુદ્ધ અને સંયમવાળા તે વિજય આખરે વરે... જગતના.
‘પાગલ’ મનડું જેનું જગતના સ્વામીને જ વરે,
ચિંતામુક્ત બની તે જગથી તારે તેમ તરે... જગતના.
- શ્રી યોગેશ્વરજી
