હા હું શિક્ષક છું
હા હું શિક્ષક છું
ક્યારેક મીરાનો એકતારો હું, તો ક્યારેક મહેતાની હૂંડી,
ક્યારેક અખાના છપ્પા બનું, આ પુસ્તકો છે મારી મૂડી,
ગીલાનો છકડો ક્યારેક, હાઇકુ, ગઝલ મારા રૂપ અનેક,
કાંતના ખંડકાવ્ય બનું ક્યારેક, બનું બળવંતરાયનું સૉનેટ,
રામ બનીને હું જાવ છું વનમાં, તો ક્યારેક કૃષ્ણ અવતાર,
દયારામની ગરબી બનું હું, તો બનું હું વારસાનો આધાર,
ગ્રહો ઉપગ્રહો હૂબહૂ લાવું, વર્ગમાં આખું બ્રહ્માંડ સજાવું,
હારે ના ભવિષ્ય માટે, ઇતિહાસના કેટલાય યુદ્ધ જીતાવું,
સાન, સમજણ, સંસ્કાર આપું, ઊંચા સ્તરનો અધિક્ષક છું,
ચાર દીવાલ વચ્ચે દુનિયા બતાવું 'યાદ',હા હું શિક્ષક છું.
