દેવ દૂંદાળા પધારો
દેવ દૂંદાળા પધારો
કરી છે સ્વાગતની તૈયારી દેવ દૂંદાળા પધારો,
કરીને મૂષક તણી સવારી દેવ દૂંદાળા પધારો,
ઘરેઘરેને શેરીનાકે મંડપ તમારા છે શોભનારા,
જનેજનની આરઝૂ સ્વીકારી દેવ દૂંદાળા પધારો,
સિંદૂર પુષ્પમાળ થકી દેહ તમારો મંગલકારી,
લાભ લક્ષને સિદ્ધિબુદ્ધિ નારી દેવ દૂંદાળા પધારો,
ભાતભાતનાં ધર્યાં પકવાનને મોદક મનને મોહે,
ભૂલચૂક દ્યોને સૌની વિસારી દેવ દૂંદાળા પધારો,
પંચોપચારે કીધાં પૂજનને રાજોપચાર દિલભાવ,
માનવજાતની દીનતા વિચારી દેવ દૂંદાળા પધારો.